નીરવ મોદીની કથિત છેતરપિંડીથી સુરતના હીરા ઉદ્યોગને શું અસર થશે?

ડાયમંડની તસવીર Image copyright Getty Images

હીરાના વેપારીઓ તથા નિષ્ણાતોના મતે PNB કૌભાંડની સુરતના કરોડો રૂપિયાના હીરાના વ્યવસાય પર મોટી અસર થઈ શકે છે.

સમગ્ર દેશમાં હાલ PNB કૌભાંડ મામલે ચર્ચા ચાલી રહી છે. નીરવ મોદીના મામલે રાજકીય પક્ષો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે.

ગુરુવારે નીરવ મોદીના મુંબઈ, દિલ્હી અને સુરત સ્થિત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

'એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ' દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજો અને સ્ટોક અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ ભારતમાં નીરવ મોદીની 5100 કરોડ રૂપિયાની મિલકતો પણ જપ્ત થઈ હોવાના પણ અહેવાલો છે.

પરંતુ આ બધાની વચ્ચે સુરતના હીરાના ઉદ્યોગને આ કૌભાંડની શું અસર થશે તે જાણવા બીબીસી ગુજરાતીએ હીરાના વેપારીઓ અને નિષ્ણાંતો જોડે વાત કરી હતી.


'કૌભાંડને કારણે ડાયમંડ ઉદ્યોગની શાખને નુકસાન'

Image copyright JAMIE MCCARTHY/GETTY IMAGES
ફોટો લાઈન નીરવ મોદી

સુરતના વેપારી કીર્તિ શાહ હીરા ઉદ્યોગ પર પડનારી અસર અંગે વાત કરતાં કહે છે, "આ કૌભાંડને કારણે હીરા ઉદ્યોગની શાખને નુકસાન થયું છે. જેથી અન્ય કંપનીઓ હવે બેંક પાસે ધિરાણ લેવા જશે તો તેમને મુશ્કેલી પડશે."

"ભૂતકાળમાં આ પ્રકારની ભ્રષ્ટાચારની ઘટનાઓના કારણે ધિરાણ પર માઠી અસરો પડી હતી."

"અગ્રણી કંપનીઓ 'ડિફોલ્ટર' બનવાથી અન્ય કંપનીઓ માટે પણ ધિરાણ લેવું મુશ્કેલ બની જાય છે.

"હાલ એવી સ્થિતિ છે કે સુરતમાં બેંકો આ પ્રકારની ક્રેટિડના આધારે લોન આપવા તૈયાર નથી."

"જોકે, નીરવ મોદીને માલ સપ્લાય કરતી કોઈ કંપનીઓનાં નાણાં ફસાયાં હોય એવું હજીસુધી બહાર આવ્યું નથી જેથી નાના વેપારીઓને કોઈ અસર થાય તેવું હાલના તબક્કે લાગતું નથી."

"કોઈ કંપની કે વ્યક્તિ કરોડો રૂપિયાની છેતરપીંડી કરે કે નાદારી જાહેર કરે તો માર્કેટમાં તેની અસર ચોક્કસ વર્તાય છે."


શું છે 'લેટર ઓફ ક્રેડિટ'?

Image copyright AFP

હીરા વેપારના નિષ્ણાંત અનિરુદ્ધ લિડબિદ આ મામલે વાત કરતાં કહે છે કે હીરાના વેપારનો સૌથી મોટો આધાર બેંક ધિરાણ પર છે.

તેઓ કહે છે, "ધિરાણ વિના ઉદ્યોગો કામ ના કરી શકે અને હીરા ઉદ્યોગમાં પહેલાંથી જ ધિરાણની સમસ્યા છે. ડાયમંડ મૅન્યુફૅક્ચરિંગ અને રફ ડાયમંડ ખરીદવા માટે ધિરાણ અગત્યનું છે."

"અગાઉ પણ એક મામલામાં 7000 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હતી તેમાં પણ લેટર ઓફ ક્રેડિટ જવાબદાર હતો. પંજાબ નેશનલ બેંક અને નીરવ મોદી કેસમાં ખરેખર 'લેટર ઓફ ક્રેડિટ' નહીં પણ 'લેટર ઓફ અન્ડરટેકિંગ' છે."

Image copyright Getty Images

ઉપરાંત અનિરુદ્ધે નીરવ મોદી અને પંજાબ નેશનલ બેંકના કેસ અંગે કહ્યું કે આ કેસમાં પીએનબી ગેરેન્ટર બની હતી. આથી વિદેશોમાં બેંકોએ નીરવ મોદી વતી ડૉલર્સમાં ચૂકવણી કરી હતી.

તેઓ કહે છે, "લેટર ઓફ ક્રેડિટ હેઠળ આ પ્રકારના ધિરાણને લોન ગણવામાં આવે છે. જેને બાદમાં ગેરેન્ટર બેંક ક્રેડિટ લેનાર પાસેથી વસૂલે છે."

"પરંતુ પંજાબ બેંકના કેસમાં આવું નથી આથી જો નીરવ મોદી નાણાં નહીં ચૂકવે તો પંજાબ નેશનલ બેંકે ચૂકવવા પડી શકે."

"જેના પગલે બેંક નીરવ મોદી પાસેથી નાણાં વસૂલવાની કોશિશ કરશે."


'ડાયમંડ ઉદ્યોગનો સૌથી મોટો આધાર બેંક ફાઇનાન્સ'

અત્રે નોંધવું રહ્યું કે સુરત ડાયમંડ એસોસિયેશન અનુસાર વિશ્વના 80 ટકા ડાયમંડનું પ્રોસેસિંગ સુરતમાં થાય છે.

જેમ્સ એન્ડ જ્વેલરી સહિત ડાયમંડનો વાર્ષિક 2.78 લાખ કરોડ રૂપિયાનો ડાયમંડનો વેપાર સુરતમાંથી થાય છે.

જેમાંથી 1 લાખ કરોડ રૂપિયાની નિકાસ અને 1.58 લાખ કરોડ રૂપિયાની આયાત થાય છે.


સુરતમાં નીરવ મોદીનો બિઝનેસ?

Image copyright Getty Images

સુરતમાં નીરવ મોદીના બિઝનેસ અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર આરિફ નાલબંધે કહ્યું, "નીરવ મોદીનાં સુરત SEZ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન)માં બે યુનિટ્સ છે. જેમાં જ્વેલરીનું મૅન્યુફૅક્ચરિંગ થાય છે. જ્યારે અન્ય એક વિસ્તારમાં એક યુનિટ આવેલું છે."

"ત્રીજા યુનિટમાં ડાયમંડ મૅન્યુફૅક્ચરિંગ થાય છે. આ તમામ સ્થળોએ 'એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ'ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું."

તેમણે કહ્યું, "સુરતમાં 40થી વધુ કંપનીઓ DTCના સાઇટ હોલ્ડર છે. ઑસ્ટ્રેલિયા અને રશિયામાં પણ તેમની સાઇટ હોય છે."


કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?

Image copyright FACEBOOK/NIRAVMODI

અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.

તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓએ સિંગાપુર જતા રહ્યા હતા.

બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાય સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.

એમ કહેવાય છે કે યુવાન વયથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.

ભારતમાં કાયમી વસવાટ કરવા અને ડાયમંડ ટ્રેડિંગની આંટીઘૂંટીઓ શીખી લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.

2010માં તેઓ ઑક્શન કરનારી જાણીતી કંપનીઓ ક્રિસ્ટી અને સોથબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.

2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો