માની અંતિમવિધિ માટે ભીખ માંગતા બાળકોની તસવીરો વાઇરલ

ભીખમાં એકઠી થયેલી રકમની તસવીર

તામિલ નાડુના દિણ્ડુક્કલ સરકારી હોસ્પિટલમાં ભીખ માગી રહેલા અનાથ બાળકોની તસવીરો વાઇરલ થઈ છે. જેમાં માતાના મૃત્યુ બાદ અંતિમવિધિના પૈસા એકઠા કરવા બાળકો ભીખ માગી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, વિજયાનાં લગ્ન કલિપ્પન સાથે થયાં હતાં.

તેમનાં લગ્નસંબંધથી મોહનરાજ (15), વેલ્લુમુરુગન (13) અને કૈલાશ્વરી (8) થયાં હતાં.

થોડા વર્ષો અગાઉ કલિપ્પનનું નિધન થયું હતું અને વિજયા તેમના સંતાનોનો ઉછેર કરી રહ્યાં હતાં.

સ્તન કેન્સરને કારણે તબિયત કથળતાં વિજયાને દિણ્ડુક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

કોઈ સંબંધીઓએ વિજયાની મદદ ન કરતા બે દીકરાઓ જ માતાની કાળજી લઈ રહ્યા હતા.

બે દિવસ અગાઉ બીમારીને કારણે વિજયાનું નિધન થયું, છતાંય કોઈ સંબંધી મદદ કરવા માટે આગળ ન આવ્યા.

એટલે બાળકોએ જાતે જ માતાનાં અંતિમસંસ્કાર માટે પૈસા એકઠા કરવા માંડ્યા હતા.

માતા જે વોર્ડમાં દાખલ હતી, તે જ વોર્ડના અન્ય પેશન્ટ્સ પાસે બાળકોએ ભીખ માગી હતી.

આ રીતે જે રકમ એકઠી થઈ, તેમાંથી બાળકોએ અંતિમસંસ્કારની વ્યવસ્થા કરી હતી.

હોસ્પિટલમાં બાળકો દ્વારા ભિક્ષાવૃત્તિ અંગે હોસ્પિટલના જોઇન્ટ ડાયરેક્ટર માલથીને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જણાવ્યું કે શહેરમાં રહેતાં બાળકોના પરિવારજનો અંતિમસંસ્કાર માટે આગળ આવ્યા ન હતા.

આથી નાગરકૉઇલમાં વસતા તેમના કાકાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આવે તે પહેલા જ બાળકોએ અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

માલથીના કહેવા પ્રમાણે, હોસ્પિટલે બાળકોના પરિવારજનને પાર્થિવદેહ સોંપ્યો હતો અને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં નિઃશુલ્ક અંતિમસંસ્કારની વ્યવસ્થા કરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો