શ્રીદેવીનું દુબઈમાં કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન

શ્રીદેવી Image copyright Getty Images

બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું મોડી રાત્રે દુબઈમાં નિધન થયું છે. પરિવારજનોએ આ જાણકારી આપી છે.

તેઓ તેમનાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતાં.

શ્રીદેવીના પ્રશંસકોએ તેમનાં મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તામિલનાડૂમાં થયો હતો. આશરે ચાર વર્ષની ઉંમરે તેમણે પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી.

તેમની પહેલી ફિલ્મ તમિલ ભાષામાં હતી. જેનું નામ 'કંધન કરુણાઈ' હતું.

બાળકલાકાર તરીકે તેમણે મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ૧૯૭૯માં મુખ્ય અભિનેત્રી તરીકે 'સોલહવાં સાવન' ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું.

Image copyright TWITTER

હિંદી ફિલ્મો માટે '૯૦નો દાયકો અભિનેત્રીઓની દ્રષ્ટિએ શ્રીદેવીનો દાયકો હતો.

તેમણે 'હિમ્મતવાલા', 'તોહફા', 'મિસ્ટર ઇન્ડિયા', 'નગીના' જેવી સુપરહિટ ફિલ્મો આપી. તેમને લોકો 'લેડી અમિતાભ' તરીકે ઓળખવા લાગ્યા.

જિતેન્દ્ર સાથે શ્રીદેવીએ 'હિમ્મતવાલા', 'જસ્ટિસ ચૌધરી' અને 'મવાલી' જેવી ફિલ્મો આપી.

1997માં 'જુદાઈ' ફિલ્મમાં અભિનય બાદ તેઓ 15 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહ્યાં. 2012માં તેમણે ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'થી બોલીવૂડમાં ધમાકેદાર કમબેક કર્યું.

2017માં તેમની ફિલ્મ 'મોમ' આવી હતી. જે શ્રીદેવીની 300મી ફિલ્મ હતી.

2013માં ભારત સરકારે તેમને 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ