ઈપીએફનો વ્યાજદર ઘટ્યો, 5 કરોડ લોકોને અસર

ઇમેજ સ્રોત, Twitter/EPF INDIA
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એમ્પલૉઇ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશને બુધવારે વ્યાજદર ઘટાડાની જાહેરાત કરી છે.
ગત વર્ષે ઈપીએફનો વ્યાજદર 8.65% હતો જે ઘટીને હવે 8.55% થઈ જશે. આ વ્યાજદર પાંચ વર્ષનો સૌથી નીચો વ્યાજદર છે.
અખબારના અહેવાલ મુજબ આ ઘટાડાની 5 કરોડ ઈપીએફ ખાતેદારો પર અસર થશે. તેમની જમા રકમ પર ઓછું વ્યાજ મળશે.
વ્યાજમાં થયેલા ઘટાડાથી નોકરિયાત અને મધ્યમવર્ગ સરકારથી નારાજ થાય તેવી પણ શક્યતાઓ છે.
હાર્દિક સામે રાજદ્રોહનો કેસ બને છે: કોર્ટ
ઇમેજ સ્રોત, Getty Images
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં અરજી કરી હતી.
જે અરજી દલીલો બાદ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આરોપી હાર્દિક, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે તહોમતનામું ઘડવાનો પણ નિર્દેશ કર્યો છે.
અખબારના અહેવાલ મુજબ કોર્ટ અરજી ફગાવતા નોંધ્યું હતું કે સાક્ષીઓનાં નિવેદનો, આરોપીનાં ભાષણો, જુદી જુદી વ્યક્તિઓ અને સહ આરોપીઓ વચ્ચે થયેલી વાતચીત જોતાં તેમણે પૂર્વઆયોજિત કાવતરું રચી તંગદીલી ફેલાય તેવાં કૃત્યો કર્યાં છે.
આરોપીએ સરકારની સલામતીને ભયમાં મૂકી હતી જેથી તેમની સામે રાજદ્રોહનો ગુનો બને છે.
ઇશરત એન્કાઉન્ટરમાં પાન્ડેય મુક્ત
ઇમેજ સ્રોત, Getty Images
નવગુજરાત સમયના અહેવાલ મુજબ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયને સીબીઆઈ કોર્ટે મુક્ત કર્યા છે.
અખબારના અહેવાલ અનુસાર આ કેસમાં સીબીઆઈએ ડી.જી. વણઝારા, જી.એલ, સિંઘલ, એન. કે. અમીન, તરૂણ બારોટ સહિતના અધિકારીઓની ધરપકડ કરી હતી.
કોર્ટે આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળીને પાન્ડેયએ ડિસચાર્જ કરવાની કરેલી અરજીને માન્ય રાખી હતી.
આ કેસમાં પી.પી. પાન્ડેની 2013માં ધરપકડ કરવામાં આવી હતી તે સમયે તેઓ ગુજરાતના સૌથી વરિષ્ઠ આઇપીએસ અધિકારી હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો