પ્રેસ રિવ્યૂ: બિટકૉઇન માટે સુરતમાં વેપારીનું અપહરણ!

બિટકૉઇનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ સુરતમાં એક વેપારીનું બિટકૉઇનને કારણે અપહરણ કરવાની ઘટના સામે આવી છે.

અડાજણના એલપી સવાણી રોડ પર રહેતા વેપારી જિજ્ઞેસ પટેલને તેમની ઓફિસના પાર્કિંગમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા.

જે બાદ તેમને કીમ લઈ જવામાં આવ્યા હતા. અહીં જિજ્ઞેસ પાસેથી બિટકૉઇનની માગણી કરવામાં આવી હતી.

જોકે, પોલીસને આ મામલાની જાણ થતાં તે શોધવા માટે કામે લાગી હતી. પોલીસના ડરના કારણે વેપારીને અપહરણકર્તાઓએ છોડી મૂક્યો હતો.

અહેવાલ મુજબ આ મામલે પોલીસે હાલ સસ્પેન્ડેડ પોલીસકર્મી અનિસ, ચિંતન શાહ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. બિટકૉઇન મામલે ગુજરાતમાં અપહરણ થયું હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો છે.

મહિલાએ પુરુષ બનીને બે વખત લગ્ન કર્યાં!

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ એક મહિલાએ દહેજ માટે પુરુષ બની બે વખત અન્ય બે મહિલાઓ સાથે લગ્ન કર્યાંનો કિસ્સો સામે આવ્યો છે.

સ્વીટી સેન નામની મહિલાએ ક્રિષ્ના સેન નામે 2013માં એક ફેસબુક અકાઉન્ટ ખોલ્યું હતું. તેના પર આરોપ છે કે તેના દ્વારા તેણે અનેક મહિલાઓ સાથે વાતચીત કરી હતી.

આ મહિલાની પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે. 25 વર્ષની મહિલા પુરુષના ડ્રેસમાં 4 વર્ષ સુધી રહી હતી અને દહેજ માટે તેણે બે મહિલાઓ સાથે વારાફરતી લગ્ન કર્યાં હતાં.

તે પુરુષના ડ્રેસમાં મહિલાઓને સોશિયલ મીડિયા પર લલચાવતી હતી અને પછી તેમની સાથે લગ્ન કરતી હતી.

'બળાત્કાર તમારા માટે 6500 રૂપિયા જ છે?'

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને સવાલ કર્યો હતો કે શું રેપની કિંમત તમારા માટે 6500 રૂપિયા જ છે?

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે કેન્દ્ર તરફથી નિર્ભયા ફંડ અંતર્ગત તમને અઢળક ફંડ મળે છે. મધ્ય પ્રદેશ સરકાર જાતિય સતામણીનો ભોગ બનેલી અને બચી ગયેલી પીડિતાઓને માત્ર 6000-6500 રૂપિયા ચૂકવે છે.

સુપ્રીમે પૂછ્યું કે શું મધ્ય પ્રદેશ સરકાર દાન કરી રહી છે? સુનાવણી કરનાર બેંચે કહ્યું કે આ સંપૂર્ણ સંવેદનાહિન કૃત્ય છે.

અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે એક મહિના પહેલાં દરેક રાજ્યને તેમને મળતા નિર્ભયા ફંડ, તેમાંથી ચૂકવેલી રકમ અને રાજ્યમાં જાતિય સતામણીનો ભોગ બનેલી પીડિતાઓની સંખ્યા અંગે એક એફિડેવિટ દાખલ કરવા અંગે કહ્યું હતું.

આ મામલે સુનાવણી કરતાં કોર્ટે મધ્ય પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો