ગુજરાતમાંથી એવી શું અફવા ઉડી કે રિઝર્વ બૅન્ક ડરી ગઈ?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ભારતની કેન્દ્રીય બૅન્ક એટલે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં આશ્ચર્યજનકરૂપે કરોડો લોકોને એક SMS મોકલ્યો છે. આ SMSનો સંબંધ ભારતીય મુદ્રા 10 રૂપિયા સાથે છે.

RBIના આ SMSમાં કહેવામાં આવ્યું છે કે ડરવાની જરૂર નથી અને ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ ઠીક છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના વ્યાપક પ્રચાર તંત્રને 10 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવા કામે લગાડ્યું છે.

ભારતના 10 રૂપિયાના સિક્કાની કિંમત માત્ર 10 અમેરિકી સેંટ્સ છે. જોકે, તેનાથી ખબર પડે છે કે સરકાર પોતાની મુદ્રા સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવા માટે કેટલી હદે ગંભીર છે.

આખરે 10 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલો ભ્રમ શું છે? આ સવાલ એ માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે માનવતાના ઇતિહાસમાં મુદ્રાનો સંબંધ આત્મવિશ્વાસ સાથે રહ્યો છે.

ભારતમાં આ સમસ્યા વધારે જટિલ નથી. મોટાભાગના લોકોને લાગે છે કે 10નો નવો સિક્કો નકલી છે. તેની અસર એવી થઈ છે કે મોટાભાગના લોકો 10ના નવા સિક્કાને સ્વીકાર કરવાનો પણ ઇન્કાર કરે છે.

અફવા છે કે 10નો નવો સિક્કો નકલી છે. કહેવાય છે કે તેની શરૂઆત ગુજરાતથી થઈ અને આ અફવા સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.

સામી તમિલનાડુમાં ઑટોરિક્શા ડ્રાઇવર છે. તેમનું કહેવું છે કે 10નો નવો સિક્કો કોઈ લેતું નથી. તેમણે કહ્યું કે કરિયાણાના દુકાનદાર હોય કે ચા વેચનારા, કોઈ પણ દસ રૂપિયાના નવા સિક્કાને સ્વીકારતા નથી.

તમને આ પણ વાંચવું ગમશે:

વીરાપાંડી એક દુકાનના માલિક છે. તેમનું કહેવું છે કે એક બસ કંડક્ટર પણ 10ના નવા સિક્કા લેતા નથી.

વીરાપાંડીએ કહ્યું, "બસવાળા કહે છે કે પેસેન્જર 10 રૂપિયાના નવા સિક્કાને સ્વીકારતા નથી, એટલે તેઓ પણ સ્વીકારતા નથી."


RBIની પરેશાની શું છે?

Image copyright Getty Images

શું 10 રૂપિયાના સિક્કાનો મુદ્દો એટલો મોટો છે કે તેના માટે RBI આટલી હદે એક્શનમાં આવી ગઈ છે?

RBIએ કરોડો લોકોને SMS કરીને ડર્યા વગર 10 રૂપિયાના નવા સિક્કાનો સ્વીકાર કરવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જો તમે આશ્વસ્ત છો, તો 14440 પર ફોન કરો.

મેં તે નંબર પર ફોન કર્યો. એક કે બે સેકેન્ડ બાદ મને RBIનો કૉલબેક આવ્યો.

જોકે, RBI તરફથી ફોન કોઈ વ્યક્તિએ કર્યો ન હતો, પરંતુ તે એક રેકોર્ડેડ સંદેશ હતો.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારે અલગ અલગ ડિઝાઇનમાં 10ના નવા સિક્કા જાહેર કર્યા છે અને તે બધા કાયદેસર છે.

તમારા ખિસ્સામાંથી એક નોટ કાઢીને જુઓ. લગભગ દરેક પેપર મનીમાં એક જ વાયદો છે- 'હું ધારકને અદાયગી કરવાનો વાયદો કરું છું.' નોટ અલગ અલગ મૂલ્યનાં હોઈ શકે છે.

જો નોટ પર લખેલા આ વાયદાને કોઈ પડકાર આપે છે, તો સરકાર પાસે બીજી નોટની માગ કરી શકાય છે.

Image copyright AFP

મુદ્રાની એક કલ્પિત કિંમત હોય છે અને સરકાર તેને કાયદેસર બનાવે છે જેથી સ્વીકાર્યતા પર કોઈ શંકા ન કરે. મુદ્રાની કિંમત કાગળ કે ધાતુમાં છૂપાયેલી હોતી નથી.

તેની કિંમત સામૂહિક ભરોસામાં હોય છે. ચા વાળો ચાના બદલે આપણી પાસેથી એ પૈસા લે છે જેને પાડોશી દુકાનદાર સ્વીકાર કરી લે અને કોઈ સવાલ ન ઉઠાવે.

એ જ રીતે દુકાનદાર એ પૈસાનો ઉપયોગ બીજી કોઈ જગ્યાએ કરે છે અને તેની વૈધતા પર કોઈ શંકા કરતું નથી.

મુદ્રાની કિંમત ભરોસા વગર હોતી નથી.

યુવલ નોઆહ હરારીએ પોતાના પુસ્તક 'સેપિયંસ'માં લખ્યું છે કે પૈસા લોકોને જોડવાનું કામ કરે છે. તેમણે લખ્યું છે કે ભાષા, સંસ્કૃતિ, કાયદો, ધર્મ વચ્ચે મુદ્રા સેતુનું કામ કરે છે.

હરારીએ લખ્યું છે, "જે લોકો ઈશ્વર અને એક રાજાની આજ્ઞા માનતા નથી તે પણ એક કરંસીનો ઉપયોગ કરવામાં વાંધો વ્યક્ત કરતા નથી. ઓસામા બિન લાદેનને અમેરિકી સંસ્કૃતિ, અમેરિકીપણું તેમજ અમેરિકી રાજકારણ સાથે નફરત હતી. પરંતુ અમેરિકી ડોલરને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા."

એ ભરોસો કે જે વ્યવસ્થા છે તે ખૂબ નબળી છે, તે કારણોસર તૂટી જવું પણ સહેલું હોય છે.

તેના માટે RBI આટલી ગંભીરતા બતાવી રહી છે. RBIનું પ્રચાર તંત્ર 10ના નવા સિક્કાને લઇને ભરોસો સ્થાપવા પ્રયાસ કરી રહ્યું છે.

RBIને ખબર છે કે જો મુદ્રા પરથી ભરોસો ઊઠી ગયો, તો અર્થવ્યવસ્થાને સંભાળવું સહેલું કામ નહીં રહે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ