પાટણ આત્મવિલોપન: જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ

હૉસ્પિટલ
ફોટો લાઈન હૉસ્પિટલની બહાર ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાનો વિરોધ

પાટણમાં દલિત એક્ટિવિસ્ટ ભાનુ વણકરે કલેક્ટર કચેરીના પરિસરમાં ગુરુવારે બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

દુદખા ગામમાં સરકાર દલિતોને જમીન નહીં આપી રહી હોવાના આરોપસર છેલ્લા કેટલાક સમયથી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.

દલિત એક્ટિવિસ્ટ સુબોધ પરમારે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે બે દિવસ પહેલાં બે વ્યક્તિ સાથે ભાનુભાઈએ આત્મવિલોપનની ચિમકી આપેલી હતી.

આખરે લાંબા સમયથી માંગ ન સંતોષાતા તેઓ પરિવાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આત્મવિલોપનનું બેનર તેમની પાસેથી પોલીસે લઈ લીધું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

સુબોધના કહેવા અનુસાર એ પછી તરત જ ભાનુભાઈએ પોલીસ અને ફાયરફાઇટર કર્મીઓની સામે જ કેરોસીન છાંટીને પોતાને આગ લગાવી હતી.

ત્યાં હાજર ફાયર ફાઇટર અને પોલીસકર્મીઓએ આગ બૂઝાવી હતી.

ભાનુભાઈને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મહેસાણા બાદ અમદાવાદ હૉસ્પિટલ રેફર કરવામાં આવ્યા.

દલિત એક્ટિવિસ્ટ કૌશિક પરમારે બીબીસીને જણાવ્યું કે ડોક્ટરના કહેવા મુજબ ભાનુભાઈનું શરીર 95 ટકા સળગી ગયું છે. આંતરિક ભાગો પણ સળગી જવાથી હાલત ગંભીર છે.

ભાજપનો વિરોધ

આ દરમિયાન ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા હૉસ્પિટલ પહોંચ્યા તો રોષે ભરાયેલા લોકોએ તેમને પીડિત સુધી પહોંચવા ના દીધા. તેમનો હૉસ્પિટલની બહાર જ વિરોધ કરવામાં આવ્યો.

લોકોએ ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી. બીજી તરફ હિતુ કનોડિયાએ સરકાર તરફથી બનતી બધી જ મદદ કરવાની સાંત્વના આપી છે.

આત્મવિલોપનની અરજી

આ ઘટના વિશે પાટણના કલેક્ટર આનંદ પટેલે બીબીસીને કહ્યું, ''અમને આત્મવિલોપન માટે આ અરજી મળી હતી. અમે આ વિશે પોલીસને જાણ કરી હતી.''

પોલીસ પણ અરજીમાં લખેલા સરનામે તેમની ધરપકડ કરવા પહોચી હતી. પરંતુ અરજીમાં લખેલા સરનામા ખોટા હતાં.''

તેમણે આગળ જણાવ્યું, ''પોલીસ ફાયર બ્રિગેડ સાથે હાજર હતી. ભાનુભાઈ બહાર બેઠા હતા. પોલીસની નજર બચાવીને તેમણે આત્મવિલોપન કર્યું હતું.''


પાટણ બંધ કરવાની ચિમકી

ફોટો લાઈન જિગ્નેશ મેવાણી આત્મવિલોપન કરનાર ભાનુભાઈને મળવા હૉસ્પિટલમાં પહોચ્યા

બૉર્ડર રેન્જ આઈજીપી પિયુષ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતના મહેસૂલ વિભાગ સાથેના વિવાદને કારણે આ વ્યક્તિએ પોતાને આગ લગાવી હતી.

તેમણે કહ્યું કે વધારાની પોલીસ ફોર્સને તેમણે પાટણ મોકલી છે.

આજુબાજુના જિલ્લામાંથી 200 પોલીસકર્મીઓ અને રાજ્યપોલીસ દળના 100 કર્મીઓને પાટણ મોકલવામાં આવ્યા છે.

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહેસાણા જિલ્લાના પોલીસવડાને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

તેમણે કહ્યું, ''આ મુદ્દો આખા ગુજરાતમાં ઉઠાવીશું. ભાનુભાઈનો જીવ બચી જાય એ જરૂરી છે. ગુજરાત સરકારે હવે જાગવું જોઈએ. ઉના પછી આ બીજી દુખદ ઘટના છે.

ભાનુભાઈને મળવા હૉસ્પિટલ પહોચેલા જિગ્નેશ મેવાણીએ કહ્યું, ગુજરાતમાં દલિતો હતાશ છે. આખા ગુજરાતમાં લેન્ડ રિફોર્મની જરૂર છે. દલિતોના નામે થયેલી જમીનના કબ્જા તેમને સોંપવામાં આવે.

તેમણે જરૂર પડ્યે પાટણ બંધ કરવાની પણ ચિમકી પણ ઉચ્ચારી છે.


રાજકારણ ગરમાયું

બીજી તરફ આખી ઘટના પર હવે રાજકારણ પર ગરમાવા લાગ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો નૌશાદ સોલંકી, શૈલેષ પરમાર, કીરિટ પટેલ અને ચંદન ઠાકુર પાટણના કલેક્ટરને મળવા પહોંચ્યા છે.

કલેક્ટર આનંદ પટેલને મળ્યા બાદ નૌશાદ સોલંકીએ બીબીસીને કહ્યું, ''અમે માંગ કરી છે કે દલિતોની જે માંગ છે તેને જલદીથી માની લેવામાં આવે.

પીડિતના પરિજનોની સાથે વાત કરી તેમને સહાય કરવામાં આવે અને દોષી પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે.''

પાટણ પહેલાં પણ ચર્ચામાં

2017માં નવરાત્રિ દરમિયાન ગરબામાં દલિત મહિલાઓની હાજરીને લઈ હુમલો કરાયો હોવાની ફરિયાદ થઈ હતી.

ગત વર્ષે અનુસૂચિત જાતિના બાળકો માટેના છાત્રાલયમાં અભ્યાસ કરતા છાત્રો સાથે ગૃહપતિ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ