શું તમારો મોબાઇલ નંબર 13 આંકડાનો થઈ જશે?

મોબાઇલની તસવીર

ઇન્ટરનેટ પર બુધવારે એક ખબર વાઇરલ થઈ કે તમારો દસ આંકડાનો મોબાઇલ નંબર હવે બદલાઈ જશે.

મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જુલાઈથી મોબાઇલ નંબર 13 આંકડાનો થઈ જશે.

આ વાંચીને તમારા મનમાં અનેક સવાલો ઉઠ્યા હશે કે આ 13 આંકડા શું હશે? શું તે સંપૂર્ણ રીતે બદલી જશે? શું આધારથી લઈને બૅન્ક ખાતા સાથે જોડાયેલા તમારા મોબાઇલ નંબરને બદલવો પડશે?

જો તમે આવું વિચારીને પરેશાન હોવ તો રિલેક્સ થઈ જાવ. તમારો મોબાઇલ નંબર બદલશે નહીં. એ દસ આંકડાનો જ રહેશે.

Image copyright Twitter/BSNL India

વાસ્તવમાં ટેલિકૉમ્યુનિકેશન વિભાગે ટેલિકૉમ્યુનિકેશન સાથે સંકળાયેલી કંપનીઓને નિર્દેશ આપ્યો છે, જેમાં તેમણે 10 આંકડાને બદલે 13 આંકડાનો નંબર જારી કરવાનું કહ્યું છે.

આ સૂચના વ્યક્તિગત મોબાઇલ નંબર માટે નથી પરંતુ M2M એટલે કે મશીન ટૂ મશીન કૉમ્યુનિકેશન માટે જારી કરવામાં આવ્યો છે.

ઇન્ટરનેટ પર ફેલાઈ રહેલા આ ખોટા સમાચારનું બીએસએનએલે ખંડન કર્યું છે. બીએસએનએલે એક ટ્વીટ કરી સ્પષ્ટ કર્યું છે કે મોબાઇલ નંબર 10 આંકડાનો જ રહેશે.

બીએસએનએલે ટ્વીટ કર્યું છે, "મોબાઇલ નંબર બદલાશે નહીં. તે 10 આંકડાનો જ રહેશે. બીએસએનએલ M2M કૉમ્યુનિકેશન માટે 13 આંકડાનો નંબર લાવવાની તૈયારી કરી રહ્યું છે જે કરોડો મશીનને જોડશે."


શું છે સૂચના?

Image copyright Getty Images

બીએસએનએલે મોબાઇલ નિર્માતા કંપનીઓને આપેલી સૂચના અનુસાર M2M કૉમ્યુનિકેશન માટે 13 આંકડાના નંબરવાળી સ્કીમ જુલાઈ 2018થી લાગુ થશે.

આ સૂચના 8 જાન્યુઆરીના રોજ આપવામાં આવી હતી જેમાં બધી કૉમ્યુનિકેશન કંપનીઓને એક જુલાઈથી 13 આંકડાનું જ M2M મોબાઇલ કનેક્શન આપવાની વાત કહેવામાં આવી છે.

સૂચના અનુસાર કંપનીઓને એક જુલાઈ પહેલાં ટેકનિકલ બાબતોને અપડેટ કરવાનું પણ કહેવાયું છે.


શું હોય છે M2M કૉમ્યુનિકેશન

Image copyright Getty Images

M2M કૉમ્યુનિકેશનમાં બે મશીનો વચ્ચે માહિતીની આપ-લે થાય છે. સામાન્ય રીતે આ વાતને એ રીતે સમજી શકાય કે શોપિંગ મૉલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલી ચૂકવણી M2M કૉમ્યુનિકેશન દ્વારા થાય છે.

જેમાં સ્વાઇપ મશીન તમારા કાર્ડની વિગતો જાણે છે અને સીધું જ મશીન બૅન્ક સાથે સંપર્ક કરે છે.

આ સંપર્ક માટે ઇન્ટરનેટની જરૂર પડે છે, જેના માટે એક સિમકાર્ડની પણ જરૂર પડે છે. અત્યાર સુધી આ સિમકાર્ડનો નંબર 10 આંકડાનો હતો હવે તે 13 આંકડાનો થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો