'હું પણ ભાનુભાઈ સાથે આત્મવિલોપન કરવાનો હતો'

ભાનુભાઈના શોકમગ્ન પત્ની Image copyright Pavan Jaishwal/ BBC
ફોટો લાઈન ભાનુભાઈ વણકરના શોકમગ્ન પત્ની ઈન્દુબેન

પાટણ જિલ્લાની કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કરનારા દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરનું ઘટનાના 36 કલાક પછી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે 10 વાગ્યે મૃત્યુ થયું છે.

તેમના મૃત્યુ અંગે પુષ્ટિ આપતા દલિત કાર્યકર્તા સુબોધ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમનો પુત્ર જે ઑસ્ટ્રેલિયામાં ભણી રહ્યો છે તેઓ શુક્રવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે.

સુબોધ પરમારે જણાવ્યું, "ભાનુભાઈ દાખલ થયા ત્યારથી જ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમનું 96 ટકા શરીર દાઝી ગયું હતુ."

શનિવારે મૃતકના પરિવારજનોએ ભાનુપ્રસાદનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને અંતિમક્રિયા માટે બે શરતો મૂકી હતી.

પરિવારજનોનું કહેવું છે કે, તમામ 13 એસસી (શિડ્યુલ્ડ કાસ્ટના ધારાસભ્યો) ભાનુપ્રસાદનો મુદ્દો ઉઠાવે અથવા રાજીનામા આપે અને દલિતોને જમીન અધિકાર માટે ભાનુપ્રસાદ વણકરની માગોનો સરકાર દ્વારા તત્કાળ અમલ કરવામાં આવે.

ગાંધીનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ આર.બી. બ્રહ્યભટ્ટના નેતૃત્વમાં વહીવટીતંત્રે સમજાવટના પ્રયાસ કર્યા હતા, પરંતુ પરિવાર તેમની માગણી પર અફર રહ્યો હતો.

બીજી બાજુ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર તથા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ત્રણેય નેતાઓએ સરકાર પર અસંવેદનશીલતા દાખવાનો આરોપ મૂક્યો હતો. મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા ભાનુભાઈના પરિવારની કેટલીક માગો સ્વીકારી હતી.

પાટણમાં દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરે કલેક્ટર કચેરીના પરિસરમાં ગુરુવારે બપોરે આત્મવિલોપનના પ્રયાસમાં ગંભીર રીતે દાઝી ગયા હતા.


ફોટો લાઈન હાર્દિક પટેલ (પીળા ટીશર્ટમાં) તથા જિગ્નેશ મેવાણી

સ્થાનિક સ્તરે સારવાર પછી તેમને ગાંધીનગરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હૉસ્પિટલની બહાર લોકોની ભીડ ચમત્કારની આશામાં ખડેપગે ઉભી હતી. હોસ્પિટલના એક ખૂણા પર બેસી ભાનુપ્રસાદના પત્ની ઇન્દુબેન વણકર સારા સમાચારની રાહ જોઈ રહ્યાં હતા.

પરંતુ ભાનુપ્રસાદનું 96 ટકા શરીર બળી ગયું હોવાના કારણે કોઈ સારવાર કારગત નીવડી નહીં.

તેમના પત્ની ઇન્દુબેન શંખેશ્વર સ્થિત શાળામાં આચાર્ય છે. ભાનુભાઈને બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર ઓસ્ટ્રેલિયામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે.


બધા એક થાય: હાર્દિક

પાસ નેતા હાર્દિક પટેલના કહેવા પ્રમાણે, "આ માત્ર દલિતોનો પ્રશ્ન નથી, તમામ સમાજે જાગૃત થવું પડશે અને સરકાર સામે એક થવું પડશે. આ માત્ર દલિતોના અધિકારની વાત નથી. "

હાર્દિકે સરકારી તંત્ર પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને સરકારની સંવેદના મૃતક તથા પીડિતના પરિવારો સાથે છે.

વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું, "રાજ્ય તથા કેન્દ્ર સરકારો દલિત વિરોધી માનસિક્તા ધરાવે છે. પીડિત પરિવારની માગો વ્યાજબી છે."

જિગ્નેશે ભાનુપ્રસાદ તથા દલિતોને જમીન ફાળવણીનો મુદ્દો ઉઠાવવાની વાત કહી હતી.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકાર તથા વ્યવસ્થા તંત્ર સામે આ એક શરમજનક ઘટના છે."

આ સમયે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સાથે હતા. ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મૃતક તથા પીડિત પરિવારની સાથે છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કહેવા પ્રમાણે, "સરકારની સંવેદના પીડિત પરિવાર સાથે છે તથા આ મુદ્દે કોઈ કચાશ દાખવવામાં નહીં આવે."


હું પણ આત્મવિલોપન કરવાનો હતો

15 ફેબ્રુઆરીનાં રોજ ભાનુભાઈએ દદુખાના રામાભાઈ મઘાબાઈના જમીનલક્ષી મુદ્દાને લઈને આ પગલું ભર્યું હતું.

ગુરુવારે ભાનુપ્રસાદની સાથે રામાભાઈ ઉપરાંત એક વ્યક્તિએ દલિતોની જમીન પર કબજાના મુદ્દે સ્વ-બલિદાન માટે વહીવટીતંત્રને ધમકી આપી હતી.

રામાભાઈના કહેવા પ્રમાણે, " હું પોતે આત્મવિલોપન કરવાનો હતો પણ પોલીસે મને ઘેરી લઈને આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો.

"હાલ અમે જમીન જે ખેડી રહ્યા છીએ તેની ઉપર અમારો 50 વર્ષનો ભોગવટો છે.

"2012માં સંબંધીત તમામ અધિકારીઓ અને ગાંધીનગરમાં આ જમીનને લઈને અમે દસ્તાવેજો રજૂ કર્યા હતા. એ બાદ કલેક્ટરે અમને હુકમ આપી 22236નું ચલણ મોકલ્યું. એ પણ ભરી દીધું.

"જોકે, સરકારે જમીન આપી નહોતી. જેને પગલે ભાનુભાઈએ આંદોલન શરૂ કર્યું હતું."

રામાભાઈના કહેવા પ્રમાણે, તેમણે આ અંગે મંત્રી સ્તરે પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.


સરકારે માગો સ્વીકારી

Image copyright Twitter/AmitShah

શનિવાર સાંજે રાજ્ય સરકારે ભાનુભાઈના પરિવારની કેટલીક માગોનો સ્વીકાર કર્યો હતો. જેમ કે,

  • ખાસ કિસ્સામાં 7/12ના ઉતારામાં પરિવાર કહેશે તે લોકોના નામ વારસદાર તરીકે ઉમેરવામાં આવશે.
  • હાઈ કોર્ટના નિવૃત્ત જજ અથવા તો પીડિત પરિવાર કહે તે રીતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે.
  • પરિવાર સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની ખાસ કિસ્સામાં બદલી કરવામાં આવશે.
  • એટ્રોસિટી હેઠળ મળવા પાત્ર લગભગ રૂ. આઠેક લાખની રકમમાંથી રૂ. ચારેક લાખની પ્રાથમિક સહાય તત્કાળ ચૂકવવામાં આવશે.
  • પરિવારની માગ મુજબ અપોલો હોસ્પિટલમાં ભાનુપ્રસાદની સારવાર કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન થયેલો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પૂર્વ સૈનિક સહિતના વર્ગોને જમીન ફાળવામાં આવી હોય તથા બાદમાં તેને ખાલસા લેવામાં આવી હોય, તેની ઉપર ઉદાર રીતે વિચારણા કરીને બાનામાંથી મુક્ત કરવા સૂચના અપાશે.

જમીનનો મામલો શું છે?

Image copyright Pavan Jaishwal/ BBC

દલિત નેતા જિજ્ઞેશ મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ રાજ્યમાં વિવિધ સ્થળે આવેલી 1,63,808 એકર જમીન દલિતોને આપવામાં આવે, પણ સરકાર આ જમીન તેમને આપવા માટે નિષ્ફળ ગઈ છે.

વિવિધ દલિત સંગઠનો અને વ્યક્તિઓ જમીન મેળવવા માટે સરકાર સાથે સંઘર્ષ કરી રહી છે.

રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કાર્યકર સુબ્બો પરમાર કહે છે, ''સરકાર જમીનના અધિકારોને કાગળ પર આપે છે, પરંતુ તેમને જમીનનો વ્યવહારુ કબજો નથી આપતી. પરિણામે અમારે સરકાર સાથે સંઘર્ષ કરવો પડશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો