'નીરવ મોદી દાવોસમાં નરેન્દ્ર મોદી સાથે શું કરતા હતા?'

ફેબ્રુઆરી 2018માં દાવોસમાં થયેલા વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં વડાપ્રધાન મોદી સાથે ભારતીય પ્રતિનિધિ મંડળની આ તસ્વીરમાં નીરવ મોદીને જોઈ શકાય છે. Image copyright WORLD ECONOMIC FORUM
ફોટો લાઈન ફેબ્રુઆરી 2018માં દાવોસમાં થયેલા વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં પીએમ સાથે ભારતીય પ્રતિનિધિ મંડળની આ તસ્વીરમાં નીરવ મોદીને ઉપરથી બીજી હરોળમાં ડાબેથી દ્વિતિય ક્રમે જોઈ શકાય છે.

પંજાબ નેશનલ બેંકનું 11,500 કરોડનું કૌભાંડ હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે.

પંજાબ નેશનલ બેંકે આ મામલે સફાઈ આપવા માટે પત્રકાર પરિષદ બોલાવવી પડી તો બીજી તરફ કોંગ્રેસે સરકાર અને વડાપ્રધાન મોદી પર કેટલાક ગંભીર સવાલો કર્યા છે.

ગુરુવારે અબજોપતિ નીરવ મોદીના અનેક સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પંજાબ નેશનલ બેંકની ફરિયાદ બાદ પાડવામાં આવ્યા હતા.

રાજધાની દિલ્હીમાં આ મામલાને લઈને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાની પત્રકાર પરિષદ બાદ રાજકીય રંગ દેખાવા લાગ્યો છે.


કોંગ્રેસના સરકારને પાંચ સવાલ

Image copyright INCIndia/twitter
ફોટો લાઈન પત્રકાર પરિષદ સંબોધતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા
 • નીરવ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દાવોસમાં શું કરી રહ્યા હતા?
 • મોદીના રાજમાં બેંકને લૂંટવામાં આવી તેમના માટે કોણ જવાબદાર?
 • વડાપ્રધાનને જુલાઈમાં જ જાણકારી આપવામાં આવી હતી. મોદી સરકારે કોઈ કાર્યવાહી કેમ ના કરી?
 • સમગ્ર સિસ્ટમ બાયપાસ કેવી રીતે થઈ ગઈ? દરેક ઓડિટર અને તપાસકર્તાઓ હોવા છતાં આવડું મોટું કૌભાંડ કેવી રીતે છૂટી ગયું? શું એવું નથી દેખાતું કે કોઈ મોટી વ્યક્તિ આ કૌભાંડને સંરક્ષણ પૂરું પાડી રહી હતી? વડાપ્રધાનજી આ વ્યક્તિ કોણ છે?
 • દેશની પૂરી બેંકિગ સિસ્ટમની રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ અને ફ્રોડ ડિટેક્શન એબિલિટી કેવી રીતે ખત્મ થઈ ગઈ? વડાપ્રધાન જવાબ આપે.
 • PNB કૌભાંડ: ખાતેદારોને શું અસર થશે?

કેન્દ્ર સરકારનો જવાબ

Image copyright BJP/YOUTUBE

કેન્દ્ર સરકારમાં મંત્રી રવિશંકર પ્રસાદે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ રાખ્યો હતો.

તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સાથે જ તમામ મામલે ઝડપી કાર્યવાહી થશે તેવું પણ કહ્યું.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે.

તેમણે કોંગ્રેસના નીરવ મોદી વડાપ્રધાન મોદીના દાવોસ પ્રવાસમાં પ્રતિનિધિમંડળમાં સામેલ હોવાના દાવાને ફગાવ્યો હતો.

તેમણે યૂપીએના કાર્યકાળમાં થયેલા કૌભાંડો વિશે વાત કરી હતી.


પીએનબીના એમડી સુનીલ મહેતાનોખુલાસો

Image copyright INDRANIL MUKHERJEE/AFP/GETTY IMAGES
ફોટો લાઈન પંજાબ નેશનલ બેંકની પ્રતીકાત્મક તસ્વીર
 • અમને 3 જાન્યુઆરીના દિવસે આ ગોટાળાની જાણકારી મળી હતી. અમને જાણવા મળ્યું કે બેંકના બે કર્મચારીઓએ કેટલાક ગેરકાયદેસર વ્યવહારો કર્યા છે. બેંકે તેમના સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.
 • અમે કોઈપણ ખોટા કામને પ્રોત્સાહન આપશું નહીં. અમે આ ગોટાળાને સામે લાવીને રહીશું.
 • અમારા અધિકારીઓએ આ કૌભાંડને સૌથી પહેલા 2011માં પકડ્યું હતું. ત્યારે અમે સંબંધિત એજન્સીઓને જાણ કરી હતી.
 • આ એકમાત્ર મામલો છે જે અમારી બેંકની એક શાખામાં જ બન્યો છે.
 • પીએનબી આ મામલામાંથી બહાર આવવા માટે સક્ષમ છે. અમારી ફરિયાદના જવાબમાં સંબંધિત સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કરવામાં આવી રહ્યા છે. બેંકના આર્થિક હિતોના રક્ષણ માટે આ પગલાં લેવાઈ રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ