અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બેઠેલા યુવક-યુવતીઓને મારવા દોડ્યાં વિરોધ કરનારાઓ

ફોટો
ફોટો લાઈન અમદાવાદનું રિવરફ્રન્ટ ગાર્ડન

અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહેલાં યુવક-યુવતીઓ પર હુમલાની કોશિશ કરવામાં આવી છે.

વિશ્વભરના લોકો આજે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહ્યાં છે ત્યારે તેનો વિરોધ કરતા કેટલાક લોકોએ અમદાવાદમાં કપલ્સ પર હુમલો કરવાની કોશિશ કરી હતી.

વેલેન્ટાઇન્સ ડેની ઉજવી રહેલાં લોકોનો વિરોધ કરવા બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કથિત કાર્યકર્તાઓ શહેરના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન પર પહોંચ્યા હતા.

અહીં યુવક-યુવતીઓને બેઠેલાં જોતાં જ તેઓ તેમને મારવા દોડ્યા હતા. કાર્યકર્તાઓએ કપલ્સ પર હુમલો કરવાની કોશિશ કરી હતી.

સાબરમતીનાં કિનારે આવેલા રિવરફ્રન્ટ ગાર્ડનમાં પણ પ્રવેશવાનો પ્રયાસ તેમણે કર્યો હતો.

જોકે, અહીં હાજર પોલીસના જવાનોએ તેમને ગાર્ડનમાં જતા અટકાવ્યા હતા.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અભિજીત પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ મામલે કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

તેમણે કહ્યું, "અટકાયત કરાયેલા બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ પર રિવરફ્રન્ટ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે."

સ્થાનિક મીડિયામાં જોવા મળતી તસવીરો પ્રમાણે આ લોકો હાથમાં લાકડીઓ લઈને રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જેમને જોતાં જ ત્યાં બેઠેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

હાલ અમદાવાદના અન્ય ગાર્ડનો પર પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ચુસ્ત કરાયો છે.


અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડે વિરોધી પોસ્ટરો

બજરંગ દળે બે દિવસ પહેલાં જ અમદાવાદમાં વેલન્ટાઇન્સ ડેનો વિરોધ કરતાં પોસ્ટરો લગાવ્યાં હતાં.

પોસ્ટરોમાં બજરંગ દળ દ્વારા 'નો લવ જેહાદ' અને 'હિંદુ યુવતીઓ સાવધાન' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.

એક તરફ કપાળ પર ચાંદલાવાળી યુવતી તો એક તરફ બુરખાવાળી યુવતીની તસવીર મિક્સ કરીને પોસ્ટરમાં મૂકવામાં આવી હતી.

આ પોસ્ટરમાં સ્પષ્ટ સંદેશ લખવામાં આવ્યો હતો કે 'Say no to Valentines Day'

સ્કૂલ અને કૉલેજોની બહાર આ પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં.


અગાઉ પણ બની હતી આવી ઘટનાઓ

ફોટો લાઈન નવરંગપુરા પોલીસ સ્ટેશન

અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડેનો આ રીતે વિરોધ કરવાની ઘટના નવી નથી.

આ પહેલાંનાં વર્ષોમાં પણ અનેક વખત કથિત રીતે આ બંને બજરંગ દળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઇન્સ ડે ઉજવી રહેલા યુવાનો પર હુમલા કર્યા હતા.

ગત વર્ષ એટલે કે 2017માં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં રિવરફ્રન્ટ પર બાઇક પર આવેલા કેટલાક લોકો અહીં ઊભા રહેલા લોકો પર પથ્થરમારો કરતા નજરે પડતા હતા.

જોકે, આ વીડિયો વર્ષ 2017નો નહીં પણ તેનાથી પણ જૂનો હોવાનું કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

2015, 2016 તથા 2017માં રિવરફ્રન્ટ ખાતે કથિત રીતે બજરંગ દળના કાર્યકર્તાઓએ આ રીતે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગત વર્ષે પણ 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.

તો આ પહેલાંના વર્ષોમાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી.


તોગડિયાએ વેલેન્ટાઇન્સ ડેની હિમાયત કરી

Image copyright Getty Images
ફોટો લાઈન ડૉ. પ્રવીણ તોગડિયા

હાલમાં જ ગુમ થવાની ઘટનામાં ફરી ચર્ચામાં આવેલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે હિંસા નહીં કરાય તેવું નિવેદન આપ્યું હતું.

તાજેતરમાં જ વેલેન્ટાઇન્સ ડે પહેલાં ચંદીગઢમાં આપેલા એક નિવેદનમાં કહ્યું હતું, "જો યુવક યુવતીઓ પ્રેમ નહીં કરે તો સંસાર કેમ ચાલશે. યુવાનોને પ્રેમ કરવાનો અધિકાર છે અને આ વેલેન્ટાઇન્સ ડેના રોજ કોઈ વિરોધ કરવામાં નહીં આવે."

જોકે, તોગડિયાના નિવેદનથી વિરુદ્ધ આજે કથિત રીતે વીએચપીના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર વિરોધ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો