GROUND REPORT: સંઘનો 'રાષ્ટ્રોદય', ભાજપના મિશન 2019ની તૈયારી?

  • વાત્સલ્ય રાય
  • બીબીસી સંવાદદાતા, મેરઠ
RSSના યુનિફોર્મમાં બાળક

દૃશ્ય 1-

મેરઠના જાગૃતિ વિહારથી આશરે 15 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય સ્વયં સેવકનો યુનિફોર્મ (જેને તેઓ ગણવેશ કહે છે) પહેરીને લગભગ દસ વર્ષનું એક બાળક પોતાના સાથીઓ સાથે બસમાં ચઢવા માટે તૈયાર છે.

નામ પૂછવા પર તે જે કહે છે તે અવાજ લાઉડસ્પીકરના ઘોંઘાટમાં ગુમ થઈ જાય છે.

આ બાળક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના મેરઠના કાર્યક્રમ 'રાષ્ટ્રોદય'માં ભાગ લેવા આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધારે રવિવારના રોજ મેરઠમાં થયેલા કાર્યક્રમમાં સંખ્યાને ધ્યાનમાં રાખીને સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો.

જ્યારે એ બાળકને 'રાષ્ટ્રોદય'નો મતલબ પૂછવામાં આવ્યો તો તે માસૂમિયત સાથે માથું હલાવતા એ વાત તરફ ઇશારો કરે છે તેને 'રાષ્ટ્રોદય' વિશે કંઈ જ ખબર નથી.

દૃશ્ય 2-

મેરઠના જાગૃતિ વિહારમાં સેંકડો એકર વિસ્તારમાં એકત્ર થયેલા સ્વયં સેવકો વચ્ચે થોડી મોટી ઉંમર ધરાવતો વધુ એક બાળક જોવા મળ્યો. તેનું નામ રાજીવ છે.

રાજીવ જમીનથી 60 ફીટ ઊંચા અને 200*100 ફીટના મંચની ડાબી તરફ ઘોષ દળ (RSSનો બૅન્ડ)માં સૌથી આગળ બેઠો છે.

રાષ્ટ્રોદય શું છે, આ સવાલ પર તે જવાબ આપે છે, નામ પરથી જ જવાબ મળી જાય છે, 'રાષ્ટ્રનો ઉદય'.

રાષ્ટ્રના ઉદય માટે કેટલાક લોકો એકત્ર થયા છે. આ સવાલ પર રાજીવ કહે છે, '3 લાખ 11 હજાર'.

કેવી રીતે ખબર, આ સવાલ પર જવાબ આવે છે, 'રજીસ્ટ્રેશન થયું છે અને હાલ જ મંચ પરથી ઘોષણા કરવામાં આવી છે.'

છઠ્ઠા ધોરણમાં ભણતો રાજીવ જ્યારે આ સવાલનો જવાબ આપે છે, તે જ સમયે મુખ્ય મંચની જમણી બાજુએ મંચ પર હાજર એક સ્વયંસેવક ઘોષણા કરે છે, "પત્રકાર સ્વયંસેવકો પાસેથી બાઇટ ન લે."

ત્યાં હાજર બાકી સ્વયંસેવક સવાલોનો જવાબ આપવાથી ઇનકાર કરે છે અને કહે છે, 'મંચ પરથી થતી ઘોષણાને સાંભળો.'

દૃશ્ય 3-

ભારત માતાની પૃષ્ઠભૂમિ અને લિફ્ટ સુવિધા ધરાવતા મોટા આકારના મુખ્ય મંચથી લગભગ અઢીસો મીટરના અંતરે સામેની તરફ મેરઠ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાંથી આવેલા સ્વયંસેવક લાઇન લગાવીને બેઠા છે.

બીજા મંચ પરથી મળતા નિર્દેશ અનુસાર તેઓ યોગ અભ્યાસ કરી રહ્યા છે.

મંચ પરથી સતત યાદ અપાવવામાં આવી રહ્યું છે કે તેમણે RSS પ્રમુખ મોહન ભાગવતના આવ્યા બાદ તમામ ક્રિયાઓ ફરી કરવી પડશે.

દૃશ્ય 4-

મુખ્ય મંચથી જમણી તરફ લગભગ 300 મીટરના અંતરે બનેલી પત્રકારોની લાઇનમાં એક સ્વયંસેવક તેમજ એક ચેનલના પ્રતિનિધિ વચ્ચે બોલાચાલી બાદ અફરા તફરીની સ્થિતિ ઊભી થાય છે.

મામલો શાંત કરાવવા ઘણા લોકો આગળ આવે છે. બોલાચાલીનું કારણ પૂછવા પર પત્રકાર અભિષેક શર્મા કહે છે, "સમસ્યા એ છે કે અમે કામ કરી શકતા નથી. અહીં ન તો ઇન્ટરનેટ ચાલે છે અને ન તો બીજું કંઈ ચાલે છે. અહીં મીડિયા બંધક છે. તેઓ અવ્યવસ્થા પર સમાચાર બનાવવા દેતા નથી."

અહીં પણ સંઘના સ્વયંસેવક તો ઘણાં છે, પરંતુ કાર્યક્રમ પર બોલવા માટે કોઈ તૈયાર નથી.

દૃશ્ય 5-

લગભગ ત્રણ કલાકે ખુલ્લી જીપમાં RSS પ્રમુખ મોહન ભાગવત પહોંચે છે.

આકાશમાંથી ડ્રોન દરેક હરકત પર નજર રાખે છે. જીપ મુખ્યમંત્રી પાસે રોકાય છે. મોહન ભાગવત લિફ્ટથી ઉપર પહોંચે છે.

જૈન મુનિ વિહર્ષ સાગર અને મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ બાદ માઇક સંભાળે છે અને સ્વયંસેવકોને આશરે અડધા કલાક સુધી રાષ્ટ્રોદયનો અર્થ સમજાવે છે.

મોહન ભાગવત પોતાના ભાષણમાં રાજકારણ અંગે કોઈ ચર્ચા કરતા નથી. પરંતુ શક્તિની જરૂરિયાત અંગે વિસ્તારપૂર્વક બોલે છે.

તેઓ કહે છે, "દુનિયાનો એક વ્યવહારિક નિયમ છે. દુનિયા સારી વાતોને ત્યારે જ માને છે જ્યારે તેમની પાછળ કોઈ શક્તિ ઊભી હોય. કોઈ ડંડો હોય. દેવતા પણ કહે છે કે બકરાની બલિ ચઢાવો. તે કંઈ કહેતો નથી, મૈં... મૈં... કરે છે. દેવ પણ દુર્બળોનું સન્માન કરતા નથી."

મોહન ભાગવત RSS કાર્યકર્તાઓને એ પણ કહે છે કે જ્યારે શક્તિ હોય છે તો તેના વખાણની જરૂર રહેતી નથી.

તેઓ કહે છે, "આ કાર્યક્રમ પ્રદર્શન માટે નથી. આપણે શક્તિનો હિસાબ કરીએ છીએ કે કેટલી શક્તિ આવી, પરંતુ શક્તિનું પ્રદર્શન કરતા નથી. શક્તિ હોય છે તો દેખાય છે."

"આપણી કેટલી શક્તિ છે? કેટલા લોકોને બોલાવી શકીએ છીએ? કેટલા લોકોને બેસાડી શકીએ છીએ? કેટલા લોકો અનુશાસનમાં રહી શકે છે? તેનો માપ આપણે લઈએ છીએ અને નિષ્કર્ષના આધારે આગળ વધીએ છીએ."

રામાયણ અને મહાભારતની વાર્તાઓના માધ્યમથી સ્વયંસેવકોને સમજાવતા મોહન ભાગવતે ત્રીજી વાત પર ભાર આપ્યો, તે હતી સામાજિક એકતા.

રાષ્ટ્રોદયની જાણકારી આપવા માટે આખા શહેરમાં લગાવવામાં આવેલાં હોર્ડિંગોમાં પણ સૌથી વધારે હોર્ડિંગ એવાં હતાં જેમના માધ્યમથી સામાજિક એકતા અને છૂત અછૂત વિરુદ્ધ સંદેશ આપવામાં આવી રહ્યો હતો.

મોહન ભાગવતે કહ્યું, "આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. પરસ્પર જાત-પાતમાં વેચાઇને લડાઈ લડી રહ્યા છીએ. આપણે લડાઈ કરી શકીએ છીએ, એ જાણતા લોકો આપણી ઉશ્કેરણી કરે છે."

"આપણા ઝઘડાની આગ પર સમગ્ર દુનિયાના લોકો પોતાના સ્વાર્થના રોટલા શેકે છે. તેને બંધ કરવા છે તો દરેક હિંદુ મારો ભાઈ છે. હિંદુ મારો પોતાનો ભાઈ છે. સમાજના દરેક ભાગને આપણે ગળે લગાવીએ."

RSSના કાર્યક્રમને કવર કરવા આવેલા પત્રકારોએ મોહન ભાગવતના સંદેશાને સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો.

દલિત અને દેહાત પર ફોકસ

સમાચારપત્ર હિંદુસ્તાનના સ્થાનિક સંપાદક પુષ્પેન્દ્ર શર્મા કહે છે, "પટના, બનારસ, આગ્રા અને હવે મેરઠમાં જો મોહન ભાગવતના સંદેશને ધ્યાનથી જોઈએ તો એક નિહિતાર્થ જોવા મળે છે."

"સંઘનો પ્રમુખ એજન્ડા છે, પ્રખર હિંદુત્વ, તેઓ તેને પાછળ જવા દેતા નથી. પરંતુ જેવું તમે જાણો છો કે 2019 નજીક છે. ચૂંટણી નજીક છે તો આ બધી કવાયત એમ જ નથી હાથ ધરવામાં આવી."

"તેનો એક જ ઉદ્દેશ છે જો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ મતદાતા અલગ થઈ રહ્યો છે, તો તે ફરીથી જોડાય. તેમાં પણ ફોકસ યુવાન, દલિત અને દેહાત પર હોય તેવું લાગી રહ્યું છે."

પુષ્પેન્દ્ર શર્મા યાદ અપાવે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દલિતો અને સવર્ણો વચ્ચે થયેલા સંઘર્ષની અસર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી હતી.

તેઓ કહે છે કે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

પુષ્પેન્દ્ર શર્માનું આકલન છે, "સહારનપુરની ઘટના બાદ નવી શક્તિનો ઉદય થયો છે. તેનું નામ છે ચંદ્રશેખર રાવણ. તેમાં જિગ્નેશ મેવાણી પણ આવે છે."

"જે યુવા નેતૃત્વ સમગ્ર દેશમાં છલકાઈ રહ્યું છે, સહારનપુર તેનું પ્લેટફોર્મ બની ગયું છે. તેના માટે દલિતોને જોડવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમમાં ભોજન દલિત વસતી ધરાવતા વિસ્તારમાંથી મંગાવવામાં આવ્યું છે."

દરેક ગામડાંમાં એક શાખાનું લક્ષ્ય

વર્ષ 1998માં મેરઠમાં જ યોજાયેલા RSSના આવા જ કાર્યક્રમને કવર કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર બ્રજેશ ચૌધરીનો મત પણ કંઈક આવો જ છે.

તેઓ કહે છે, "વર્ષ 2014માં યોજાયેલી ચૂંટણીમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપે મોટી જીત મેળવી હતી. હવે વર્ષ 2019ની ચૂંટણી નજીક છે. તમે જોઈ રહ્યા છો, બે લાખ લોકો એક જગ્યાએ છે."

"એક ઘરેથી એક વ્યક્તિ આવી, તો આશરે પાંચ લાખ પરિવારોના લોકો અહીં છે. મેં તેમને પૂછ્યું કે તેમનો ઉદ્દેશ શું છે. તો તેમનું કહેવું છે કે દરેક ગામમાં શાખા હોવી જોઈએ."

"હું તમને જણાવી દઉં કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની જે સામાજિક સંરચના છે ત્યાં મોટાં મોટાં ગામ છે અને એક એક ગામમાં દસ હજાર લોકો વસે છે. ચાર ગામ એક તરફ જતાં રહે તો પરિણામ બદલાઈ શકે છે."

બધા જાણે છે કે RSSની શક્તિ ક્યાં વપરાય છે

પરંતુ ક્યારેક ભારતીય ક્રિકેટ ટીમની કિટ સાથે જોવા મળતા અને રવિવારે સંઘના ગણવેશમાં રાષ્ટ્રોદયમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મંત્રી ચેતન ચૌહાણે આ અનુમાનોને ફગાવી દીધાં છે.

તેમણે કહ્યું, "લોકો વિચારી રહ્યા છે કે આ 2019ની તૈયારી છે. રાજકારણ સાથે તેનો કોઈ સંબંધ નથી. આ સમગ્ર હિંદુ સમાજને એકત્ર કરવા માટે છે. અમારા ભાગલા પડાવતી શક્તિઓને અમારે હરાવવી છે."

નાઇજિરીયામાં શરૂ થનારી બે શાખાઓમાંથી એકની જવાબદારી સંભાળવા જઈ રહેલા અને મૂળ મેરઠના રહેવાસી ભરત પાંડે પણ કહે છે કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય ઉદ્દેશ નથી.

મોહન ભાગવતે પણ મંચ પરથી કોઈ રાજકીય વાત કરી નથી. કોઈ રાજકીય પાર્ટીનું નામ લીધું નથી.

પરંતુ પુષ્પેન્દ્ર શર્મા કહે છે, "આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે આ રાજકીય સંગઠન નથી, પરંતુ સાંસ્કૃતિક સંગઠનની શક્તિ એક જ પાર્ટીને મળે છે તો તેનો અર્થ સમજાઈ જાય છે. અને જો આ ભારતીય જનતા પક્ષના કહેવા પ્રમાણે થઈ રહ્યું છે તો સ્પષ્ટ છે કે 2019ના પ્રચારમાં ફરી એક વખત તેમણે બધાને પાછળ છોડી દીધા છે."

દૃશ્ય 6-

મોહન ભાગવતનાં ભાષણ અને રાષ્ટ્રોદય કાર્યક્રમની શરૂઆત થાય તેના બે કલાક પહેલાં મેરઠની મિશ્રિત વસતી ધરાવતા અહેમદ રોડ વિસ્તારમાં લગભગ સન્નાટો છવાયેલો છે.

દુકાનો ખુલ્લી છે. દુકાનદાર હાજર છે, પરંતુ ભીડ નથી.

આ વિસ્તારમાં રહેતા અને પોતાને પૂર્વ કોંગ્રેસ નેતા ગણાવતા હાજી મોહમ્મદ ઇશરત કહે છે, "ત્રણ દિવસથી લોકોમાં ભયનો માહોલ છે. આટલો મોટો મંચ છે. લિફ્ટ લાગેલી છે. ખબર નહીં, ત્યાં શું શું થઈ રહ્યું છે. શું શું થશે. અહીં પણ સેના તહેનાત છે."

તેમની નજીક જ ઊભેલા વ્યવસાયે દરજી મોહમ્મદ ઉસ્માન કહે છે, "ભારતમાં કોઈ સંગઠનને પરવાનગી નથી કે તેઓ ભેદભાવની વાત કરે. હિંદુ મુસ્લિમોની વાત કરે."

મોહમ્મદ ઇશરત સવાલ કરે છે કે RSSના આયોજન માટે પૈસા ક્યાંથી આવ્યા.

સાથે જ તેઓ આરોપ લગાવે છે કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર બન્યા બાદ 'બધી જ શક્તિ RSS તરફ આવી ગઈ છે. તેઓ કહે છે કે વંદે માતરમ્ કહેશો તો ભારતમાં રહેશો.'

દૃશ્ય 7-

રાષ્ટ્રોદય આયોજન સ્થળના ગેટ નંબર 1થી આશરે 300 મીટરના અંતરે રાષ્ટ્રીય મુસ્લિમ મંચનો એક સ્ટૉલ છે. જ્યાં આશરે એક ડઝન કાર્યકર્તા કાર્યક્રમમાં આવતા લોકોને પાણી પીવડાવી રહ્યા છે અને ફૂલ નાખીને સ્વાગત કરી રહ્યા છે.

મંચના પ્રાંત સહ સંયોજક મૌલાના હમીદુલ્લાહ ખાન રાજશાહી કહે છે, "હું સમજું છું કે મુસ્લિમોએ પણ RSSનો સાથ આપવો જોઈએ. RSS રાષ્ટ્રવાદી સંગઠન છે."

ત્યાં જ હાજર કદીમ આલમ કાર્યક્રમમાં થતા ખર્ચની રકમ અંગે સવાલ પર કહે છે, "એક એક પૈસો ભેગો કરીને કાર્યક્રમ યોજાય છે."

તેઓ વંદે માતરમનું સમર્થન કરતા કહે છે, "વંદે માતરમ્ આપણા સંસ્કારનો ભાગ છે. આ નવું સૂત્ર નથી."

આ તમામ તથ્યો પર વિશેષ ટિપ્પણી કરતા બ્રજેશ ચૌધરી કહે છે, "મારા મતે ભીડ તંત્ર સૌથી મોટું તંત્ર હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો