શ્રીદેવી આ કારણથી વરસાદમાં શૂટ થતાં ગીતોને નફરત કરતાં હતાં

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Jayakumar

ભારતીય ફિલ્મોમાં પોતાની અનોખી અદાકારીથી લોકોના હૃદયમાં સ્થાન બનાવનારાં શ્રીદેવીનું અવસાન આ ચાહકોને આંચકો આપનારું હતું.

હિંદી ફિલ્મ ઉદ્યોગમાં એક સમયે સૌથી લોકપ્રિય અભિનેત્રી મનાતાં શ્રીદેવીનો આજે જન્મદિવસ છે.

પોતાની ફિલ્મી કારકિર્દીમાં શ્રીદેવીએ વરસાદમાં ફિલ્માવાયેલાં ગીતોથી ધૂમ મચાવી હતી.

ઘણાં વર્ષોના બ્રેક બાદ તેઓ 2012માં 'ઇંગ્લિશ-વિંગ્લિશ' ફિલ્મથી બોલીવૂડમાં પરત ફર્યાં હતાં.

આ ફિલ્મ ખાસી ચર્ચામાં રહી અને તેમના અભિનયને વખાણવામાં આવ્યો. તે બાદ તેમની બીજી ફિલ્મો માટે પ્રશંસકો રાહ જોવા લાગ્યા. આ રાહ ત્યારે પૂર્ણ થઈ જ્યારે તેમની અંતિમ ફિલ્મ 'મૉમ' રિલીઝ થઈ.

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે ખુલીને બીબીસી સાથે વાત કરી હતી. આગળ વાંચો તેમણે જુલાઈ 2017માં બીબીસીને શું કહ્યું હતું.

'મૉમ' ફિલ્મમાં શ્રીદેવીએ અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું હતું.

ચાંદની ફિલ્મનું 'લગી આજ સાવન...,' ચાલબાજ ફિલ્મનું 'ના જાને કહાં સે આઈ હૈ' અને મિસ્ટર ઇન્ડિયાનું 'કાટે નહીં કટતે' ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં. આ બધાં જ ગીતો વરસાદમાં ફિલ્માવવામાં આવ્યાં હતાં.

જોકે, શ્રીદેવીને વરસાદમાં ફિલ્માવાયેલાં ગીતો કોઈ યાતનાથી ઓછાં લાગ્યાં ન હતાં.

બીબીસી સાથેની વાતચીતમાં શ્રીદેવીએ પોતાનાં વરસાદનાં ગીતો પર બોલતાં કહ્યું, 'વરસાદનાં ગીતો યાતના છે. હું તેનો ક્યારેય આનંદ લઈ શકતી નથી કારણ કે મોટા ભાગે આ ગીતોના ફિલ્માંકન વખતે હું બીમાર થઈ જતી હતી.'

વરદાન બની વેનિટી વાન

ઇમેજ સ્રોત, Getty Images

અનેક દાયકાઓ સુધી ફિલ્મોમાં કામ કરનાર શ્રીદેવીને બદલાયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સારી લાગતી હતી.

તેમના કહેવા મુજબ આજની અભિનેત્રીઓને અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓમાં વરદાન રૂપ છે વેનિટી વાન.

શ્રીદેવીનું કહેવું હતું, 'આજની મહિલા અભિનેત્રીઓ માટે વેનિટી વાન વરદાન છે."

"અમારા સમયમાં આવી કોઈ સુવિધા હતી નહીં. વૃક્ષો, ઝાડીઓ કે બસની પાછળ અમે કપડાં બદલતાં હતાં.'

શ્રીદેવીએ જણાવ્યું કે શૌચાલયની અછતને કારણે તેઓ શૂટિંગ દરમિયાન આખો દિવસ પાણી પીતાં ન હતાં.

બીજી તરફ, જો કોઈ સીનમાં 10 રીટેક થઈ જાય તો નિર્માતા મોંઘી રીલ ખતમ થઈ જવાના દબાવમાં આવી જતા. આજે આવી મુશ્કેલીઓ નથી.

પુત્રી જાહ્નવી પર શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

એ સમયે શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી વિશે અટકળો કરવામાં આવતી હતી કે તે ફિલ્મોમાં જલ્દી જ પદાર્પણ કરશે.

જોકે, શ્રીદેવીને લાગતું હતું કે જાહ્નવીના ભવિષ્યને લઈને વાતો કરવી વધારે ઉતાવળભરી હશે.

એવા પણ અહેવાલો આવ્યા હતા કે જાહ્નવી રણબીર કપૂરને બહુ પસંદ કરતી હતી.

જોકે, શ્રીદેવીનું કહેવું હતું કે આવા અહેવાલો ખૂબ પરેશાન કરે છે અને આ વાતો મહત્ત્વ આપવા જેવી જ નથી.

ફિલ્મ ઇંગ્લિશ-વિંગ્લિશના પાંચ વર્ષો બાદ શ્રીદેવી શક્તિશાળી માના રોલમાં ફિલ્મ 'મૉમ'માં નજરે પડ્યાં હતાં.

આ ફિલ્મમાં અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્ત્વના રોલમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ દેશભરમાં 7 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો