પ્રેસ રિવ્યૂ: ગુજરાતના ઇતિહાસમાં બાળકીઓનો સૌથી ઓછો જન્મદર

બેટી બચાવોની એક તસવીર Image copyright Getty Images

ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'એ નીતિ આયોગના અહેવાલને મુખ્ય સમાચાર તરીકે પ્રકાશિત કર્યા છે. નીતિ આયોગના અહેવાલને ટાંકતા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, 2013-15નો ગાળો સેક્સ રેશિયોની દ્રષ્ટીએ ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ રહ્યો છે.

અહેવાલ મુજબ, "2011-13 દરમિયાન જન્મદર 911નો હતો, જે 2013-15 દરમિયાન 854નો રહ્યો હતો.

"એક સમયે 'બેટી બચાવો અભિયાન'નું મોડલ રાજ્ય ગુજરાતની સ્થિતિ બિહાર અને રાજસ્થાનથી પણ કથળી હોવાનું જણાવવામાં આવ્યું છે."

21 મોટા રાજ્યોમાંથી 17 રાજ્યોમાં કન્યા જન્મના પ્રમાણમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જ્યારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સુધારો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


શિવાજી પર ભાજપ નેતાની બિભત્સ ટિપ્પણી

Image copyright FACEBOOK/SHRIPAD CHHINDAM

છત્રપતિ શિવાજી વિશે કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરના ડેપ્યુટી મેયરની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

ભાજપના શ્રીપાદ છિંદમે શુક્રવારે એક કોલ દરમિયાન કથિત રીતે શિવાજી વિશે અશ્લીલ ટિપ્પણી કરી હતી.

તેમનો ફોન કોલ વાઇરલ થતા શ્રીપાદ છિંદમે માફી માગી હતી. છતાંય લોકોનો આક્રોશ ઠંડો પડ્યો ન હતો.

છિંદમ તથા ભાજપના કેટલાક નેતાઓના ઘરો તથા કાર્યાલયો પર હિંસક ટોળાએ હુમલા કર્યા હતા, જેના પગલે શ્રીપાદને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સ્થાનિક સંગઠનો, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ છિંદમ સામે દેખાવો કર્યા હતા.

એક ફરિયાદના આધારે શ્રીપાદની ધરપકડ કરવામાં આવી હતી.

શનિવાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમને પહેલી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.


મોદીના કહેવાથી મંત્રી બન્યો

Image copyright Getty Images
ફોટો લાઈન પન્નિરસેલ્વમ મધ્યમાં

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે તામિલ નાડુના નાયબ મુખ્યપ્રધાન ઓ. પન્નિરસેલ્વમના સમાચારને પ્રથમ પૃષ્ઠ પર સ્થાન આપ્યું છે.

પન્નિરસેલ્વમને ટાંકતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી તેમણે તામિલ નાડુ સરકારમાં પ્રધાનપદ લીધું હતું.

પન્નિરસેલ્વમને ટાંકતા જણાવાયું છે, "ઓગસ્ટ 2017માં એઆઈએડીએમકે (ઑલ ઇન્ડિયા અન્ના દ્રમુક)ના બન્ને જૂથો એક થવાના હતા, ત્યારે મારી અને વડાપ્રધાન મોદીની વચ્ચે મુલાકાત થઈ હતી.

"પાર્ટીની એકતા માટે હું કેબિનેટ છોડવા તૈયાર હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ મને પ્રધાનમંડળમાં રહેવા કહ્યું, એટલે હું અત્યારે પ્રધાન છું."

અંગ્રેજી અખબાર ડીએનએ આ અહેવાલમાં ઉમેરે છે કે આ અંગે એઆઈએડીએમકે તથા તામિલ નાડુ ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો