મુસ્લિમ દેશોના લોકો ભારતને કેમ પસંદ કરે છે?

મક્કા Image copyright EPA

એ વાત સાચી છે કે મુસ્લિમ દેશોમાં ભારતને સન્માનની નજરે જોવામાં આવે છે. તેમને ભારત સાથે પ્રેમ પણ છે. આવો અનુભવ મને મુસ્લિમ દેશોમાં જઈને થયો.

મુસ્લિમ દેશોમાંથી આવેલા નેતાઓને પણ ભારત સરકાર સન્માન આપે છે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીના ભારતીય પ્રવાસની શરૂઆત હૈદરાબાદની એક શિયા મસ્જિદમાં જુમ્માની નમાઝનું નેતૃત્વ કરવાની સાથે થાય છે.

મારા મુસ્લિમ મિત્રો થોડા દિવસથી કહી રહ્યા છે કે તેમને પોતાના જ દેશમાં સન્માન મળતું નથી. તેમને શંકાની નજરે જોવામાં આવે છે અને પાકિસ્તાની કહેવામાં આવે છે.


મુસ્લિમ દેશોનો ભારત પ્રેમ

Image copyright AFP

થોડા દિવસ પહેલાં જ અફઘાનિસ્તાનથી આવેલા કેટલાક પત્રકારોએ બીબીસી સાથે થયેલી એક મુલાકાતમાં કહ્યું કે મક્કા અને મદીના બાદ તેઓ ભારતને સૌથી વધારે પ્રેમ કરે છે.

આ સાંભળીને લોકોને આશ્ચર્ય થયું હશે પરતું મને ન થયું. મેં ઘણા મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશને છોડીને લગભગ બધા જ મુસ્લિમ દેશના લોકોના મનમાં ભારત માટે ખૂબ માન અને પ્રેમ છે.

પાકિસ્તાનની સરકારની બાદબાકી કરીએ તો તમે ત્યાંની સામાન્ય જનતાના મનમાં પણ સન્માનની લાગણીનો અનુભવ કરશો.


ભારતીય હોવાનું જાણીને મળે છે સન્માન

Image copyright EPA

પહેલી વખત હું વર્ષ 2012માં મોરક્કો ગયો હતો. મને લાગ્યું કે ભારતથી હજારો કિલોમીટરના અંતરે આવેલા ઉત્તર આફ્રિકાના આ દેશમાં ભારત વિશે ઓછા જ લોકો જાણતા હશે.

પરંતુ જાણવું તો છોડો, તેઓ ભારત વિશે મહત્ત્વની માહિતી પણ ધરાવે છે. તેમની વાતોથી ભારત માટે માન પણ છલકાઇને બહાર આવતું હતું.

ઐતિહાસિક શહેર મરાકેશની એક જૂની બજારમાં એક વ્યક્તિએ મને અરબી ભાષામાં પૂછ્યું, "અંતા મિનલ હિંદ? (શું તમે ભારતથી આવ્યા છો?)"

મેં વિચાર્યું કે જો જવાબમાં હા કહીશ તો તેમની પ્રતિક્રિયા શું હશે. મેં ડરતા ડરતા હા કહ્યું તો તેઓ મને ભેટી પડ્યા.

તેમણે અરબી ભાષામાં ઘણા શબ્દો કહ્યા પરંતુ તેમાંથી થોડા જ શબ્દોનો અર્થ સમજી શક્યો.

તેમણે જે સૌથી મહત્ત્વની વાત કહી તે એ હતી કે તેમને ભારત ખૂબ પસંદ છે.


બધા સમુદાયોની સ્વતંત્રતા સૌથી મોટું કારણ

Image copyright PIB

ત્યાંથી હું ઇજિપ્ત ગયો. લોકો મને ઇજિપ્તનો જ નાગરિક સમજીને અરબી ભાષામાં વાત કરવાનું શરૂ કરી દેતા હતા.

પરંતુ જ્યારે હું તેમને જણાવતો કે હું ભારતીય છું તો તેઓ ખુશ થઈ જતા હતા અને કહેતા હતા કે તેમનું પણ ભારત જવાનું સપનું છે.

તેઓ એ ક્યારેય પૂછતા ન હતા કે હું હિંદુ છું કે મુસ્લિમ. તેઓ માત્ર એટલું જાણીને ખુશ થઈ જતા કે હું "અલ હિંદ"નો છું.

તમને આ પણ વાંચવું ગમશે

સંયુક્ત આરબ અમીરાત, પેલેસ્ટાઇન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશોમાં ભારતનું નામ ખૂબ ઊંચું છે.

છેલ્લા ઘણાં વર્ષોમાં મેં આ વાતનો ઉલ્લેખ ઘણા લોકોની સામે કર્યો હતો. તેના ઘણા કારણ બતાવવામાં આવતા હતા.

એક મોટું કારણ એ છે કે તેઓ ભારતને એક બહુ-સાંસ્કૃતિક અને બહુભાષી દેશની જેમ જુએ છે કે જ્યાં દરેક જ્ઞાતિના લોકોને પોતાના તહેવારોની ઉજવણી કરવાની સ્વતંત્રતા છે અને જ્યાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. તેમને હિંદુ ધર્મમાં પણ ખૂબ રસ છે.


લોકતંત્ર અને બોલિવૂડ પણ કારણ

Image copyright AFP

બીજું કારણ ભારતનું લોકતંત્ર પણ છે, જે મોટાભાગના મુસ્લિમ દેશોમાં નથી.

સ્પષ્ટ છે કે લોકતંત્રથી વંચિત મુસ્લિમ સમાજોમાં ભારતનું કદ ઊંચું જોવા મળે છે.

ત્રીજું કારણ છે બોલિવૂડ. તેની પહોંચ એટલી છે કે ભારતીય ફિલ્મોને જોઈને તેઓ ભારત વિશે ઘણું જાણી લે છે. ઘણાં લોકો તો બોલિવૂડની ફિલ્મોની મદદથી હિંદી પણ શીખી લે છે.

રસપ્રદ વાત એ છે કે આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાનનું નામ લેનારા ખૂબ ઓછા લોકો હોય છે. હું તો કહીશ નહીવત્ પ્રમાણમાં.

સાઉદી અરેબિયાનું ઉદાહરણ ખૂબ મહત્ત્વનું છે. હું ક્યારેય ત્યાં ગયો નથી પરંતુ મારા મિત્રો અને સંબંધીઓ ત્યાં રહે છે જેમનાં જણાવ્યા અનુસાર તેમને પાકિસ્તાનની સરખામણી વધારે માન આપવામાં આવે છે.

અત્યાર સુધી સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના નજીકના સંબંધ હતા. પાકિસ્તાનને એવું લાગતું હતું કે મુસ્લિમ હોવાના કારણે સાઉદી અરેબિયા સાથે તેની મિત્રતા કુદરતી છે.

પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 2010ના સાઉદી અરેબિયાના પ્રવાસ બાદ સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે સંબંધ ખૂબ સારા બની ગયા હતા.

આ સંબંધોમાં નવો જીવ ફૂંકાયો જ્યારે વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો.

ત્યાંની સરકારે મોદીને સૌથી મોટા સાઉદી પુરસ્કાર "કિંગ અબ્દુલ અઝીઝ આર્ડર"થી સન્માનિત કર્યા હતા. આ સન્માન અત્યાર સુધી પાકિસ્તાનના કોઈ નેતાને મળ્યું નથી.


મુસ્લિમ દેશોમાં મહત્ત્વ જાળવી રાખવામાં સફળતા

Image copyright MEA TWITTER

ભારત અને સાઉદી અરેબિયા એકબીજાની નજીક આવ્યા, તેનો મતલબ હતો સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે અંતર બનાવી લીધું.

દિલ્હી અને રિયાદ વચ્ચે ઘનિષ્ઠતા પરસ્પર ફાયદા પર નિર્ભર છે. બન્ને દેશોનો પરસ્પર વેપાર વાર્ષિક 40 અબજ ડોલરનો છે. જ્યારે પાકિસ્તાન સાથે સાઉદી અરેબિયાનો વેપાર 7 અબજ ડોલરનો છે.

બીજી તરફ સાઉદી અરેબિયામાં કામ કરતા ભારતીયોની સંખ્યા 30 લાખ છે જ્યારે પાકિસ્તાનના લોકોની સંખ્યા તેનાથી અડધી પણ નથી.

કહેવાનો મતલબ છે કે સાઉદી અરેબિયાને ખબર પડી ગઈ છે કે "ઇસ્લામી" પાકિસ્તાન સાથે મિત્રતા રાખવા કરતા વધારે ફાયદો "હિંદુ" ઇન્ડિયાથી છે.

વડાપ્રધાન મોદી વિશે એ કહી શકાશે કે તેમણે મુસ્લિમ દેશોને નિરાશ કર્યા નથી. તેઓ અત્યાર સુધી બે વખત સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાથી માંડીને મધ્ય એશિયાના મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો છે.

ભારતની પ્રતિષ્ઠાને વધારે ઊંચાઇ પર લઈ જવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે. આ અનુભવ મને મુસ્લિમ દેશોના લોકો સાથે વાત કર્યા બાદ થાય છે.


પરંતુ દેશમાં મુસ્લિમ વિરોધી તત્વો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળતા

Image copyright Getty Images

મારા મત પ્રમાણે મોદી પોતાના જ દેશમાં મુસ્લિમ વિરોધી તત્વો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ સાબિત થયા છે.

એટલું જ નહીં, પત્રકાર ગૌરી લંકેશ અને સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ.એમ.કલુબર્ગી જેવા લોકોની હત્યાઓ બાદ પણ ભારતની છબી પર અસર જોવા મળી છે.

તેની નૈતિક જવાબદારી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. કેમ કે તેઓ કેન્દ્ર સરકાર ચલાવે છે.

નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ દેશમાં જે વાતાવરણ ઊભું થયું છે તેનાથી ભારતને પ્રેમ કરતા દેશોની લાગણી નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે.

સાચી દેશભક્તિની માગણી છે કે ભારતના પ્રયાસોને નિરાશ કરવામાં ન આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ