ગુજરાતનાં ભજિયાં પહેલાં જાપાનમાં પહોંચ્યા કે અમેરિકા?

પકોડાંની દુકાનની તસવીર Image copyright Getty Images

મિર્ઝા ગાલિબની માફી સાથે "જિક્ર ઉસ પકૌડી કા ઔર બયાં અપને ચાયવાલે"કા કરીએ તો કઢાઈમાં ઊકળતું નીચે પડવા લાગે એવી શક્યતા નથી.

પકોડી એટલે કે ભજિયાં વેચવાં એ સ્વરોજગાર નહીં પણ ભીખ માગવા જેવું કામ છે એમ કહીને કેન્દ્રના ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે વિવાદનો મધપૂડો છેડ્યો છે ત્યારથી અમારું મગજ પણ પકોડીમય થઈ ગયું છે.

આ ચટપટી વાનગીની શોધ ભારતમાં થઈ હતી અને ભારતથી જાપાન પહોંચીને તેણે 'ટેમ્પુરા' નામે નાજુક અવતાર ધારણ કર્યો હતો એવો દાવો કોઈ દેશપ્રેમી ઇતિહાસકાર ટૂંક સમયમાં કરે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ.

જેમણે ટેમ્પુરાનો સ્વાદ માણ્યો છે તેમને થોડી મૂંઝવણ થઈ શકે છે, પણ તેનાથી આપણે શું?

એ જ રીતે સ્વદેશી પકોડાંના મહિમામંડનની ઊતાવળમાં અમે યુરોપ અને અમેરિકાના 'ફ્રિટર્સ'ને પણ બાજુ પર મૂકી દઇશું.

એ બધાની ચિંતા હાલ અમને નથી. અમે તો ભારતીય ઉપખંડમાં પકોડાંના વૈવિધ્ય અને તેના અત્યાર સુધીના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ વિશે વિચારીને રાજી થઈ રહ્યા છીએ.


આપણા પૂર્વજો પણ પકોડા આરોગતા હતા?

તળીને બનાવવામાં આવતા મીઠા માલપૂઆ ખાતા આપણા વેદકાલીન પૂર્વજો પકોડાં જેવું ફરસાણ પણ આરોગતા હોય એ શક્ય છે.

જોકે, તેમાં બટાટા અને મરચાં સામેલ ન હતાં. બટાટા અને મરચાં તો પોર્ટુગલના લોકો સાથે ભારત આવ્યાં હતાં.

મરચાં ન હોત તો રાજસ્થાનના મિર્ચી વડા કઈ રીતે બની શક્યા હોત? એવી જ રીતે જાતજાતનાં પકોડાંનો રસથાળ પણ સર્જાયો ન હોત.

બંગાળમાં બેગુન ભાજા બેસનમાં તરબોળ થઈ જાય છે ત્યારે બેગુની એટલે કે પકોડાં બની જાય છે.

પકોડાં પશ્ચિમના કાંઠાળ વિસ્તારોમાં ભજિયાના નામે ઓળખાય છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં બટાટા-મેથીનાં 'ગરમાગરમ' ભજિયાં નટખટ રમૂજ છેડતાં હોય છે.

તેમાં જે 'ગરમી'ની વાત છે એ ઉષ્ણતામાનની નહીં, પણ શારીરિક જોમની ગરમીની હોય છે.

તેનો અર્થ એ થયો કે સાત્વિક ચરિત્ર ધરાવતા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

હોળી વખતે ભાંગવાળાં ભજિયાં ખવડાવીને દોસ્તોના ઉટપટાંગ વર્તનની મજા માણવાની પરંપરા હવે ક્યાં રહી છે?

હા, કિશોરાવસ્થામાં છૂપાવીને વાંચેલી 'ભાંગ કી પકૌડી' શિર્ષક ધરાવતી અશ્લીલ વાર્તાઓ જરૂર યાદ આવે છે.

આપણે અહીં પેટની ભૂખ સંતોષતી પકોડીની વાત કરવાની છે. એટલે અન્ય વાતોમાં ભટકાઇ જવાનું નથી.


કોબી, પનીર અને બ્રેડ પકોડા

Image copyright Getty Images

પંજાબના ઝિંદાદિલ લોકો પકોડીનું નામ બદલીને પકોડા કરી નાખ્યું છે, જેથી બિચારી પકોડીએ લિંગભેદી અન્યાયનો સામનો કરવો ન પડે.

અખંડ ભારતના વિભાજન બાદ સમગ્ર દેશમાં ફેલાઈ ગયેલા શરણાર્થીઓએ કોબીના પકોડાં અને પનીર પકોડાંની જ નહીં, ઈંડા, ચિકન તથા માછલીના પકોડાંની ભેટ પણ આપી હતી.

ગરીબોને પોસાય તેવાં બ્રેડ પકોડાં 1960ના દાયકામાં કોણ જાણે ક્યારે ઉદભવ્યાં પણ મસાલેદાર બટાટાનું સ્વાદિષ્ટ પૂરણ ભરેલાં કે તેના વગરનાં આ પકોડાં ચાલતાં-ફરતાં ઠંડા કે ગરમ આરોગી શકાય છે.

આજે અનાજના અભાવથી આપણે દુઃખી નથી તેથી આ પકોડાં પનીરની સ્લાઇસવાળી સેન્ડવિચનું સ્વરૂપ ધારણ કરવા માંડ્યાં છે.

અવધ અને પૂર્વી ઉત્તર પ્રદેશની મગની દાળની (બેસનની નહીં) નાનકડી મંગૌડી થોડા સમય પહેલાં સુધી રસાસ્વાદ કરાવતી હતી. પકોડાંની માસીની દીકરી હતી એ મંગૌડીઓ. ખબર નહીં ક્યાં ખોવાઈ ગઈ?

ગોવામાં અમે એક વખત કાજુની પકોડીનો સ્વાદ ચાખ્યો હતો. એ થોડી અલગ હતી.

ઓડિશામાં બને છે પિયાજી. સંકટ સમયે ભૂખ સંતોષવામાં મમરા સાથે પિયાજીની જુગલબંધી ઉપયોગી સાબિત થાય છે.

બંગાળ, ઓડિશા, ઝારખંડ વગેરેમાં કોળાં અને અન્ય કેટલાંક ફળોને પાતળા બેસન કે ચોખાના લોટમાં ડૂબાડીને જે ભાજાં બનાવવામાં આવે છે એ પણ પકોડીનું જ એક સ્વરૂપ છે.

કોલકતાના એક દુકાનદાર (લખ્ખીનારાયણ સાહૂ)નો દાવો છે કે તેમની દુકાન પર નેતાજી સુભાષચંદ્ર બોઝ તેલમાં તળેલાં ભાજાં (પકોડી) ખાવા આવતા હતા.

આજ સુધી નેતાજીના જન્મદિવસે તેઓ તમામ ગ્રાહકોને મફતમાં પકોડી ખવડાવે છે.


પકોડાં બાળકોનો ખેલ નથી

Image copyright Twitter

પકોડાં તળીને ખવડાવતા ધંધાર્થીનો બિઝનેસ માત્ર એક રેકડી કે ખુમચા વડે ચાલતો નથી હોતો.

પકોડાંનો બિઝનેસ બચ્ચાંનો ખેલ નથી તેનો પૂરાવો નવી દિલ્હીમાં રીગલ બિલ્ડિંગ પાછળની મલિક અને સરોજિની નગરમાંની ખાનદાની પકોડાં શોપ છે.

પકોડાંને એક નારો તો ક્યારેય સમજવાં ન જોઈએ.

અચાનક આવી ચડતા મહેમાનોનું સ્વાગત ઝટપટ બેસન ઘોળીને ગરમાગરમ પકોડાં તથા ચા વડે કરવામાં આવતું હતું.

આજે સમયની કમી અને નવી પેઢીની બદલાતી પસંદ તથા આરોગ્ય સંબંધી ચિંતાને કારણે પકોડીઓને 'ખતરનાક ખાદ્યસામગ્રી'ની યાદીમાં સામેલ કરી દેવામાં આવી છે.

ચિકાશમાં જે ખરાબ બાબત હોય છે એ તો છે જ. એ ઉપરાંત જૂના તેલમાંનાં ઝેરીલાં ટ્રાન્સફેટનું જોખમ પણ હોય છે.

અમે અમારા વાચકોને એટલું જ યાદ કરાવવા ઇચ્છીએ છીએ કે જે લોકો કેક-બિસ્કિટ કે પેટી જેવા નાસ્તા કરે છે તેમાં પણ અદ્રશ્ય ટ્રાન્સફેટ અને સ્વાદ વધારતી નુકસાનકારક ચીજો હોય જ છે.


હવે દુર્લભ પકોડી

પકોડાં કહો કે પકોડી, આજકાલ તેમની સાથે રવિવારે કઢીમાં જ મુલાકાત થાય છે. એ પણ ક્યારેક. તેનું દુઃખ ઓછું નથી.

ઘર હોય કે ઢાબો, મોં મૂકતાંની સાથે જ પતાસાની માફક ઓગળી જતી પકોડીઓ બનાવવાનું કૌશલ્ય હવે રહ્યું નથી.

અમારી દોસ્ત રુશિના ઘિલ્ડિયાલનું ભલું થજો. તેઓ ક્યારેક સમોસા તો ક્યારેક પકોડા દિવસની ઊજવણી કરીને ખાનપાનના શોખીનોનું ધ્યાન આ વારસા તરફ ખેંચતાં રહે છે.

પકોડાં ઝિંદાબાદ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો