મા બનવું એક પ્રાકૃતિક પ્રક્રિયા, છતાં ગર્ભવતી મહિલાને કેમ કહેવાય છે 'અનફિટ'?

સાંકેતિક તસવીર Image copyright Getty Images

શું કોઈ મહિલાનું પ્રમોશન એ માટે રોકી દેવામાં આવે છે કેમ કે તે ગર્ભવતી છે? શું કોઈ ગર્ભવતી મહિલાને 'અનફિટ' ઠેરવી તેમની પાસેથી આગળ વધવાની તક છીનવી શકાય છે?

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે CRPFમાં તહેનાત શર્મીલા યાદવ સાથે આવું જ કંઇક થયું હતું.


શું હતો મામલો?

વર્ષ 2009માં શર્મીલાની CRPFમાં કૉન્સ્ટેબલ પદે ભરતી થઈ હતી. ત્યારબાદ તેમણે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે એક પરીક્ષા આપી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી હતી.

પ્રમોશન લિસ્ટ વર્ષ 2011માં આવી હતી પરંતુ તેમાં શર્મીલાનું નામ ઉમેરાયું ન હતું. તેમનું નામ 'લૉઅર મેડિકલ કૅટેગરી'માં નાંખી દેવાયું હતું કેમ કે તે દરમિયાન તેઓ ગર્ભવતી હતાં.

જ્યારે શર્મીલાએ તેનો વિરોધ કર્યો તો આગામી વર્ષ એટલે કે વર્ષ 2012માં તેમને પ્રમોશન તો આપી દેવાયું પણ એક વર્ષ બાદની તારીખથી.

Image copyright Getty Images

આ રીતે જે પ્રમોશન તેમને વર્ષ 2011માં મળવાનું હતું, તે તેમને એક વર્ષ બાદ મળ્યું. પરિણામ સ્વરૂપે, તેમની સાથે કામ કરતા અને તેમનાં જૂનિઅર પણ સીનિયર બની ગયા, અને શર્મીલા પાછળ રહી ગયાં.

ત્યારબાદ શર્મીલા સતત પાંચ વર્ષ સુધી પોતાના વિભાગમાં ન્યાય મેળવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, પણ કોઈ સુનાવણી થઈ નહીં.

શર્મીલાનાં વકીલ અંકુર છિબ્બરે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમણે ત્રણ અલગ અલગ રીતથી આ મામલો અધિકારીઓ સામે રાખ્યો, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી.

આખરે મામલો દિલ્હી હાઈ કોર્ટમાં પહોંચ્યો કે જ્યાં શર્મીલાના પક્ષમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.

અંકુર છિબ્બરના જણાવ્યા અનુસાર, "કોઈ વ્યક્તિ મેડિકલી અનફિટ ત્યારે જ કહેવાય છે જ્યારે તે કોઈ પ્રકારની શારીરિક અક્ષમતાનો શિકાર હોય કે ગંભીર રૂપે ઘાયલ હોય.

"ગર્ભવતી હોવું એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, ગર્ભવતી બન્યા બાદ કોઈ મહિલા અનફિટ થઈ જતી નથી."

તેમણે કહ્યું કે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ નવીન ચાવલાએ પોતાના નિર્ણયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો પર ધ્યાન અપાવ્યું છે.


'ગર્ભવતી મહિલા અનફિટ નહીં'

Image copyright Getty Images

બીબીસી પાસે કોર્ટના ચુકાદાની કૉપી છે. નિર્ણયમાં જજોએ કહેલી મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે-

  • પ્રેગનેન્સીના કારણે થતો ભેદભાવ નિંદનીય છે. આ સ્વીકાર્ય નથી. તેનાથી સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે.
  • જો કોઈ મહિલાના ગર્ભવતી હોવાના કારણે તેમની સાથે કોઈ પ્રકારનો ભેદભાવ થાય છે તો તે લિંગ આધારિત ભેદભાવ છે, જે ગેરકાયદેસર છે.
  • જો પ્રેગનેન્સીના આધારે મહિલાઓ સાથે ભેદભાવ થાય છે તો તેનો મતલબ એ છે કે આપણે પ્રેગનેન્સીને 'વિકલાંગતા' માની રહ્યા છીએ અને ગર્ભવતી મહિલાને વિકલાંગ કહેવું અયોગ્ય છે.
Image copyright ANKUR CHHIBBAR

નિર્ણયમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શર્મીલા યાદવ મામલે CRPFનું વલણ ખોટી ધારણાઓ પર આધારિત, અન્યાયપૂર્ણ અને અસ્વીકાર્ય છે.

જજોએ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓમાં ભેદભાવ છૂપાયેલો હોય છે અને તે બંધારણના નિયમોનું ઉલ્લંઘન છે.


શું કહે છે CRPF?

CRPFના DIG એમ.દિનકરને બીબીસીને કહ્યું, "અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેનું પાલન પણ કરીશું."

DIG એમ. દિનકરને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે દિલ્હી હાઈ કોર્ટનો આ નિર્ણય સુરક્ષાબળોમાં તહેનાત દરેક મહિલા માટે ઉદાહરણ તરીકે જોવામાં આવશે.


સમસ્યા મા બન્યા બાદ પણ

વર્લ્ડ બેન્કના રિપોર્ટ (2013) પ્રમાણે ભારતમાં 15 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતી માત્ર 27% મહિલાઓ કામ કરે છે.

બ્રિક્સ દેશો (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ની વાત કરીએ તો ભારતમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા સૌથી ઓછી છે. તો ચીનમાં આ સંખ્યા સૌથી વધારે (64%) છે.

દિલ્હી અને એનસીઆરમાં કરવામાં આવેલા એક સરવેના આંકડા જણાવે છે કે, માતૃત્વ ધારણ કર્યા બાદ માત્ર 18થી 34 ટકા મહિલાઓ કામ પર પરત ફરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો