પાટણ આત્મવિલોપન: અ'વાદ બંધનું એલાન આપનારા મેવાણીની અટકાયત બાદ મુક્તિ

જિગ્નેશ મેવાણી તથા હાર્દિક પટેલ
ફોટો લાઈન હાર્દિક પટેલ (પીળા ટીશર્ટમાં) તથા જિગ્નેશ મેવાણી

શનિવારે દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરના પરિવારજનોએ મૃતકનો પાર્થિવદેહ સ્વીકારવાનો તથા તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મુદ્દે રવિવારે બંધની અપીલ કરનારા જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં મોડી સાંજે તેમને છોડી દેવામાં આવ્યા હતા.

મેવાણી ત્યાંથી ગાંધીનગર જવા રવાના થયા હતા. મેવાણી વડગામ બેઠક પરથી ધારાસભ્ય છે. ત્યારે સોમવારથી શરૂ થતા વિધાનસભા સત્રમાં આ મુદ્દો છવાયેલો રહેશે.

અનિચ્છનીય ઘટના ન બને તે માટે અટકાયત કરવામાં આવી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું.

શનિવારે પાટીદાર નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એકસાથે મૃતકના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.

પરિવારજનોએ દલિતોને જમીન અધિકાર માટે ભાનુપ્રસાદ દ્વારા મૂકવામાં આવેલી માગોનો તત્કાળ સ્વીકાર કરવા માગ મૂકી હતી.

ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.

મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા વણકર પરિવારની કેટલીક માગોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરે ગુરુવારે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં અગ્નિસ્નાન કર્યું હતું અને 36 કલાકની સારવારના અંતે શુક્રવારે મોડી રાત્રે 10 કલાકે ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.


રવિવારે બંધનું આહ્વાન

ફોટો લાઈન અમદાવાદના વાડજ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક કારને આગ ચાંપી હતી

સરકાર દ્વારા પીડિત પરિવારની માગનો સ્વીકાર ન થયો હોવાનું જણાવી મેવાણીએ રવિવારે અમદાવાદ બંધનું આહ્વાન કર્યું હતું.

જોકે, શહેરમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી. અમદાવાદના વાડજ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કાર સળગાવી હતી અને એક બાઇક સળગાવવાનો પ્રયાસ થયો હતો.

જેસીપી જે. કે. ભટ્ટના કહેવા પ્રમાણે, સુલેહ-શાંતિનો ભંગ કરનારા કેટલાક આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

મેવાણી નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ગુપ્ત સ્થળે લઈ જવાયા હતા.

બાદમાં મોડી સાંજે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

બીજી બાજુ, દલિત સંગઠનોએ વડનગર તથા ગાંધીનગરમાં પણ બંધના આહ્વાન આપ્યા હતા.

સામી પોલીસના સબ ઇન્સ્પેક્ટર જે. એમ. ખાંટના કહેવા પ્રમાણે, "પાટણ જિલ્લાના સમીમાં પંચાસર ગામના રહેવાસી મહિલા ટાયર સળગાવવા જતા દાઝી ગયા હતા. તેમને સામાન્ય ઇજા પહોંચી છે."


શુક્રવારે નિધન થયું

મૃતક ભાનુપ્રસાદ વણકર નિવૃત્ત સરકારી કર્મચારી હતા. તેમના પત્ની ઇન્દુબહેન શંખેશ્વર સ્થિત શાળામાં આચાર્યા છે.

ભાનુભાઈને બે પુત્રો છે, જેમાંથી એક ઓસ્ટ્રેલિયામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ શુક્રવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે.

સુબોધ પરમારે જણાવ્યું, "ભાનુભાઈ દાખલ થયા ત્યારથી જ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમનું 96 ટકા શરીર દાઝી ગયું હતું."

શનિવારે મૃતકના પરિવારજનોએ ભાનુપ્રસાદનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને અંતિમક્રિયા માટે બે શરતો મૂકી હતી.

પરિવારજનોનું કહેવું હતું કે, તમામ 13 એસસી (શિડ્યુલ્ડ કાસ્ટના ધારાસભ્યો) ભાનુપ્રસાદનો મુદ્દો ઉઠાવે અથવા રાજીનામા આપે અને દલિતોને જમીન અધિકાર માટે ભાનુપ્રસાદ વણકરની માગોનો સરકાર દ્વારા તત્કાળ અમલ કરવામાં આવે.


બધા એક થાય: હાર્દિક

પાસ નેતા હાર્દિક પટેલના કહેવા પ્રમાણે, "આ માત્ર દલિતોનો પ્રશ્ન નથી, તમામ સમાજે જાગૃત થવું પડશે અને સરકાર સામે એક થવું પડશે. આ માત્ર દલિતોના અધિકારની વાત નથી. "

હાર્દિકે સરકારી તંત્ર પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને સરકારની સંવેદના મૃતક તથા પીડિતના પરિવારો સાથે છે.

વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું, "રાજ્ય તથા કેન્દ્ર સરકારો દલિત વિરોધી માનસિક્તા ધરાવે છે. પીડિત પરિવારની માગો વ્યાજબી છે."

જિગ્નેશે ભાનુપ્રસાદ તથા દલિતોને જમીન ફાળવણીનો મુદ્દો ઉઠાવવાની વાત કહી હતી.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકાર તથા વ્યવસ્થા તંત્ર સામે આ એક શરમજનક ઘટના છે."

આ સમયે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સાથે હતા. ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મૃતક તથા પીડિત પરિવારની સાથે છે.


સરકારની જાહેરાત

Image copyright Twitter/AmitShah

શનિવાર સાંજે રાજ્ય સરકારે ભાનુભાઈના પરિવારની કેટલીક માગોનો સ્વીકાર કર્યો હતો. જેમ કે,

  • 'ખાસ કિસ્સા'માં 7/12ના ઉતારામાં પરિવાર કહેશે તે લોકોના નામ વારસદાર તરીકે ઉમેરવામાં આવશે.
  • હાઈ કોર્ટના નિવૃત્ત જજ અથવા તો પીડિત પરિવાર કહે તે રીતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે.
  • પરિવાર સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની ખાસ કિસ્સામાં બદલી કરવામાં આવશે.
  • એટ્રોસિટી હેઠળ મળવા પાત્ર લગભગ રૂ. આઠેક લાખની રકમમાંથી રૂ. ચારેક લાખની પ્રાથમિક સહાય તત્કાળ ચુકવવામાં આવશે.
  • પરિવારની માગ મુજબ અપોલો હોસ્પિટલમાં ભાનુપ્રસાદની સારવાર કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન થયેલો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પૂર્વ સૈનિક સહિતના વર્ગોને જમીન ફાળવામાં આવી હોય તથા બાદમાં તેને ખાલસા લેવામાં આવી હોય, તેની ઉપર ઉદાર રીતે વિચારણા કરીને બાનામાંથી મુક્ત કરવા સૂચના અપાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, "સરકારની સંવેદના પીડિત પરિવાર સાથે છે તથા આ મુદ્દે કોઈ કચાશ દાખવવામાં નહીં આવે."


'હું પણ આત્મવિલોપન કરવાનો હતો'

15 ફેબ્રુઆરીનાં રોજ ભાનુભાઈએ દદુખાના રામાભાઈ મઘાબાઈના જમીનલક્ષી મુદ્દાને લઈને આત્મઘાતી પગલું ભર્યું હતું.

ગુરુવારે ભાનુપ્રસાદની સાથે રામાભાઈ ઉપરાંત એક વ્યક્તિએ દલિતોની જમીન પર કબજાના મુદ્દે સ્વ-બલિદાન માટે વહીવટીતંત્રને ધમકી આપી હતી.

રામાભાઈના કહેવા પ્રમાણે, " હું પોતે આત્મવિલોપન કરવાનો હતો પણ પોલીસે મને ઘેરી લઈને આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો.

"હાલ અમે જમીન જે ખેડી રહ્યા છીએ તેની ઉપર અમારો 50 વર્ષનો ભોગવટો છે.

"2012માં સંબંધીત તમામ અધિકારીઓ અને ગાંધીનગરમાં આ જમીનને લઈને અમે દસ્તાવેજો રજૂ કર્યા હતા. એ બાદ કલેક્ટરે અમને હુકમ આપી 22236નું ચલણ મોકલ્યું. એ પણ ભરી દીધું.

"જોકે, સરકારે જમીન આપી નહોતી. જેને પગલે ભાનુભાઈએ આંદોલન શરૂ કર્યું હતું."

રામાભાઈના કહેવા પ્રમાણે, તેમણે આ અંગે મંત્રી સ્તરે પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.


જમીનનો મામલો શું છે?

Image copyright Pavan Jaishwal/ BBC

દલિત નેતા જિજ્ઞેશ મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ રાજ્યમાં વિવિધ સ્થળે આવેલી 1,63,808 એકર જમીન દલિતોને આપવામાં આવે, પણ સરકાર આ જમીન તેમને આપવા માટે નિષ્ફળ ગઈ છે.

વિવિધ દલિત સંગઠનો અને વ્યક્તિઓ જમીન મેળવવા માટે સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.

રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કાર્યકર સુબોધ પરમાર કહે છે, ''સરકાર જમીનના અધિકારોને કાગળ પર આપે છે, પરંતુ તેમને જમીનનો વ્યવહારુ કબજો નથી આપતી. પરિણામે અમારે સરકાર સાથે સંઘર્ષ કરવો પડશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો