મોદી દ્વારા કેનેડાના PM ટ્રુડોની અવગણના પાછળ સત્ય શું?

કેનેડાના પીએમ અને તેમનો પરિવાર ભારતમાં પહોંચ્યા ત્યારે નમસ્કાર મુદ્રામાં Image copyright Getty Images

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તેમના પરિવાર સાથે ભારતમાં એક અઠવાડિયાની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે.

જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને આવકારવા માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી નહોતા પહોંચ્યા.

ત્યારથી એ વાતે જોર પકડ્યું છે કે શું ભારતમાં કેનેડાના વડાપ્રધાનની અવગણના થઈ રહી છે?

જસ્ટીન ટ્રુડોને આવકારવા માટે કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત એરપોર્ટ પર જઈને જુદાજુદા દેશોના નેતાઓને આવકાર્યા છે. તેમની ભેટીને આવકારવાની અદા તો પ્રખ્યાત છે.

ભારતીય અને વિદેશી મીડિયામાં આ વિશે ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાનો મત આપ્યા.

આ વર્ષે જાન્યુઆરીમાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહૂને આવકારવા માટે પણ પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા.

આ સિવાય ગયા વર્ષે જાપાનના પીએમ અને આ વર્ષે ઇઝરાયેલી પીએમની ગુજરાત મુલાકાત વખતે તેઓ સાથે રહ્યા હતા. તેમણે રોડ શો પણ કર્યો હતો.

જ્યારે કેનેડાના પીએમ ટ્રુડો ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદી તેમની સાથે ગયા નથી.

Image copyright Kalpit Bhachech
ફોટો લાઈન ટ્રુડોને વિદાય આપવા એરપોર્ટ પહોંચેલા ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી

અમદાવાદ એરપોર્ટ પર કેનેડાના વડાપ્રધાનને આવકારવા માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ તેમજ પ્રવાસન મંત્રી ગણપત વસાવા, રાજ્યના મુખ્ય સચિવ અને અમદાવાદના મેયર ગૌતમ શાહ પહોંચ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમને આવકારવા એરપોર્ટ પહોંચ્યા નહોતા, પણ તેમણે ટ્વીટ કરી આવકાર આપ્યો હતો.

જોકે, બાદમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રુડોને વિદાય આપવા એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડો તાજમહેલની મુલાકાતે ગયા હતા, જ્યાં પણ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેમને આવકારવા પહોંચ્યા નહોતા.

કૉલમિસ્ટ અને અર્થશાસ્ત્રી વિવેક દેહેજીયાએ બીબીસીને જણાવ્યું કે ચોક્કસથી આ એક અવગણના કહી શકાય.

તેમણે આ અંગેનું કારણ જણાવ્યું કે ટ્રુડો સરકારના કેટલાક સભ્યો ખાલિસ્તાની ચળવળ સાથે સંબંધ ધરાવે છે.

આ પહેલાં પણ ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે કેનેડાના રક્ષામંત્રી ભારતની મુલાકાતે હતા, ત્યારે તેમની સાથે મુલાકાત કરવાની પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘે ના પાડી હતી.

Image copyright Getty Images

કેનેડામાં ભારતના હાઈ કમિશનર રહી ચૂકેલા વિષ્ણુ પ્રકાશે બીબીસી સાથે વાત કરી. તેમણે કહ્યું કે કોઈ પ્રોટોકોલનો ભંગ નથી થયો.

"પ્રોટોકોલ મુજબ કેબિનેટ કક્ષાના મંત્રી વિદેશી નેતાને આવકારવા જતા હોય છે. કેનેડાના પીએમને આવકારવા પણ રાજ્યકક્ષાના કૃષિમંત્રી ગયા હતા.

"પીએમ મોદી ઘણી વખત આ પ્રોટોકોલ તોડી ચૂક્યા છે તેનો મતલબ એ નથી કે દર વખતે તેઓ દરેક વિદેશી નેતાને આવકારવા જાય.

"અને પીએમ મોદી તેમને 23 ફેબ્રુઆરીએ મળવાના જ છે. એવું તો નથી કે પીએમ તેમને મળવાના જ નથી."

ભૂતપૂર્વ રાજદૂત કંવલ સિબ્બલે બીબીસી સાથેની વાતમાં કહ્યું કે પીએમ ટ્રુડોની મુલાકાતને ખાલિસ્તાનના 'પૂર્વગ્રહ' સાથે શરૂ કરાય તે રાજકીય અને વ્યવસાયિક રીતે ભારત માટે 'ખોટું' છે.

"ઊલટું આ મુદ્દે ભારતની ચિંતા જતાવવા આ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શક્તો હતો.

"એ સાચું છે કે ભારતને આ મુદ્દે જોઈએ તેવું સમર્થન નથી મળ્યું પરંતુ આ મુલાકાતનો ઉપયોગ કેનેડા સરકાર કડક પગલાં લે એ માટે કરી શકાય છે."

Image copyright Kalpit Bhacheh

તેઓના મતે કેનેડાના પીએમને અવગણાયા નથી. છેલ્લાં કેટલાક વર્ષોમાં બન્ને દેશોના સંબંધોમાં સુધાર આવ્યો છે.

તેઓ કહે છે ભારતને યુરેનિયમ આપવાનો કેનેડાનો નિર્ણય ઘણો નોંધપાત્ર હતો.

"એરપોર્ટ પર આવકાર એ એક સામાન્ય પ્રોટોકોલ છે. બન્ને દેશો આ મુદ્દે કેનેડાના પીએમની મુલાકાતને સંકટમાં નહીં મૂકે.

"આ મુલાકાત સફળ થાય એ બન્ને દેશોના હિતમાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ