શ્રીદેવી : કઈ રીતે ‘રૂપ કી રાની’નું મૃત્યુ થયું?

શ્રીદેવી Image copyright TWITTER@SRIDEVIBKAPOOR

શનિવારની મોડી રાત્રે દુબઈથી આવેલા ખરાબ સમાચારે બધાને શોકમાં મૂકી દીધા. સમાચાર એટલા દુ:ખદ હતા કે તેના પર લાંબા સમય સુધી કોઈને વિશ્વાસ નહોતો થયો.

મોટાભાગના લોકો તેને અફવા કહેતા રહ્યા અથવા તો આ અફવા ખોટી હોવાની પ્રાર્થના કરતા રહ્યા હતા.

પરંતુ થોડા જ સમયમાં ખરાબ સમાચારની પુષ્ટિ થઈ ગઈ હતી. 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી.

જે જાણકારી પ્રાપ્ત થઈ તે મુજબ તેઓ દુબઈમાં લગ્નમાં હાજરી આપી રહ્યાં હતાં અને ત્યાં તેમને એક ભયાનક કાર્ડિએક અરેસ્ટ આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

દુબળાં-પાતળાં શ્રીદેવીને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે ફિટેનેસને લઈને સભાન રહેનારાં સેલિબ્રિટી અચાનક આવી બિમારીનો ભોગ બનશે.


શું હોય છે કાર્ડિએક અરેસ્ટ?

Image copyright iStock

કાર્ડિએક અરેસ્ટ માનવ શરીર માટે કેમ આટલો ખતરનાક સાબિત થાય છે? અને કઈ રીતે હૃદય ફેલ થવું અને હૃદયરોગનો હુમલો થવો અલગ છે?

હાર્ટ.ઓઆરજી મુજબ કાર્ડિએક અરેસ્ટ અચાનક થાય છે અને શરીરમાંથી કોઈ ચેતવણી પણ મળતી નથી.

આનું કારણ હૃદયમાં થનારી ઇલેક્ટ્રિકલ ગરબડી છે, જે ધબકારાના તાલમેલને બગાડી દે છે.

તેથી હૃદયને પંપને કરવાની ક્ષમતા પર અસર થાય છે અને તે મગજ, હૃદય અથવા શરીરના અન્ય ભાગોને લોહી પહોંચાડી શક્તું નથી.

આમાં થોડા સમય માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને પલ્સ ચાલુ હોય છે.

જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સેકન્ડોમાં અથવા મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે.


કાર્ડિએક અરેસ્ટમાં મોત થાય જ?

Image copyright iStock

અમેરિકામાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ ડૉક્ટર સૌરભ બંસલે બીબીસીને કહ્યું હતું કે, "આ ખૂબ જ દુ:ખદ છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય."

"ખરેખરમાં કાર્ડિએક અરેસ્ટ દરેક મૃત્યુનું અંતિમ બિંદુ કહી શકાય, જેનો અર્થ એ થાય કે ધબકારા બંધ થઈ જવા અને મૃત્યુનું આ જ કારણ છે."

પરંતુ આમ થવા પાછળનાં કારણ શું હોય છે?

ડૉ. બંસલ સમજાવે છે, "આ માટેના વિવિધ કારણો હોઈ શકે છે, સામાન્ય રીતે મોટું કારણ હૃદયરોગનો જીવલેણ હુમલો છે."

"જોકે, એવું પણ કહેવામાં આવે છે કે સામાન્ય રીતે 54 વર્ષની વયે જીવલેણ હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઓછી છે."

"તેમને અન્ય તબીબી સમસ્યાઓ પહેલેથી જ હોઈ શકે છે, પરંતુ દેખીતી રીતે આપણે તેના વિશે જાણતા નથી."

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, હૃદયમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલોની સમસ્યાઓ જ્યારે લોહી શરીર સુધી પહોંચાડતી નથી, તો તે કાર્ડિએક અરેસ્ટનું સ્વરૂપ લે છે.

જ્યારે માનવ શરીર લોહીનું પમ્પિંગ બંધ કરે છે, ત્યારે મગજમાં ઓક્સિજનની ઘટ થાય છે.

આવા કિસ્સામાં વ્યક્તિ બેભાન થઈ જાય છે અને શ્વાસ બંધ થઈ જાય છે.


શું કોઈ લક્ષણ જોવા મળે છે?

Image copyright iStock

સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાર્ડિએક અરેસ્ટના આવતા પહેલાં કોઈ લક્ષણો દેખાતા નથી.

એટલે જ આ કિસ્સામાં મૃત્યુનું જોખમ વધી જાય છે.

સૌથી સામાન્ય કારણ હૃદયના અસાધારણ ધબકારા છે. જેને વિજ્ઞાનની ભાષામાં 'વેન્ટ્રિકુલર ફિબ્રિલેશન' કહેવાય છે.

હૃદયની ઇલેક્ટ્રિકલ ગતિવિધિ એટલી બગડી જાય છે કે તે ધબકવાનું જ બંધ કરી દે છે અને એક રીતે કહીએ તો કાંપવા લાગે છે.

કાર્ડિએક અરેસ્ટ માટે ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક હૃદય સંબંધિત રોગો તેની આશંકા વધારી દે છે:

 • કોરોનરી હાર્ટની બિમારી
 • હાર્ટ એટેક
 • કાર્ડિયોમાયોપૅથી
 • કૉનજેનિટલ હાર્ટની બિમારી
 • હાર્ટ વાલ્વમાં પરેશાની
 • હાર્ટ મસલમાં ઇનફ્લેમેશન
 • લૉન્ગ ક્યૂટી સિન્ડ્રોમ જેવા ડિસઑર્ડર

આ સિવાય કેટલાક બીજા કારણો છે, જે કાર્ડિએક અરેસ્ટને નોંતરી શકે છે.

 • વીજળીનો કરંટ લાગવો
 • જરૂરથી વધારે ડ્રગ્સનું સેવન
 • હૅમરેજ કે જેમાં લોહીનું ઘણું નુક્સાન થાય છે
 • પાણીમાં ડૂબવું

આનાથી બચવું શક્ય છે?

Image copyright iStock

જવાબ છે હા. ક્યારેક છાતી પર ઇલેક્ટ્રિક શૉક આપીને, તેને ફરીથી રિકવર કરી શકાય છે. આ માટે ડિફિબ્રિલેટર નામના સાધનનો ઉપયોગ થાય છે.

આ સામાન્ય રીતે તમામ મુખ્ય હોસ્પિટલોમાં જોવા મળે છે. જેમાં મુખ્ય મશીન અને શૉક આપવાના બૅઝ હોય છે, જેને છાતી પર લગાવી અરેસ્ટથી બચાવી શકાય છે.

પરંતુ સમસ્યા એ છે કે જો ભવિષ્યમાં ડિફિબ્રિલેટર ન હોય તો શું કરવું?

જવાબ છે, સીપીઆર. તેનો અર્થ કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન છે.

આમાં દર્દીની છાતીને બે હાથોથી સીધું જ દબાણ આપવામાં આવે છે. અને મોઢાથી હવા પૂરી પાડવામાં આવે છે.


હાર્ટ અટૅકથી કઈ રીતે અલગ છે?

Image copyright iStock

મોટાભાગના લોકો કાર્ડિએક અરેસ્ટ અને હૃદયરોગના હુમલાને એકસમાન ગણે છે. પરંતુ બન્ને વચ્ચે ખાસ્સો ફરક છે.

હૃદયરોગનો હુમલો એ સમયે થાય છે જ્યારે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થાય છે અને તેને કારણે હૃદયની માંસપેશીઓમાં લોહી પહોંચવાનું મુશ્કેલ બને છે.

હૃદય રોગના હુમલામાં છાતીમાં ગંભીર પીડા થાય છે. જો કે, ઘણી વખત લક્ષણો નબળા હોય છે, પરંતુ તે હૃદયને નુકસાન પહોંચાડી જ શકે છે.

આવા કિસ્સામાં હૃદય શરીરના બાકીના ભાગમાં લોહી પહોંચાડવાનું ચાલુ રાખે છે અને દર્દી સભાન રહે છે.

પરંતુ જેના પર હૃદયરોગનો હુમલો થયો હોય તે વ્યક્તિ પર કાર્ડિએક અરેસ્ટનું જોખમ વધી જાય છે.

કાર્ડિએક અરેસ્ટમાં હૃદય લોહી પહોંચાડવાનું બંધ કરી દે છે. એટલે જ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને શ્વાસ અટકી જાય છે.


કારણ શું હોઈ શકે?

Image copyright TWITTER @SRIDEVIBKAPOOR

ડૉક્ટર બંસલના જણાવ્યા અનુસાર, "કાર્ડિયાક અરેસ્ટનો મતલબ એ છે કે હૃદયનું ધબકવું બંધ થવું અને હૃદયરોગનો હુમલો થવાનો અર્થ એ છે કે હૃદયને પૂરતું લોહી ન મળવું."

"હા, એ જરૂર છે કે લોહી ન પહોંચવાને કારણે કાર્ડિએક અરેસ્ટ થાય છે. એવામાં હૃદયરોગનો હુમલો એ ઘણાં કારણો પૈકીનું એક કારણ છે."

"લોહીનું ગંઠાવું કાર્ડિએક અરેસ્ટનું કારણ બની શકે છે, હૃદયની ફરતેનું પ્રવાહી તેનું કારણ બની શકે છે."

"હૃદયની અંદર કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી પણ કાર્ડિએક અરેસ્ટ થઈ શકે છે, તેના પણ અનેક કારણો હોઈ શકે છે."


હાર્ટ અટૅકમાં બચવું સરળ છે?

Image copyright iStock

હાર્ટ અટૅકના કિસ્સામાં સારવાર મેળવવામાં જેટલો વિલંબ થશે તેટલું વધુ નુકસાન પહોંચે છે.

તેના લક્ષણો તરત પણ જોવા મળે છે અને કેટલાક કિસ્સાઓમાં મોડેથી પણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત હૃદયરોગના હુમલા પછી કેટલાક કલાકો અથવા અમુક દિવસો સુધી તેની અસર જોઈ શકાય છે.

હાર્ટ અટૅકમાં હૃદયનું ધડકવાનું બંધ થતું નથી.

એટલે હૃદયરોગના હુમલામાં દર્દીને બચાવવાની શક્યતા કાર્ડિએક અરેસ્ટની સરખામણીએ વધારે છે.

આ બન્ને રોગો એકબીજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. સમસ્યા એ પણ છે કે હૃદયરોગના હુમલા દરમિયાન અને તેની રિકવરી દરમિયાન પણ કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.

હાર્ટ અટૅક આવે એટલે જરૂરી નથી કે અરેસ્ટ પણ થશે જ, પરંતુ આશંકા જરૂર છે.


કાર્ડિએક અરેસ્ટ કેટલો જીવલેણ?

Image copyright Getty Images

એનસીબીઆઈના જણાવ્યા અનુસાર વિશ્વમાં કાર્ડિયોવૅસ્કુલર રોગો લગભગ 1.7 કરોડ વાર્ષિક મૃત્યુ માટે જવાબદાર છે. જે કુલ મૃત્યુના 30 ટકા છે.

વિકાસશીલ દેશોની વાત કરીએ તો આ પ્રકારના મૃત્યુ એચ.આઈ.વી., મલેરિયા અને ટીબીની સંયુક્ત મૃત્યુની સંખ્યા કરતાં ડબલ છે.

એક અંદાજ મુજબ હૃદયના વિવિધ રોગથી થનારાં મૃત્યુમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે થતાં મૃત્યુનો હિસ્સો 40-50% છે.

વિશ્વમાં કાર્ડિએક અરેસ્ટથી બચવાનો દર એક ટકા કરતાં પણ ઓછો છે. અમેરિકામાં આ દર લગભગ પાંચ ટકા છે.

સમગ્ર વિશ્વમાં કાર્ડિયાક અરેસ્ટથી થતાં મૃત્યુ એ વાતનો સંકેત આપે છે કે તેની જીવલેણ ક્ષમતાથી બચવું સરળ નથી.

આ માટેના વિકલ્પો પર પણ કામ થઈ રહ્યું છે.

કાર્ડિએક અરેસ્ટમાંથી રિકવરીના મદદરૂપ સાધનો સહેલાઈથી ઉપલબ્ધ નથી અને વિકાસશીલ દેશોમાં તો હાલત વધારે ખરાબ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ