18 વર્ષથી જીતનારને તમિલનાડુની યુવતીઓએ હરાવ્યા
- પ્રમિલા કૃષ્ણન
- બીબીસી સંવાદદાતા, તમિલ સેવા

ભારતમાં હાલમાં જ રમતગમત ક્ષેત્રે બધા લોકોનું ધ્યાન ખેચ્યું છે ચેન્નઈની 22 વર્ષની ફૂટબૉલ ખેલાડી નંદિની મુનુસામીએ.
તે એ મહિલા ટીમની કેપ્ટન છે જેણે હાલમાં જ નેશનલ સીનિયર ચેમ્પિયનશિપમાં શક્તિશાળી મનાતી મણીપુરની મહિલા ફૂટબૉલ ટીમને હરાવીને ટ્રોફી જીતી હતી.
હારનાર મણીપુરની ટીમમાં કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ છે. ભારતના પૂર્વોત્તરની આ ટીમ છેલ્લાં 18 વર્ષોથી સતત નેશનલ ચેમ્પિયનશિપ જીતતી આવી છે.
જોકે, આ વર્ષે 18 વર્ષોથી વિજેતા બનતી ટીમને તમિલનાડુએ હરાવી દીધી. તમિલનાડુની કેપ્ટન હતી નંદિની જેણે આખરે મણિપુરના વિજય રથને રોકી દીધો.
'શિક્ષકોએ કહ્યું કે ફૂટબૉલ રમો'
નંદિનીએ રમવાની શરૂઆત આઠમા ધોરણથી કરી હતી. ત્યારે તે એક ઍથ્લીટ હતી.
નંદિને રમતગમત ક્ષેત્રે તૈયાર કરનાર શિક્ષક રજની અને જયકુમારે તેને કહ્યું કે જો તે ઍથ્લીટની જગ્યાએ ફૂટબૉલ રમે તો તે સરળતાથી જીતી શકે છે.
ત્યારબાદ નંદિનીએ ફુટબૉલ તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.
સ્કૂલના દિવસો અંગે નંદિની કહે છે, "હું ઘણાં બધા ઇનામ અને સર્ટિફિકેટ જીતવા માગતી હતી અને એટલા માટે જ હું સ્પોર્ટ્સ ટીમનો ભાગ બની ગઈ."
"મારા શિક્ષકે મને કહ્યું કે હું ખૂબ સારી ફુટબૉલર બની શકું એમ છું. મે ઘણી પ્રેક્ટિસ કરી અને જેવી રીતે મારા શિક્ષકોએ વિચાર્યું હતું એવી રીતે જ મે ઇન્ટરસ્કૂલ મેચોમાં જીત હાંસલ કરી હતી."
જ્યારે નંદિની દસમા ધોરણમાં હતી, ત્યારે તેને નેશનલ લેવલની ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવી હતી. તેને એ વર્ષે થનારા જૂનીયર ફૂટબૉલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો.
કોણ છે નંદિની?
નંદિની કહે છે કે તેમના માતાની ઇચ્છા છે કે તે સ્પોર્ટ્સ કરીઅર પર ધ્યાન આપે.
તે કહે છે, "હું એક નાના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા પિતા કાર ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ગયા વર્ષે તેમનું મૃત્યુ થઈ ગયું."
"મારા માતા દરજીકામ કરીને ઘર સંભાળે છે. મારી બહેનનાં લગ્ન થઈ ગયાં છે. હવે મારી માતા મારા માટે કામ કરે છે."
જોકે, નંદિનીના પરિવાર માટે ઘર ચલાવવું બહુ આસાન નથી પરંતુ તેનો દબાવ ક્યારેય નંદિની પર પડ્યો નથી.
નંદિની કહે છે, "જ્યારે મે નક્કી કર્યું કે મારે રમત પર વધારે ધ્યાન આપવા માટે સરકારી સ્પોર્ટ્સ હૉસ્ટેલમાં રહેવા જઉં છે તો મારા માતા-પિતા તરત માની ગયાં."
નંદિનીના 70 વર્ષનાં દાદી કૃષ્ણવેણી સ્થાનિક અખબારોમાં નંદિનીની તસવીર જોઈને ખુશ થાય છે. તે સમગ્ર ટીમ માટે મિઠાઈ લઈને આવે છે.
નંદિની ગર્વ સાથે કહે છે, "મારા દાદીને રમતગમત અંગે કંઈ ખબર નથી. પરંતુ તે દરેક વખતે મારી જીત માટે પ્રાર્થના કરે છે. તે મને કહેતાં હતાં કે ગરીબ પરીવારની છોકરીઓ માટે મારે એક ઉદાહરણરૂપ બનવાનું છે. હા, હવે હું એ જગ્યા પર છું."
નંદિની હાલ ચિદમ્બરમ અન્નામલાઈ વિશ્વવિદ્યાલયમાં શારીરિક શિક્ષણમાં ડિપ્લોમાં અભ્યાસ કરી રહી છે. તેને ઉમ્મીદ છે કે તેનાથી પ્રેરણા લઈને અનેક માતાપિતા પોતાની પુત્રીઓને ફુટબૉલ રમવા મૂકશે.
ટીમમાં એકતા જાળવી રાખી
નંદિનીને પ્રશિક્ષણ આપનારા કહે છે કે નંદિની સાહસિક છે અને તે ટીમને એકસૂત્રમાં રાખવા સતત પ્રયાસો કરે છે.
તમિલનાડુની કેપ્ટન નંદિનીએ ફાઇનલ સુધી ટીમનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. તેને બેસ્ટ પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
તેમની જીત અંગે નંદિની કહે છે, "અમારી ટીમની મોટાભાગની છોકરીઓ ગામડાંમાંથી આવે છે. જેઓ સ્કૂલો અને ક્લબોમાં રમીને આવી છે."
"અમે નક્કી કર્યું હતું કે અમારી દરેક કુશળતાનો ઉપયોગ ટીમને મજબૂત બનાવવા માટે કરીશું અને એના કારણે જ અમને જીત મળી."
ટીમના પ્રશિક્ષક મુરૂગવેન્દન કહે છે કે ટ્રેનિંગ દરમિયાન અમે આ મહિલા ટીમની મેચ પુરુષ ફુટબૉલ ટીમ અને વરિષ્ઠ ખેલાડીઓ સાથે પણ આયોજીત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો