કોંગ્રેસનો આરોપ મોદી સરકારના 44 મહિનાના શાસનમાં 286 જવાનો શહિદ

જવાનોની તસવીર Image copyright Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારના 44 મહિનાના શાસનમાં 286 જવાનો શહિદ થયા છે. જ્યારે 138 નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જવાનો શહિદ થઈ રહ્યા છે ત્યારે મોદી મૌન છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કશ્મીરમાં રોજ આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે. સરહદે પણ ગોળીબાર વધ્યો છે.

ઉપરાંત તેમણે કહ્યું કે યુપીએના 44 મહિનાનાં શાસનમાં 543 વખત પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ થયો હતો. જ્યારે મોદી સરકારના શાસનમાં 2555 વખત શસ્ત્ર વિરામનો ભંગ થયો છે.


ભાજપના નેતાઓએ સરપંચને તગેડી મૂક્યા

Image copyright BJP4Gujarat/twitter
ફોટો લાઈન સરપંચ સમારોહમાં રૂપાણી, વાઘાણી અને નીતિન પટેલ સાથે અન્ય નેતાઓ

સંદેશના અહેવાલ મુજબ ભાજપનો સરપંચ સન્માન સમારોહ ફરી વિવાદમાં આવ્યો છે. આ પહેલાં યોજાયેલો સમારોહ ફ્લોપ રહ્યો હતો.

ત્યારબાદ ફરી યોજાયેલા સમારોહમાં જૂનાગઢના ભિખોર ગામથી આવેલા સરપંચ દીપક સોંદરાએ સરકારમાં કરેલી રજૂઆતો અંગે મીડિયા સમક્ષ વાત કરી તો તેમને ધક્કે ચડાવાયા હતા.

ધક્કામુક્કી બાદ તેમને કમલમ્ સંકુલની બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ કેટલાક સરપંચો કાર્યક્રમમાં આવવાને બદલે પરત પોતાના ગામ જતા રહ્યા હતા.

અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ સમારોહમાં 922 સરપંચો આવવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તેની સામે માંડ 300 સરપંચોએ જ હાજરી આપી હતી.


પીએનબી બેંકના કરોડોના કૌંભાડમાં જેમના પર આરોપ છે તે મોદી કોણ છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ડાબે નાઓમી વૉટ્સ અને જમણે ડેબોરા લી વચ્ચે ઊભેલા નીરવ મોદી

નવગુજરાત સમયના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંકમાં થયેલા ગોટાળામાં નીરવ મોદી અને તેમની એક જ્વેલરી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ થઈ છે.

અખબારના અહેવાલ મુજબ નીરવ મોદીની ગણના માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અમીર આંત્રપિન્યોરમાં થાય છે. તેઓ એવા બિઝનેસમેનમાં સામેલ છે જેમનું નામ બ્રાન્ડ નેમ બની ગયું છે.

મોદી પરિવાર ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલો છે. બાળપણથી જ તેઓ ડાયમંડ કટિંગથી લઈને ડિંઝાઇનિંગ સ્કિલના જાણકાર હતા. બાદમાં તેઓ જ્વેલરી ડિઝાઇનર બન્યા. 1990માં તેઓ તેમના કાકા સાથે ડાયમંડના બિઝનેસમાં જોડાયા હતા.

શરૂઆતના ગાળામાં 3500 રૂપિયા તેમને પગાર તરીકે મળતા હતા. 10 વર્ષ નોકરી કર્યા બાદ મોદીએ 15 લોકો સાથે મળીને ફાઇવસ્ટાર કંપની બનાવી હતી.

મોદીએ યુરોપ, અમેરિકા અને મિડલ ઇસ્ટમાં પોતાનો ધંધો વિકસાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો