લૂંટાયેલા 'ધનની વાત' પર મોદી ક્યારે કરશે 'મનની વાત'?
- રાજેશ પ્રિયદર્શી
- ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

ઇમેજ સ્રોત, EPA/JAGADEESH NV
પૂર્વ વડાપ્રધાન ચૂપ રહીને 'મૌનમોહન' તરીકે ઓળખાયા. વર્તમાન પીએમ એટલું બોલે છે અને એટલું સારું બોલે છે તેમ છતાં લોકોને ફરિયાદ છે કે તેઓ માત્ર પોતાની 'મન કી બાત' કરે છે, 'જન કે મન કી બાત' ક્યારેય કરતા નથી.
પીએમ મોદી હજુ પણ સતત બોલી રહ્યા છે. તેઓ મનમોહન સિંહની જેમ મૌન રહેતા નથી.
જ્યારે સમગ્ર દેશ લૂંટી લેવાયેલા ધનની વાત કરે છે ત્યારે દેશના વડાપ્રધાન વર્ષ-બે વર્ષમાં મતદાતા બનનારા બાળકોને સ્ટેડિયમમાં ટ્યૂશન આપી રહ્યા છે.
આ જ્ઞાન તો તેમણે સાચું જ આપ્યું છે કે 'આત્મવિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે.'
તમને આ પણ વાંચવું ગમશે
અખલાકની હત્યા, ગોરખપુરમાં બાળકોનાં મૃત્યુ, રાફેલ ડીલ હોય કે પીએનબી કૌભાંડ, 'નેશન વોંટ્સ ટૂ નો' કે મોદીજી તે અંગે શું વિચારે છે.
પરંતુ તેવામાં રામકૃષ્ણ પરમહંસ પર એક કલાક બોલીને નીકળી પડવું ખરેખર આત્મવિશ્વાસનું કામ છે.
'મન કી બાત'માં મોદીએ કયા મુદ્દે બોલવું જોઈએ?
ઇમેજ સ્રોત, REUTERS/SAUMYA KHANDELWAL
'છોટે મોદી'ના મોટા કારનામા પર વિપક્ષની પ્રતિક્રિયાની અવગણના કર્યા બાદ બાળકોને ભણાવવા સિવાય વડાપ્રધાને રવિવારે મુંબઈમાં કહ્યું કે તેમની સરકારે કામકાજની સંસ્કૃતિ બદલી નાખી.
કાવ્યના ગુણ વિનાની રચનામાં તેમના સમાન બીજું કોઈ નથી.
તેમણે કહ્યું, "જૂની સરકાર માત્ર લટકાવતા, અટકાવતા અને ભટકાવતા જાણતી હતી." પરંતુ તેમના વિરોધી લટકાવવા, અટકાવવા અને ભટકાવવાની સરખામણી ભગાવવા સાથે કરી રહ્યા છે.
મોદી લોકોને પૂછે છે કે 'મન કી બાત'માં તેમણે કયા મુદ્દા પર બોલવું જોઈએ.
જો જનતા 'સત્યનું મહત્ત્વ', 'ચરિત્ર પર ચર્ચા', 'સદાચાર પર વિચાર' અને 'સંઘર્ષથી મળતી સફળતા' વિશે સાંભળવા માગે છે તો પછી એ પૂછવાનો શું મતલબ છે કે ફલાણા મુદ્દા પર પીએમ કેમ બોલ્યા નહીં.
અફસોસ કે સહાનુભૂતિ વ્યક્ત કરવી કે જે મુદ્દા પર ટીકા થઈ રહી હોય તેના પર બોલવું એ દોષ સ્વીકાર કરવા બરાબર સમજવામાં આવે છે.
રાહુલ ગાંધીને પણ કહેવાની તક મળી ગઈ છે કે 'વડાપ્રધાન જી બોલો, એ રીતે વ્યવ્હાર ન કરો જાણે તમે દોષિત છો.'
પરંતુ પીએમ કદાચ તેની વિરુદ્ધ વિચારે છે. તેમને લાગે છે કે વિવાદિત મુદ્દા પર બોલવું એ દોષિત હોવા તરફ ઇશારો કરે છે.
વડાપ્રધાન બન્યા બાદ એક પણ પ્રેસ કૉન્ફરન્સ નહીં
ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP/GETTY IMAGES
દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદ દેશના જુદા જુદા ભાગમાં વિરોધ પ્રદર્શન થયા હતા
મોદી વડાપ્રધાન છે, સ્પષ્ટ છે કે તેઓ જે કંઈ કહે છે તેને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. તેમની દરેક વાતથી દેશમાં એક સંદેશ જાય છે.
ગૌરક્ષકોની હિંસા, દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા, નોટબંધી અને તેના જેવા બીજા ઘણા મુદ્દા છે જેના પર વડાપ્રધાને ખૂબ મોડી મોડી પ્રતિક્રિયા આપી.
તેઓ પોતાની મરજી પ્રમાણે બોલ્યા અને મન ખોલીને ન બોલ્યા.
મોદી કદાચ એ પણ સમજવા લાગ્યા છે કે આ ડિજિટલ જમાનામાં તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો ખોટા સમયે પરત ફરી આવે છે.
"ન ખાઇશ, ન ખાવા દઇશ", "હું દિલ્હીમાં તમારો ચોકીદાર છું"... આ શબ્દો પરત ફરી આવ્યા છે અને પરેશાન કરી રહ્યા છે.
મોદી સમક્ષ અનેક વખત માગ મૂકવામાં આવી છે કે કોઈ ખાસ મુદ્દા પર પોતાનો મત જણાવે, તેમણે એક વખત પણ માગવા પર પ્રતિક્રિયા આપી નથી.
એ જ કારણ છે કે સત્તામાં આવ્યા બાદ તેમણે એક વખત પણ પ્રેસ કૉન્ફરન્સ કરી નથી.
તેમને લાગે છે કે જવાબ દેવાને દબાણમાં આવી જવું માનવામાં આવશે. આમ પણ મોદી તો શું બનારસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ છોકરીઓ પર લાઠીચાર્જ થયા બાદ દબાણમાં આવતા નથી.
જવાબદાર મંત્રીને જવાબ આપવાથી બચાવવાનો પ્રયાસ
ઇમેજ સ્રોત, Getty Images
વધુ એક રસપ્રદ વાત એ છે કે પીએનબી કૌભાંડ પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ બોલી રહ્યા છે, જ્યારે રાફેલ ડીલ પર સવાલ ઉઠ્યા તો નાણાંમંત્રી અરૂણ જેટલી બોલવા આવ્યા હતા.
આ જોગાનુજોગની વાત નથી કે જે મંત્રીના વિભાગનો મામલો છે તેમના બદલે બીજા કોઈ મંત્રી નિવેદન જાહેર કરે છે.
આ સમજી વિચારીને કરવામાં આવ્યું છે. આ જવાબદાર મંત્રીને જવાબ આપવાથી બચાવવાનો પ્રયાસ છે.
હવે તો બાબા રામદેવ પણ બોલી રહ્યા છે કે બેંકિંગ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સૌથી યોગ્ય વ્યક્તિ છે.
આ એ વાત છે કે જે મોદીજીએ અરૂણ જેટલી વિશે કહેવાની જરૂર હતી પરંતુ કોણ જાણે કેમ કહી ન શક્યા?
જેમણે બોલવાની જરૂર છે, તે બોલતા નથી
ઇમેજ સ્રોત, REUTERS/JAYANTA DEY
આમ તો બધી જ સરકાર અસલી મુદ્દા પર ચર્ચા ઇચ્છતી નથી પરંતુ આ સરકારે તેને લલિત કલાનું રૂપ આપી દીધું છે.
ઉદાહરણ તરીકે શિક્ષણ પર દુનિયાના દેશો પોતાના જીડીપીના લગભગ પાંચ ટકા ખર્ચે છે. બીજી તરફ ભારતમાં એ માત્ર 3.3 ટકા છે.
એ વાત તો બધા જ જાણે છે કે સરકારી સ્કૂલો- કૉલેજોની પરિસ્થિતિ કેવી છે.
પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ માતા પિતાને લૂંટી રહી છે પરંતુ સરકાર તે વિશે કંઈ કહેતી નથી. બાળકોને આત્મવિશ્વાસના પાઠ ભણાવવાથી વધારે સહેલું શું હોઈ શકે છે?
આ વાત મોદી સુધી સીમિત નથી, આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. જેમણે બોલવાની જરૂર છે, તે બોલતા નથી. જેમણે ન બોલવું જોઈએ તે બોલે છે.
જે મુદ્દા પર જેમણે બોલવું જોઈએ, તેમના સિવાય બધાં જ બોલે છે.
તાજુ ઉદાહરણ છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) જે કહી રહી છે કે પત્રકારોએ સરકારના વિકાસનું રિપૉર્ટીંગ કરવું જોઈએ.
પ્રેસ કાઉન્સિલ આયુર્વેદના લાભ પર બોલે તો આશ્ચર્ય થવું જોઈએ નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.