#HerChoice: 'હું દિવ્યાંગ છું, એ નહીં અમે લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં'

પ્રતિકાત્મક રેખાંકન

તમે તમારા અસ્તિત્વને જેવું છે એવું સ્વીકારી લો તો તમારી આસપાસના લોકો પણ તેને આસાનીથી સ્વીકારી લેતાં હોય છે.

એ ઘણીવાર ભૂલી જતો હતો કે મારો ડાબો હાથ નથી. એ દિવ્યાંગ ન હતો, સંપૂર્ણ હતો. તેને કોઈ પણ છોકરી મળી શકતી હતી, પણ એ મારી સાથે હતો.

લગ્ન કર્યાં વિના એક ઘરમાં અમે એક વર્ષ સાથે રહ્યાં હતાં.

આ બધાની શરૂઆત એક લગ્નસંબંધી વેબસાઇટથી થઈ હતી. મારી મમ્મીને ચિંતા હતી એટલે એ વેબસાઇટ પર મેં મારી પ્રોફાઇલ મૂકી હતી.

હું 26 વર્ષની થઈ ગઈ હતી અને મમ્મી ઇચ્છતી હતી કે મારાં લગ્ન થઈ જવાં જોઈએ.

બાળપણમાં થયેલા એક અકસ્માતમાં મારો એક હાથ કપાઈ ગયો હતો. તેથી મમ્મીની ચિંતા મને થોડી વાજબી લાગી હતી.

લગ્નસંબંધી વેબસાઇટ પર એક દિવસે રિક્વેસ્ટ આવી. એ કંઈક અલગ લાગી હતી.

છોકરો વ્યવસાયે એન્જિનિયર હતો, મારી માફક બંગાળી હતો, પણ બીજા શહેરમાં રહેતો હતો.

હું કશું નક્કી કરી શકતી ન હતી. તેથી જવાબમાં મેં લખ્યું કે હું લગ્ન માટે તૈયાર નથી. તેણે તરત જ લખ્યું, "આપણે વાત તો કરી જ શકીએ."


(#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઇચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.)


હું બે સખીઓ સાથે એક ફ્લેટમાં રહેતી હતી. સખીઓને ડર હતો કે છોકરો કપટી હશે અને મારો ઉપયોગ કરીને ચાલતો થશે તો?

મારાં બે બ્રેક-અપ થઈ ચૂક્યાં હતાં અને અગાઉના પ્રેમસંબંધોએ મને સમજાવી દીધું હતું કે રિલેશનશીપમાં હું શું ઇચ્છતી નથી.

હું નવા સંબંધ માટે તૈયાર ન હોવાની સાથે એકલી પણ જીવવા ઇચ્છતી ન હતી.

તેથી મેં વાત કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેનો ફોનનંબર 'ટાઇમપાસ' નામે સેવ કર્યો હતો.

પછી એક દિવસે અમે મળવાનો નિર્ણય કર્યો હતો. મારો એક હાથ નથી એ મેં તેને પહેલાં જ જણાવી દીધું હતું.

તેમ છતાં મને ડર લાગતો હતો કે મને જોયા પછી તેનો પ્રતિભાવ કોણ જાણે કેવો હશે!


પહેલી મુલાકાત

ફોટો લાઈન આ યુવતી સામાન્ય જીવનમાં કૃત્રિમ હાથની મદદ લે છે

એ ફેબ્રુઆરીની હળવી ઠંડીનો દિવસ હતો. ઓફિસમાં પહેરું છું એ જ ડ્રેસ મેં પહેર્યો હતો. કાજલ અને લિપસ્ટિક સારી રીતે લગાવ્યાં હતાં.

રસ્તાની એક બાજુએ ચાલતાં-ચાલતાં અમે વાતો કરી હતી. અમારી વચ્ચે ઘણી બાબતોની પસંદગીમાં સમાનતા હતી.

અમે દોસ્ત બની ગયાં. એ બહુ ઓછું બોલતો હતો. મારી બહુ સંભાળ રાખતો હતો.

હું સલામત ઘરે પહોંચી જાઉં તેની કાળજી રાખતો હતો. તેને ભલે મોડું થાય, પણ મને ઘર સુધી મૂકવા જરૂર આવતો હતો.

મારે ઘરે એકલા જવાનું હોય તો રાતે દસ વાગ્યા પહેલાં ઘરે પહોંચી જવા કહેતો હતો.

હું સારી પત્ની બનીશ કે નહીં એ ખબર ન હતી, પણ એ એક સારો પતિ બનવાની યોગ્યતા ધરાવતો હતો.

અમારા સંબંધની મંઝિલની મને ખબર ન હતી, પણ ધીમે-ધીમે અમે એકમેકને ગમવા લાગ્યાં હતાં.

એક વખત હું બીમાર પડી હતી. એ દવા લાવ્યો હતો અને મને જમાડી પણ હતી.

તેણે એ દિવસે મને પહેલીવાર આલિંગનમાં લીધી હતી. એ દિવસે બહુ સારું લાગ્યું હતું.

એ પછી અમે હાથમાં હાથ મેળવીને ચાલવા લાગ્યા હતા-મારો જમણો અને તેનો ડાબો હાથ.


ઘરમાં થયું ઘર

ફ્લેટમાં મારી સાથે રહેતી બહેનપણીનાં થોડા મહિના બાદ લગ્ન થઈ ગયાં. આખા ફ્લેટનું ભાડું એકલા ચૂકવવાનું મારા માટે મુશ્કેલ હતું.

લગ્નસંબંધી સાઇટવાળા મારા દોસ્તની બિલ્ડિંગમાં એ સમયે એક રૂમ ખાલી થયો હતો. જે દોસ્તના ઘરમાં બહારની બાજુ પર હતો. હું તેમાં શિફ્ટ થઈ ગઈ.

બધા લોકો જાણી ન જાય એ માટે અમે સાથે રહેતાં ન હતાં, પણ મારી મમ્મી મને મળવા પહેલીવાર આવી ત્યારે એ કદાચ સમજી ગઈ હતી કે અમે સાથે રહીએ છીએ.

એ સમયગાળામાં અમે એકમેકને નજીકથી જાણ્યાં હતાં.

મારો એક હાથ ન હોવાને કારણે તેને જે ડર હતો એ દૂર થઈ ગયો હતો, કારણ કે હું બધાં કામ આસાનીથી કરી શકતી હતી.

એ પછી નોકરી બદલી અને નવું ઘર શોધ્યું. ત્યાં સુધીમાં અમે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયાં હતાં.

લિવ-ઈન રિલેશનશીપનો અર્થ માત્ર વાસના નથી થતો એ ખબર હતી.

લિવ-ઈનમાં તમે કોઈની સાથે તમારી અત્યંત અંગત બાબતો શેર કરતા હો છો.

સાથ આપવાનો અને એકમેકને અપનાવવાનું વચન હોય છે. કદાચ એ જ કારણસર આપણી અદાલતોએ તેને મંજૂરી આપી છે.

તેને રાંધતા આવડતું ન હતું અને મને પણ રાંધવાનો ખાસ અનુભવ ન હતો, પણ ધીમે-ધીમે મેં બધું શીખી લીધું હતું.

મારા મનમાં ખુદ માટે જે આશંકાઓ હતી એ નિર્મૂળ થઈ ગઈ હતી. હું ભલે બહુ રોમૅન્ટિક ન હોઉં, પણ સારી પત્ની બનવાની યોગ્યતા જરૂર ધરાવું છું તેની ખાતરી થઈ ગઈ હતી.

આ વાત એ પણ સમજતો હતો, પરંતુ તેનો પરિવાર મને અક્ષમ માનતો હતો.


દિવ્યાંગ છોકરી સાથે લગ્ન નહીં

એ તેમના પરિવારનો એકનો એક દીકરો હતા. મારા વિશે તેણે તેનાં મમ્મી-પપ્પાને પહેલીવાર જણાવ્યું, ત્યારે તેની મમ્મીએ કહ્યું હતું કે, છોકરી સાથે દોસ્તી હોય ત્યાં સુધી ઠીક છે, પણ લગ્નની વાત ભૂલી જજે.

લોકો આવું શા માટે વિચારતા હોય છે? તેમની વિચારસરણી મારે ખુદ પર શા માટે થોપવી જોઈએ?

કારણ વિના ખુદનો વિસ્તાર શા માટે મર્યાદિત રાખું?

જેનું કોઈ અંગ ખરાબ હોય એવા જીવનસાથીની ઇચ્છા શા માટે રાખું?

બધી છોકરીઓની માફક હું પણ ઇચ્છતી હતી કે મને સમજે તેવો જીવનસાથી જોઈએ.

એ પછી તેણે તેના મમ્મી-પપ્પા સાથે ફોન પર મારી વાત કરાવી, પણ એ જણાવ્યું ન હતું કે તે જેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે એ છોકરી હું જ છું.

એ ઇચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા પહેલાં મને એક માણસ તરીકે જાણી લે.

હું સામાન્ય છોકરીઓની માફક કામ કરી શકું છું એ સાબિત કરવાનું દબાણ મારા પર પહેલેથી જ હતું.

તેઓ મળવા આવ્યા ત્યારે પણ આ રીતે ચકાસણી કરતા હતા.

તેમને ખબર પડી કે એક સામાન્ય ગૃહિણી કરી શકે એ બધાં કામ હું કરી શકું છું.

શાકભાજી સુધારવાં, રાંધવું, ઓછાડ પાથરવો, વાસણો ઉટકવાં, સાફ-સફાઈ કરવી. આ બધાં કામ હું મારા એક હાથથી કરી શકતી હતી.


લગ્નનાં એક વર્ષ પછી

વિકલાંગતા એક વ્યક્તિને સીમિત કરી દેતી હોય છે એ ભ્રમ તેના મમ્મી-પપ્પાના દિમાગમાંથી હવે નીકળી ચૂક્યો હતો.

આજે લગ્નના એક વર્ષ પછી અમારો પ્રેમ વધારે મધુર બન્યો છે.

મારું વિકલાંગ હોવું મારા માટે લિવ-ઈન-રિલેશનશીપ કે લગ્નમાં નડતરરૂપ બન્યું નથી.

હવે વિચારું છું કે હું બાળકને ઉછેરી શકીશ?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં જાત પર ભરોસો કરવાનું મને વધારે યોગ્ય લાગે છે.

મને મારી જાત પર ભરોસો હશે તો મારી આસપાસના લોકો પણ મા બનવાની મારી ક્ષમતામાં ભરોસો કરશે.

(આ ઉત્તર ભારતમાં રહેતી એક યુવતીની સત્યકથા છે. એ યુવતીએ બીબીસીનાં સંવાદદાતા ન્દરજીત કૌરને આ જીવનકથા જણાવી હતી. યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો