પાકિસ્તાનમાં ઝિયા ઉલ-હક્કની તાનાશાહી સમયે શ્રીદેવીની ફિલ્મો બની સહારો!

  • વુસઅતુલ્લાહ ખાન
  • પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે
શ્રીદેવી

ઇમેજ સ્રોત, SRIDEVI/INSTAGRAM

ઇમેજ કૅપ્શન,

શ્રીદેવી

મેં કરાચી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો ત્યારની આ વાત છે. એક વર્ષ પછી મને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રૂમ મળ્યો હતો.

સૌથી પહેલાં મેં મારી રૂમ સજાવી હતી. પછી શ્રીદેવીનાં બે પોસ્ટર ખરીદ્યાં હતાં અને રૂમની બે દિવાલો પર સામસામે ચોંટાડી દીધાં હતાં.

આ એ સમયની વાત છે, જ્યારે વીસીઆર પર ભારતીય ફિલ્મો નિહાળવાનું ગુનો ગણાતું હતું અને ગુનેગારને ત્રણથી છ મહિનાની સજા કરવામાં આવતી હતી.

એ કાયદાને યુવાનો ગણકારતા ન હતા. પૈસા એકઠા કરીને વીસીઆર ભાડા પર લાવતા હતા. સાથે છ ફિલ્મોની વીડિયો કેસેટો પણ.

એ છ ફિલ્મોમાંથી કમસેકમ બે કે એક ફિલ્મ શ્રીદેવીની ન હોય એ અશક્ય હતું.

જનરલ ઝિયાનો શાસનકાળ

ઇમેજ સ્રોત, SADMA FILM POSTER

ઇમેજ કૅપ્શન,

સદમા ફિલ્મનું પોસ્ટર

'જસ્ટિસ ચૌધરી', 'જાની દોસ્ત', 'નયા કદમ', 'આગ ઔર શોલા', 'બલિદાન', 'સલ્તનત', 'માસ્ટરજી', 'જાગ ઉઠા ઈન્સાન', 'ઈંકલાબ', 'અક્લમંદ', 'નજરાના'.

'આખિરી રાસ્તા', 'કર્મા', 'મક્સદ', 'સુહાગન', 'નિગાહેં', 'જાંબાઝ', 'તોહફા', 'ઘરસંસાર', 'ઔલાદ', 'સદમા', 'હિમ્મતવાલા', 'નગીના', 'મિસ્ટર ઈન્ડિયા', '', 'ચાંદની'.

પાકિસ્તાનમાં ગેરકાયદે ગણાતી શ્રીદેવીની હિન્દી ફિલ્મો અને એ પણ હોસ્ટેલના હોલમાં બધા બારી-દરવાજા ખુલ્લા રાખીને, ફૂલ વોલ્યૂમ સાથે નિહાળતા હતા, જેથી તેનો અવાજ હોસ્ટેલની બહાર આવેલી પોલીસ ચોકી સુધી પહોંચે.

જનરલ ઝિયા ઉલ-હકની તાનાશાહીના વિરોધની અમારી એ રીત હતી.

પોલીસવાળાઓ ક્યારેક ધીમા અવાજમાં કહેતા હતા, "અમે તમારી લાગણી સમજીએ છીએ, પણ વોલ્યૂમ થોડું ઓછું રાખો."

"ક્યારેક કોઈ વાંકો અધિકારી આવીને અમારા પર તાડુકશે તો તમને સારું લાગશે?"

શ્રીદેવીની કોઈ પણ ફિલ્મ દેખાડો

ઇમેજ સ્રોત, JUSTICE CHAUDHARY/ MOVIE POSTER

ઇમેજ કૅપ્શન,

જસ્ટિસ ચૌધરી ફિલ્મનું પોસ્ટર

એ પોલીસ કોન્સ્ટેબલોની જગાએ દર ત્રણ મહિને બીજા કોન્સ્ટેબલો આવતા હતા, પણ એકનું નામ મને યાદ છે. તેમનું નામ કદાચ જમીલ હતું.

જમીલ સ્પેશ્યલ બ્રાંચમાં કામ કરતા હતા તેથી યુનિફોર્મ પહેરતા ન હતા. હોસ્ટેલ પાસેની પોલીસ ચોકીમાં તેમણે એક વર્ષથી વધુ સમય કામ કર્યું હતું.

પોતાની ટ્રાન્સફર થઈ હોવાનું જમીલે અમને જણાવ્યું ત્યારે અમે ચાર-છ યુવાનોએ તેમને હોસ્ટેલમાં પાર્ટી કરવા આમંત્રણ આપ્યું હતું.

એ સાંભળીને જમીલ કહેવા લાગ્યા હતા કે પાર્ટી જવા દો. શ્રીદેવીની કોઈ ફિલ્મ દેખાડો.

જમીલને સન્માન આપવા માટે એ રાતે 'જસ્ટિસ ચૌધરી' લાવવામાં આવી હતી અને સંપૂર્ણ સન્માન સાથે નિહાળવામાં આવી હતી.

નેંવુના દાયકાની વાત

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

શ્રીદેવી

આજે 30-35 વર્ષ પછી હું વિચારું છું કે શ્રીદેવી ન હોત તો જનરલ ઝિયા ઉલ-હક્કની તાનાશાહીનાં દસ વર્ષ અમે યુવાનોએ કેવી રીતે પસાર કર્યાં હોત!

મેં છેલ્લે શ્રીદેવીની 'ચાંદની' જોઈ હતી. પછી જિંદગી મને કોણ જાણે ક્યાંથી ક્યાં લઈ ગઈ.

શ્રીદેવીને પણ કદાચ તેની ખબર પડી ગઈ હતી. એટલે 90ના દાયકામાં એ પણ સાંજના સૂર્યની માફક ધીમે-ધીમે ઓઝલ થતી ગઈ હતી.

મેં સાંભળ્યું હતું કે 'ઇંગ્લિશ-વિંગ્લિશ' બહુ સારી ફિલ્મ હતી. પછી એવું પણ સાંભળેલું કે 'મોમ'માં પણ શ્રીદેવીએ કમાલ કરી હતી.

ગઈકાલે તો શ્રીદેવીએ ખરેખર કમાલ કરી નાખી, પણ મને તેનું દુઃખ કે આશ્ચર્ય નથી.

વિખ્યાત ચિત્રકાર વેન ગોગ વિશે મેં એવું સાંભળ્યું છે કે તેમને તેમનું કોઈ પેઇન્ટિંગ બહુ સારું લાગવા માંડે ત્યારે તેઓ એ ચિત્રને ફાડી નાખતા હતા.

ગઈકાલે પણ કદાચ આવું જ થયું હતું. શ્રીદેવીનું પેઇન્ટિંગ તેના સર્જકને વધારે ગમી ગયું હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો