આમિર ખાને શા માટે રાની મુખર્જીની માફી માગી હતી?

રાની મુખર્જી

ઇમેજ સ્રોત, YRF PR

આશરે ચાર વર્ષ બાદ ફિલ્મ હિચકી ફિલ્મ દ્વારા ફરી રૂપેરી પડદે પરત ફરી રહેલી રાની મુખર્જીએ કહ્યું કે તેમનો અવાજ શરૂઆતના ગાળા માટે સંઘર્ષનું કારણ બન્યો હતો.

બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં રાની મુખર્જીએ પોતાની કારકીર્દીના શરૂઆતના ગાળાની વાત કરી હતી. આજ રાનીના અવાજની એક અલગ જ ઓળખ છે પરંતુ એક એવો પણ સમય હતો જ્યારે ફિલ્મકારોનું માનવું હતું કે તેનો અવાજ આદર્શ અભિનેત્રીઓની જેમ પાતળો નથી.

ફિલ્મ 'ગુલામ'નો કિસ્સો સંભળાવતા રાની મુખર્જીએ કહ્યું કે તે ફિલ્મમાં આમિર ખાન, નિર્દેશક વિક્રમ ભટ્ટ અને નિર્માતા મુકેશ ભટ્ટને લાગ્યું કે તેમનો અસલ અવાજ ફિલ્મના પાત્ર સાથે સુસંગત લાગતો નથી. જેથી આ પાત્રનો અવાજ ડબ કરવામાં આવ્યો હતો.

તે સમયે રાની ગુલામ અને કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં એક સાથે કામ કરી રહી હતી. ત્યારે કરણે રાનીને કહ્યું કે જ્યારે તેમની પહેલી ફિલ્મમાં અવાજનું ડબિંગ કરવામાં આવ્યું છે તો તે પોતાની ફિલ્મમાં તેમનો અસલ અવાજ જ રાખશે.

'કરણને હતો અવાજ પર ભરોસો'

ઇમેજ સ્રોત, AVINASH GOWARIKAR

રાની કહે છે, "કરણ મારા અવાજને કોઈ બીજા પાસે ડબ પણ કરાવી શકતા હતા પરંતુ તેમણે મારા પર ભરોસો રાખ્યો. કરણે કહ્યું કે મારો અવાજ જ મારો આત્મા છે. તેમનો આ વિશ્વાસ આગળ જતા મારા માટે હિંમત બન્યો."

રાની આગળ કહે છે, "કુછ કુછ હોતા હૈ જોયા બાદ આમિરે મને ફોન કરી મારી માફી માગી અને કહ્યું કે મને વિશ્વાસ ન હતો કે તમારો અવાજ ફિલ્મ માટે યોગ્ય છે પરંતુ ફિલ્મ જોઈને હવે હું મારા શબ્દો પરત લઉં છું. તમારો અવાજ ખૂબ સરસ છે."

અવાજ સિવાય રાનીને તેની ઓછી ઊંચાઈને લઈને પણ બોલિવુડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે, તેમણે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે વધારે કામ કર્યું જેથી તેમની ઓછી ઊંચાઈ બહુ આડે ના આવી.

રાની મુખર્જીને એ વાતનો આનંદ છે કે તેમની ફિલ્મી સફરમાં તેમણે ઘણા મોટા ડિરેક્ટર, નિર્માતા, અભિનેતા અને ટેક્નીશિયન સાથે કામ કરવાનો મોકો મળ્યો.

રાનીનું કહેવું છે કે પહેલી ફિલ્મ ભલે જાદુ કે કોઈ અન્ય કારણોસર મળતી હોય છે પરંતુ બીજી અને ત્રીજી ફિલ્મ તમારી કાબેલિયત પર મળે છે.

પતિએ ફિલ્મોમાં પરત ફરવા દબાણ કર્યું

ઇમેજ સ્રોત, YRF PR

ચાર વર્ષ બાદ ફરીથી ફિલ્મોમાં પરત ફરી રહેલી રાની મુખર્જીનું કહેવું છે કે તેમનું ચાલતું તો ફિલ્મોમાં પરત ફરવા માટે હજી ત્રણ-ચાર વર્ષ લાગી જતાં. હાલ તેમના જીવનમાં સૌથી વધારે મહત્ત્વની તેમની બે વર્ષની પુત્રી આદિરા છે.

રાનીની જિંદગી પુત્રી આદિરા સાથે ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. જેથી તેમના પતિ નિર્માતા-નિર્દેશક આદિત્ય ચોપડાએ તેમને ફિલ્મોમાં પરત ફરવા માટે દબાણ કર્યું.

ફિલ્મ હિચકીમાં રાની મુખર્જી એવા અધ્યાપકનું પાત્ર ભજવી રહી છે કે જેમને ટૉરેન્ટ સિન્ડ્રોમની બીમારી છે. ફિલ્મમાં રાની મુખર્જીને વાત કરતી વખતે હેડકી આવે છે. ફિલ્મની વાર્તા અમેરિકાના પ્રખ્યાત પ્રેરણાત્મક વક્તા અને અધ્યાપક બ્રેડ કોહેનથી પ્રેરિત છે.

સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ હિચકી 23 માર્ચના રોજ રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો