#HerChoice 'એવો નિયમ છે કે મહિલા માત્ર પતિ સાથે રજા ગાળવા બહાર જઈ શકે?'

#HerChoice

(બીબીસીની વિશિષ્ટ શ્રેણી #HerChoiceમાં આ સાચી વાર્તા વાંચો જે 'આધુનિક ભારતીય મહિલા' ની જીવન-પસંદગી દર્શાવે છે.)

શું તમે ક્યારેય સ્પીતી વૅલીમાં ફરવા ગયા છો? ભારતની ઉત્તર દિશામાં હિમાલયની તળેટીમાં આવેલી આ એવી જગ્યા છે જ્યાં મોબાઇલની કનેક્ટિવિટી ખૂબ જ ઓછી છે. એટલે જ હું ત્યાં ગઈ. નવરાશની પળો ગાળવા અને સંપૂર્ણપણે સ્વતંત્ર થવા.

અમે બે યુવાન સ્ત્રીઓ અને ડ્રાઇવર હતા. મને હજુ પણ એ રાત યાદ છે, જ્યારે અમારા ડ્રાઇવરે અમને પેપર કપમાં દેશી દારૂ ઓફર કર્યો હતો.

અમે આગળ વધ્યા અને તે કડવા ઝેર જેવા દારુનો સ્વાદ ચાખ્યો. અહાહાહા તે શું આનંદ હતો! હું કારની ટોચ પર બેઠી હતી અને ઝડપી ફૂંકાતો પવન મારા શરીર અને આત્માને ઉત્તેજીત કરતો હતો.

ત્રીસીના પ્રારંભિક દાયકામાં મધ્યમ વર્ગની વિવાહિત સ્ત્રી માટે માનવામાં ન આવે તેવી આ ક્ષણો હતી. અજાણ્યા લોકો સાથે સાથે, અજાણ્યા પ્રદેશમાં, મારા પતિ અને ઘરની નજરથી દૂર.

તમને આ પણ વાંચવું ગમશે

આ યાત્રા કરવા પાછળ રોમાંચ એક માત્ર કારણ નથી. ઓછામાં ઓછા એક કે બે વાર ઘરેથી દૂરના વિસ્તારોમાં જઈને રોકાવું જ્યાં કોઈ મોબાઇલ રેંજ ન હોય તેની પાછળ કેટલાક ઊંડા કારણો છે.


હું અને મારા પતિ કલાકારો છીએ અને મુસાફરી અમારો કૉમન શોખ છે. પરંતુ જ્યારે અમે એક સાથે મુસાફરી કરીએ છીએ ત્યારે તે મને એક જવાબદારી ગણે છે.

ટ્રાન્સપોર્ટેશન, તેનો સમય, ક્યાં રોકાવું, હોટેલ, મારી સલામતી વગેરે વિશેના તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવે છે.

તે મારા અભિપ્રાય માટે પૂછે છે પરંતુ તે પહેલાથી જ લેવામાં આવેલા નિર્ણયને સમર્થન આપવા જેવું હોય છે.

અમે હોટલના રૂમમાં પ્રવેશ કરીએ તે પહેલા એ હોટેલનાં રૂમની તપાસ કરે છે. મેનૂ કાર્ડ પહેલા તે જુએ છે અને મને પૂછે છે કે મારે શું ખાવું છે.

રૂમના દરવાજાને તાળું મારવાથી લઈને તે દરેક વસ્તુમાં આગેવાની લે છે. હું જવાબદારી છું અને તે નિર્ણય કરનાર છે.

હકીકતમાં મને આરામની જરૂર છે. મારા દીકરાના જન્મ પછી મને આરામની વધારે જરૂર લાગી. મારા કામ અને મુસાફરીમાં ઘટાડો થયો પરંતુ મારા પતિનું જીવન પહેલા જેમ જ ચાલુ રહ્યું.

ત્યારે મેં એકલા બહાર જવાનું નક્કી કર્યું. પતિને એ સમયે પુત્રની સારસંભાળ માટે ઘરમાં રહેવાનું હતું. તેઓ એ માટે સહમત થયા.


તેમના વિનાની પહેલી મુસાફરી ખૂબ આયોજિત ટ્રિપ હતી. હજી પણ તે મને બે-ત્રણ કલાક પૂછતા રહેશે કે હું ક્યાં પહોંચી છું? રસ્તામાં ટ્રાફિક ઘણો છે?

હું સમજું છું કે મારી સલામતી તેમના માટે ચિંતાનો વિષય છે. પરંતુ મિનિટે મિનીટની અપડેટ્સ આપીને હું કંટાળી ગઈ હતી.

એવું લાગતું હતું કે હું કોઈની દેખરેખ હેઠળ છુ. સતત મારા પર કોઈની નજર છે. મારી સફરને ટ્રેક કરવામાં આવી રહી છે.

અને તેથી જ મેં એવા સ્થળો શોધી કાઢવાનું શરૂ કર્યું જ્યાં કોઈ મોબાઇલ રેંજ ન હોય.+

ઘરે દરરોજ ફોન કરો, ઘરેલું પ્રશ્નો પૂછવા અને જવાબ આપવા કે શું પતિ ભોજન કરે છે અને દીકરાએ તેનું હોમવર્ક કર્યું છે કે નહીં. ચોક્કસપણે આ બધું કરીને મુસાફરી કરવાનો મારો વિચાર બિલકુલ નથી.

તે સાચું છે કે હું મધ્યમ વયની, મધ્યમ વર્ગની, વિવાહિત મહિલા છું. હવે સાત વર્ષના એક બાળકની માતા પણ છું. પરંતુ શું મારી આજ ઓળખ છે? એક પત્ની અને માતા તરીકેની?

અને એવો કોઈ નિયમ છે કે એક વિવાહિત મહિલાને ફક્ત તેના પતિ સાથે રજા ગાળવા બહાર જવું જોઈએ?


જ્યારે હું ભૂટાનની ટ્રિપ પર હતી ત્યારે મારા પુત્રની શાળામાં પેરેન્ટ્સ મિટિંગ હતી. એ વખતે મારા પતિની મારા દીકરાના મિત્રની માતા સાથે વાતચીત થઈ.

તેમણે પૂછ્યું, 'તમારી પત્ની ક્યાં છે?'

'તે શહેરની બહાર છે', એમણે જવાબ આપ્યો.

'ઓહ ... કામ માટે?' એણે ધારી લીધુ.

'ના, ના ... માત્ર ફરવા માટે ગઈ છે' મારા પતિએ સ્પષ્ટતા કરી.

ઓહ, ખરેખર? એવું કેવી રીતે બને? તમને એકલા છોડીને? એમની વાતચીતમાં એક પ્રકારનો આઘાત હતો જાણે કે મેં મારા પતિને છોડી દીધા હોય.

મારા પતિએ તે સમયે મારી હાંસી ઉડાવી હતી અને મારી સાથે મજાક તરીકે આ વાતચીત શેર કરી હતી. પરંતુ મને એ વાત સાંભળીને જરા પણ હસવું આવ્યું નહોતું.

તે જ મહિલા સાથે થોડા મહિના પહેલાં મારી મુલાકાત થઈ. તે સમયે તેમના પતિ બાઇક ટૂર પર ફરવા ગયા હતા. તે આ વિશે ખૂબ જ ગૌરવ સાથે મને જણાવી રહ્યા હતા કે તેમના પતિને બાઇક પર ફરવા જવાનો કેટલો શોખ છે.


મેં તે સમયે તેમને એમ ન પૂછ્યું, 'તમારા પતિએ તમને એકલા છોડી દીધા છે?

આવી મહિલાઓમાં તે માત્ર એક જ નથી. પતિ વગર એકલા ફરવા જવાનો વિચાર બધાને વિચિત્ર લાગે છે. આ વિચાર અમારા પરિજનોને પણ નહોતો ગમ્યો.

મેં પહેલી વખત એકલા ફરવા જવાનો નિર્ણય કર્યો ત્યારે મારા સાસુને બહુ વિચિત્ર લાગ્યું હતું. પરંતુ મારા પતિ, જે સમજે છે કે મારે શા માટે આવા પ્રવાસની જરૂરિયાત છે, એમણે તેમને સમજાવ્યા અને પછી તેમણે કોઈ પ્રકારના વાંધા-વચકા ન કાઢ્યા.

મારી પોતાની માતા, પણ 'મારા સમય' ના વિચાર સાથે સહમત નથી.

એટલે હું આ વખતે તેમને જાણ કર્યા વગર જ ફરવા નીકળી ગઈ.

તેમણે મને પૂછ્યું 'ક્યાં છે? હું ગઇકાલથી તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી હતી.'

'હું કરું છું મમ્મી'

'ફરી? શા માટે? ક્યાં? '

'આ વખતે હું બાય રોડ મુસાફરી કરી રહી છું. '

'બરાબર. તારો પુત્ર અને તેમના પિતા કેમ છે? '

મેં કહ્યું 'તેઓ મારી સાથે નથી. તેઓ ઘરે છે. '


'ઓહ ભગવાન! તું કેવા પ્રકારની માતા છો?

એટલા નાના છોકરાને ઘરે મુકીને આમ ફરવું કેમનું ફાવે છે?

ભગવાન જાણે એ શું અનુભવતો હશે?

તેની માતા તેને પ્રેમ નથી કરતી, એને છોડીને ફરવા જતી રહે છે.

મને ખબર નથી પડતી કે તારી સાસુ તને આમ એકલી કેવી રીતે જવા દે છે.?

'મમ્મી, તમે મને બાંધી રાખવા માંગો છો કે શું?'

આ નવું નથી. હું જ્યારે ફરવા આવું છું ત્યારે આવું થાય જ છે. મને નથી લાગતું કે તેઓને મારું ફરવું બિલકુલ નથી ગમતું. પરંતુ કદાચ તેમને એ ચિંતા વધારે સતાવે છે કે લોકો શું કહેશે.

હું મારી જાતની શોધમાં એકલી ફરવા નીકળું છું. મને મારા પરિવારની ફીકર છે પરંતુ હું મારી જાતને પણ એટલો જ પ્રેમ કરું છું. હું જ્યારે એકલા મુસાફરી કરું છું ત્યારે હું મારી જાતની સંભાળ ખુદ રાખું છું.

જ્યારે હું એકલી બહાર જાઉં છું ત્યારે જવાબદારી અને નિર્ણયો, બંને મારા પોતાના હોય છે.


હું સલામત રહુ છું અને હું સાહસિક પણ છું. લગભગ એક અલગ સ્ત્રી.

તે સ્પીતી વૅલીમાં ડ્રાઇવર કે જેણે અમને દારૂ ઓફર કરી હતી તે એક હેન્ડસમ માણસ હતો. તેની સાથે વાત કરવાની મજા આવી હતી. તેની સાથે પીવાનું આનંદદાયક હતું. તે પહાડી ગીત ગાતો હતો એ સાંભળવાની બહુ મજા પડી હતી.

ગયા વર્ષે જ્યારે હું અને મારી એક મિત્ર સાથે ફરવા ગયા હતા ત્યારે અમારા ડ્રાઇવરે અમને એક હોટલ ઉતારતી વખતે પૂછ્યું હતું કે 'કુછ ઔર ઇન્તજામ લગેગા આપ લોગો કો?' (શું તમને બીજું કંઈ જરૂર છે?)

હું આજે પણ તેના એ પૂછવાનો અર્થ વિચારતી વખતે અટ્ટહાસ્ય કરી લઉં છું કે તે અમને દારૂ કે જિગોલો આપવા માટે પૂછતો હતો કે શું?


આ અનુભવો અને આ લોકો વાસ્તવિક દુનિયા છે. તેમને અનુભવવા માટે મારે નિશ્ચિતરૂપે થોડા દિવસ માટે પરિણીત મહિલા, પત્ની અને માતાના ટેગને દૂર કરવાની જરૂર છે.

(આ પશ્ચિમ ભારતમાં રહેતી મહિલાનું સાચું જીવનચરિત્ર છે. જે બીબીસીના રિપોર્ટર અરુંધતી રાનડે જોષી સાથે વાતચીત પર આધારિત છે. #HerChoice સિરિઝ દિવ્યા આર્યા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ