પ્રેસ રિવ્યૂ: પાણી બાદ ગુજરાતમાં વીજળીની તંગી સર્જાવાના એંધાણ!

વીજકાપની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

સંદેશના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ઉનાળામાં પાણીકાપ પછી હવે વીજકાપ પણ મૂકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

અખબારના અહેવાલ પ્રમાણે નર્મદા ડેમમાં જીવંત પાણીનો જથ્થો ખલાસ થયા પછી વીજ ઉત્પાદન પણ બંધ થઈ જશે. ઉપરાંત અદાણી અને એસ્સારે પાવર પ્લાન્ટ બંધ કરી સરકારી કંપનીઓને વીજ સપ્લાય બંધ કરી દીધી છે.

હાલ યુજીવીસીએલ હેઠળના અનેક ગામડાંમાં વીજકાપ શરૂ પણ થઈ ગયો હોવાનો અખબારનો દાવો છે. ત્યારે ઉનાળામાં વીજળીની વધારે જરૂરિયાત સામે સરકારે નેશનલ ગ્રીડમાંથી વીજળી મેળવવી પડશે.

આ સંજોગોમાં ગામડાંઓમાં વીજકાપ મૂકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


ભાજપના ધારાસભ્ય નીમાબહેનને એક વર્ષની જેલની સજા

Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ 2009ના એક કેસમાં ભાજપના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય, મોરબીના માજી ધારાસભ્ય કાન્તિ અમૃતિયા અને હાલના પાસના આગેવાન મનોજ પનારાને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોરબીમાં એક સભા મામલે આ ત્રણેય સામે આચારસંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો હતો.

આ સમયે ભાજપના ઉમેદવાર પૂનમબહેન જાટના સમર્થનમાં મોરબી ખાતે એક કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું.

જેની મંજૂરી તે સમયના ભાજપના યુવા કાર્યકર મનોજ પનારાના નામે લેવામાં આવી હતી. સભામાં ભૂજના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય અને મોરબીના માજી ધારાસભ્ય અમૃતિયા પણ હાજર હતા.

તમને આ પણ વાંચવું ગમશે

આ સભામાં કાર્યકરોને જેમના વોર્ડમાંથી વધારે મતો મળશે તેમને ઇનામની લાલચ આપવામાં આવી હતી. જે સંદર્ભે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.

હાલ ત્રણેયને વચગાળાના જામીન મળી જતા હવે તેઓ ઉપલી કોર્ટમાં આ મામલે અરજી કરશે.


દેશના કરોડપતિ મુખ્યમંત્રીઓ

Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ અને નેશનલ ઇલેક્શન વોચે 31 મુખ્યમંત્રીઓનું વિશ્લેષણ જાહેર કર્યું છે.

તેમાં 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરાયો છે.

વિશ્લેષણ મુજબ દેશના 81 ટકા એટલે કે 25 મુખ્યમંત્રી કરોડપતિ છે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણી 9 કરોડની સંપત્તિ સાથે 11માં નંબર પર છે.

સૌથી વધુ અમીર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના છે જેમની સંપત્તિ 177 કરોડ રૂપિયા છે.

તો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી ત્રિપુરાના માણિક સરકાર છે. જેમની સંપત્તિ માત્ર 26 લાખ રૂપિયા છે.

આ સિવાય ટોપ થ્રીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી છે.

100 કરોડથી વધુ સંપત્તિવાળા 2 મુખ્યમંત્રીઓ છે, 10થી 50 કરોડ વચ્ચે 6 અને 1 થી10 કરોડ વચ્ચે 17 મુખ્યમંત્રીઓ તેમજ એક કરોડથી ઓછી સંપત્તિ ધરાવતા 6 મુખ્યમંત્રીઓ છે.

આ વિશ્લેષણ ચૂંટણી લડતા પહેલાં મુખ્યમંત્રીઓ તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર આધારિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો