સ્ટીવ જોબ્સે નોકરી માટે કરેલી અરજીમાં શું ભૂલો હતી?

આ સ્ટીવ જોબ્સની મહત્ત્વકાંક્ષાઓ 1973માં લખાયેલી આ અરજીમાં જોવા મળે છે Image copyright Getty Images/RR Auction
ફોટો લાઈન આ સ્ટીવ જોબ્સની મહત્ત્વકાંક્ષાઓ 1973માં લખાયેલી આ અરજીમાં જોવા મળે છે

તમે નોકરી માટે લખેલી અરજીનું મૂલ્ય તમારા માટે અમૂલ્ય હોઈ શકે, બીજા લોકો માટે નહીં, પરંતુ જો તમે સ્ટીવ જોબ્સ હોવ તો તમે વર્ષો પહેલાં કરેલી નોકરીની એ અરજીની કિંમત એક કરોડ 13 લાખ જેટલી થઈ જાય.

ઍપલ કંપનીના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે 1973માં નોકરી માટે કરેલી અરજીને માર્ચ મહિનામાં હરાજી માટે મૂકવામાં આવી હતી.

આ અરજી એક બ્રિટિશ નાગરિકે 1,74,757 ડોલર (અંદાજે એક કરોડ 13 લાખ)માં ખરીદી હતી.

સ્ટીવ જોબ્સે, તેમને અબજોપતિ બનાવી દેનારી ઍપલ કંપની શરૂ કર્યાના ત્રણ વર્ષ પહેલાં નોકરી માટે કરેલી અરજીમાં સ્પેલિંગ અને વ્યાકરણની અઢળક ભૂલો છે.

એક પાનાના આ દસ્તાવેજમાં તેમની ટેક્નૉલૉજી ક્ષેત્રમાં આગળ વધવાની મહત્ત્વકાંક્ષા સ્પષ્ટ રીતે જોવા મળે છે.

તેમણે પોતાની વિશિષ્ટ આવડત વિશેના પ્રશ્નના જવાબમાં "ઇલેક્ટ્રોનિક્સ ટેક અથવા ડિઝાઇન એન્જિનિયર" જણાવ્યું હતું. તેમણે કમ્પ્યૂટર્સ વિશેની સમજણ હોવાના પ્રશ્નમાં 'યસ' (હા) લખ્યું હતું.

જોકે આ ઍપ્લિકેશન કઈ નોકરી માટે હતી અને જોબ્સ તેને મેળવવામાં સફળ થયા હતા કે નહીં તે જાણી શકાયું નથી.

આપને આ પણ વાંચવું ગમશે


શું લખ્યું છે અરજીમાં?

Image copyright Getty Images

તેમણે તેમનું નામ "સ્ટીવન જોબ્સ" લખ્યું હતું અને તેમનું સરનામું "રીડ કૉલેજ" લખ્યું હતું. ઓરેગોનના પોર્ટલૅન્ડમાં આવેલી આ કૉલેજમાં સ્ટીવ જોબ્સે થોડા સમય બાદ અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધો હતો.

આ અરજીપત્રમાં જોબ્સે તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાની 'હા' પાડી હતી. જોકે તેમની પાસે કાર છે કે નહીં તે પ્રશ્નના જવાબમાં તેમણે લખ્યું હતું, "શક્ય છે, પણ સંભવિત નથી." (પૉસિબલ, બટ નોટ પ્રૉબેબલ).

આઈફોનના આ સર્જકે તેમની પાસે ફોન હોવાના પ્રશ્નના જવાબમાં લખ્યું હતું - "નન" (એક પણ નથી)

જોબ્સનું 56 વર્ષની વયે વર્ષ 2011માં કેન્સરને કારણે અવસાન થયું હતું.

મેસેચ્યુસેટ્સ, બોસ્ટનમાં આવેલા આરઆર ઑક્શન દ્વારા 8થી 15 માર્ચ દરમિયાન આ હરાજી યોજાઈ હતી.

આ હરાજીમાં મૂકવામાં આવેલી અન્ય વસ્તુઓ:

Image copyright Getty Images
  • સ્ટીવ જોબ્સની સહી ધરાવતું 2001 મૅક ઓએસ એક્સનું સ્પાઇરલ બાઇન્ડિંગ ટેક્નિકલ મેન્યુઅલ
  • સ્ટીવ જોબ્સે સહી કરેલા અખબારનું ક્લિપિંગ જેમાં તેમનો ફોટોગ્રાફ છે અને સમાચારનું હેડિંગ છે, "ન્યૂ, ફાસ્ટર, આઇફોન વિલ સેલ ફોર 199 ડૉલર્સ" (નવો, ઝડપી આઇફોન 199 ડૉલર્સમાં વેચાશે)
  • જ્હોન લેનોન અને યોકો ઓનોનો ટોક્યોમાં 1977માં લેવાયેલો તેમની સહી ધરાવતો ફોટોગ્રાફ.
  • બૉબ માર્લી અને ધ વેઇલર્સનું સહી કરેલું 1976નું પોસ્ટર.
  • વર્ષ 1969માં ટોરોન્ટોમાં ડ્રગ્સ રાખવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા સંગીતકાર જિમિ હેંડ્રિક્સે સહી કરેલું તેમની જ ફિંગરપ્રિન્ટ્સનું કાર્ડ.
  • બ્રિટિશ ગાયક ઍમી વાઇનહાઉસે તેમના પતિ બ્લૅક ફિલ્ડર-સિવિલને લખેલો પ્રેમપત્ર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ