પ્રેસ રિવ્યૂ: ફરિયાદ કરી બૅન્કે નાણાં મેળવવાના રસ્તા બંધ કર્યા: નીરવ મોદી

નીરવ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બૅંન્કના અબજોના કૌભાંડમાં આરોપી નીરવ મોદીએ બૅન્કના મેનેજમેન્ટને પત્ર લખ્યો છે.

પત્રમાં તેમણે કહ્યું છે કે બૅન્કે ફરિયાદ કરીને નાણાં મેળવવાના પોતાના રસ્તા બંધ કરી દીધા છે.

ઉપરાંત પત્રમાં લખવામાં આવ્યું છે કે બૅન્કે જે રકમ જાહેર કરી છે તેના કરતાં અમારું વાસ્તવિક દેવું ઘણું ઓછું છે.

પીએનબીના મેનેજમેન્ટને આ પત્ર નીરવ મોદીએ 15/16 ફેબ્રુઆરીના રોજ લખ્યો હોવાનો અખબારનો દાવો છે.

અખબારના અહેવાલ મુજબ પત્રમાં કહેવાયું છે કે હકીકતમાં તેમણે 5 હજાર કરોડથી પણ ઓછા રૂપિયા આપવાના થાય છે.

બૅન્કની ફરિયાદના કારણે ફાયરસ્ટાર ડાયમંડના બિઝનેસને અસર થઈ છે અને નાણાં ચૂકવવાની અમારી ક્ષમતાને પણ અસર થઈ છે.

ગુજરાતનું બજેટ આજે રજૂ થશે

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2018-19નું બજેટ આજે રજૂ કરશે.

ગત વર્ષે બજેટનું કદ 1.71 લાખ કરોડ રૂપિયા હતું પરંતુ આ વખતે તે વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થાય તેવી શક્યતા છે.

સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયો હોવાથી રાજ્ય સરકાર અન્ય કોઈ વેરા નાખી શકશે નહીં.

ગુજરાત સરકારની કુલ મહેસુલી આવકનો સૌથી મોટો હિસ્સો અગાઉ વેટ-વેરા અને હવે જીએસટીની આવકનો હોય છે.

19 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા બજેટ સત્રના પહેલા દિવસે રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાથી ભાજપના ધારાસભ્યના છે. સ્પીકર પદે તેમની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

પ્રિયા પ્રકાશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ઇમેજ સ્રોત, MUZIK247/VIDEO GRAB

એનડીટીવીના અહેવાલ મુજબ આંખ મારનારા વીડિયોથી ફેમસ થયેલી પ્રિયા પ્રકાશે સુપ્રીમ કોર્ટમાં પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી છે.

પ્રિયા અને ફિલ્મના ડિરેક્ટર સામે તેલગાંણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદો થઈ છે.

સુપ્રીમમાં કરેલી અરજીમાં તેમણે કહ્યું છે કે આ એક મુસ્લિમ લોકગીત છે જે વર્ષોથી કેરળના મલબાર વિસ્તારમાં ગાવામાં આવે છે.

આ મામલે તે સુપ્રીમમાં ઝડપી સુનાવણીની માગણી કરાય તેવી શક્યતાઓ પણ છે.

હૈદરાબાદના એક ગ્રુપે આ ગીત સામે ફિલ્મના ડિરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગીતના ટીઝરમાં રહેલા શબ્દો મુસલમાનોની લાગણીને ઠેસ પહોંચાડે છે.

અરજીમાં તેમણે કહ્યું છે કે આ ગીત કેરળનું હોવા છતાં કેરળમાં તેમની સામે કોઈ ફરિયાદ થઈ નથી માટે અમારી સામે અન્ય રાજ્યોમાં થયેલી ફરિયાદમાં કરાયેલા આરોપોમાં તથ્ય નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો