સોહરાબુદ્દીન 'એન્કાઉન્ટર' કેસમાં કેટલીક ગરબડો: જસ્ટિસ થિપસે

જસ્ટિસ અભય થિપસે

અલાહાબાદ અને બૉમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અભય થિપસેએ જણાવ્યું છે કે, સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણીમાં કેટલીક ગરબડો છે.

તેમણે માંગણી કરી છે કે આ કેસમાં ડિસ્ચાર્જ ઓર્ડર એટલે કે આરોપીઓને મુક્ત કરવાના આદેશ પર ફરીથી વિચાર થવો જોઇએ.

આ કેસમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને કેટલાક આઈપીએસ અધિકારીઓને સ્પેશિયલ કોર્ટે મુક્ત કર્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

જસ્ટિસ થિપસેએ એ પણ માગ કરી છે કે ન્યાયમૂર્તિ બી. એચ. લોયાના ફોન કૉલ્સના રેકોર્ડની પણ તપાસ થવી જોઇએ. સોહરાબુદ્દીન કેસમાં જજ લોયા પણ ન્યાયમૂર્તિ હતા.

વર્ષ 2014માં નાગપુરમાં તેમનું મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ પર પણ ઘણા સવાલ ઉઠ્યા હતા.


નિર્ણય પર સવાલ

ફોટો લાઈન સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસર બી ની હત્યા કરવામાં આવી હતી

જસ્ટિસ થિપસેએ બીબીસી સંવાદદાતા અભિજીત કાંબલે સાથે વાતચીતમાં ત્રણ 'ગરબડો'નો ઉલ્લેખ કર્યો છે.

પહેલી ગરબડ વિશે થિપસે કહે છે, "મને લાગે છે કે કોર્ટ દ્વારા કેટલા આરોપીઓને મુક્ત કરી દેવાયા એ સાચો નિર્ણય નહોતો."

"આરોપીઓને ઘણા વર્ષો સુધી જામીન નહોતા મળ્યા. જો તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન હોત તો એમને જામીન પહેલા જ મળી ગયા હોત."

"આ આરોપીઓએ સમયાંતરે અલગ અલગ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ પછી સ્પેશિયલ કોર્ટે કહ્યું કે એમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી જે ચોંકાવનારું હતું."


Image copyright Getty Images

થિપસે કહે છે કે આ મામલાની સુનાવણી વિશે સમાચાર ના છાપવામાં આવે એના માટે મીડિયામાં આદેશ આપવામાં આવ્યા હતા જેની ખરેખર જરૂર નહોતી.

એ કહે છે, "વાસ્તવમાં કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય એટલા માટે ખુલ્લામાં તેની સુનાવણી થવી જરૂરી છે."

"આશ્ચર્યની વાત એ છે કે આ મામલામાં આરોપીઓએ કોર્ટને વિનંતી કરી કે મીડિયામાં આ વિશે ચર્ચા ના થાય અને કોર્ટે તેમની આ વાતનું સમર્થન પણ કરી દીધું."


કેમ બદલાઈ ગયા જજ?

Image copyright CARAVAN MAGAZINE

જસ્ટિસ થિપસેના જણાવ્યા મુજબ ત્રીજી ગરબડ એ છે, "જ્યારે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્રમાં કરાવવાનો આદેશ કર્યો હતો ત્યારે કહ્યું હતું કે છેલ્લે સુધી એક જ જજે આ કેસની સુનાવણી કરવી જોઇએ.

પરંતુ સુનાવણી દરમિયાન જજને એમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ તેમની બદલી કરી દેવામાં આવી હતી.

એ પછી જજ લોયાની નિયુક્તિ કરવામાં આવી. એ વાતને સ્પષ્ટ કરવી જોઇએ કે કાર્યકાળ પૂરો થયા પહેલા જજને કેમ બદલવામાં આવ્યા?"

જજ લોયાના મૃત્યુ વિશે જસ્ટિસ થિપસે કહે છે, "હું એ નથી કહેતો કે જજ લોયાનું મૃત્યુ પ્રાકૃતિક છે કે નહીં.

પરંતુ આ મામલે આરોપ લાગ્યા છે અને ઘણા કાયદા નિષ્ણાતોએ આ મુદ્દે તપાસની માગ કરી છે. એમના મોત પર જે સવાલ ઉઠ્યા છે તેના જવાબ શોધવા તપાસ થવી જોઇએ."

જસ્ટિસ થિપસેએ કહ્યું કે ટ્રાયલ કોર્ટે આરોપીઓને છોડી દેવાનો જે આદેશ કર્યો છે એના પર હાઇકોર્ટ ફરી એકવાર વિચાર કરી શકે છે.


શું છે સોહરાબુદ્દીન મામલો?

Image copyright BHAREDRESH GUJJAR

વર્ષ 2005માં ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખનું મૃત્યુ થયું હતું. ગુજરાત પોલીસનું કહેવું હતું કે એક મૂઠભેડમાં તેમનું મોત થયું હતું. જો કે એ પછી આરોપ લાગ્યા હતા કે આ મૂઠભેડ નકલી હતી.

વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ કેસની સુનાવણી ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્રમાં કરવામાં આવે.

આ મામલામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2010માં અમિત શાહની ધરપકડ થઈ હતી એ પછી તેમને જામીન આપવામાં આવ્યા હતા.

આ કેસમાં અમિત શાહ સહિત 15 લોકોને આરોપમુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા.


Image copyright AFP

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેનું કહેવું છે કે અમિત શાહને મુક્ત કરવા વિરુદ્ધ બૉમ્બે લૉયર એસોસિએશને કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. પરંતુ આ અરજી પર હજુ સુધી સુનાવણી થઈ નથી.

સોહરાબુદ્દીન શેખના ભાઈ રબાબુદ્દીન શેખના વકીલ ગૌતમ તિવારી કહે છે, "અમે આ મામલામાં ત્રણ આરોપીઓને મુક્ત કરવાના આદેશ વિરુદ્ધ અરજી કરી છે.

આ ત્રણ લોકો છે - દિનેશ એમ. એન., રાજકુમાર પાંડિયન અને ડી જી વણજારા. આ બધા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે."

તિવારી એમ પણ કહે છે કે આ મામલામાં લગભગ ત્રીસ સાક્ષીઓ જુબાની આપીને ફરી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ