એક પત્ર જે હાલ ભાજપ માટે બન્યો છે માથાનો દુખાવો!

નાગાલેન્ડમાં આવેલું એક ચર્ચ Image copyright Sharad baghave

નાગાલૅન્ડ દેશનું એક એવું રાજ્ય છે, જ્યાં કુલ વસતીમાં 90 ટકાથી વધારે લોકો ખ્રિસ્તી છે. નાગાલૅન્ડના લોકોના જીવનમાં અને રાજકારણમાં પણ ચર્ચના અભિપ્રાયનું ઘણું મહત્ત્વ છે.

27 ફેબ્રુઆરીએ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચના જ એક મંતવ્યને કારણે લગભગ રાજકીય ધરતીકંપ થયો છે.

નાગાલૅન્ડના 1500થી વધુ ચર્ચોની મુખ્ય સંસ્થા ગણાતી નાગાલૅન્ડ બાપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલ(એનબીસીસી)ના જનરલ સેક્રેટરી રેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ પહેલી ફેબ્રુઆરીએ એક પત્ર લખ્યો હતો.

રેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ એ ખુલ્લા પત્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને હિંદુત્વની વિચારધારા પર શાબ્દિક હુમલો કર્યો હતો.

રેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ એ પત્રમાં કથિત રીતે લખ્યું હતું, "આરએસએસનું રાજકીય સંગઠન ભાજપ દેશમાં સત્તા પર આવ્યું છે ત્યારથી હિંદુત્વની તાકાત વધી છે અને તેનું સ્વરૂપ આક્રમક થઈ ગયું છે."

"તમે સામાન્ય માણસોને ભલે ગમે તેટલા સમજાવો, પણ આ હકીકતને નકારી શકાય નહીં."

"ખ્રિસ્તીઓના બાહુલ્યવાળા નાગાલૅન્ડમાં સ્થાન જમાવવાના પ્રયાસ કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ તેની પૂરી તાકાતથી કરી રહ્યો છે તેનો ઇનકાર પણ ન થઈ શકે."

"આમ કરવા પાછળનો તેમનો હેતુ શું છે એ તમે ક્યારેય વિચાર્યું છે? વિચાર્યું ન હોય તો બેવકૂફ બનશો નહીં."

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે સત્તા સંભાળી પછી ખ્રિસ્તી, મિશનરી ફાધરો પરના હુમલા વધ્યા છે.

પત્રના અંતે રેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ અપીલ કરી છે કે "જેઓ ઇસુને ઈજા કરવા ઇચ્છે છે તેમના માટે પૈસા અને વિકાસના નામે તમારા ધર્મના સિદ્ધાંતો સાથે સમાધાન કરશો નહીં."


રાજ્યના રાજકારણમાં ધમાલ

Image copyright Sharad baghave
ફોટો લાઈન એનબીસીસીના જનરલ સેક્રેટરી રેવરંડ ડો. ઝેલ્હુ કિહો

નાગાલૅન્ડમાં ચર્ચ ભાજપનો વિરોધ કરી રહ્યો છે અને ભાજપને મત ન આપવાની સલાહ આપી રહ્યો છે. તેથી રાજ્યના રાજકારણમાં ધમાલ થઈ ગઈ છે.

રેવરંડ ડો. ઝેલ્હુ કિહો કહે છે, "લોકો ભાજપને મત ન આપે એવું જણાવતો પત્ર મેં લખ્યો જ નથી."

"મેં કહ્યું હતું કે ભાજપ આરએસએસની રાજકીય શાખા છે અને એ સાંપ્રદાયિક પક્ષ છે. તેનો અનુભવ આખા દેશને થઈ રહ્યો છે."

"ચર્ચમાં અમને એવું લાગ્યું હતું કે અમારા લોકોને ચેતવણી આપવાની અમારી જવાબદારી છે. જે અન્ય પ્રદેશોમાં થતું હોય એ નાગાલૅન્ડમાં પણ થઈ શકે છે."

રેવરંડ ડો. ઝેલ્હુ કિહો કહે છે, "રાજકીય પક્ષો બિનસાંપ્રદાયિક હોવા જોઈએ. મેં આટલું જ કહ્યું હતું અને એ માટે મારી ઝાટકણી કાઢવામાં આવી રહી છે."

જોકે, આ પત્રની ચૂંટણીના માહોલમાં જે અસર થવાની હતી એ થઈ ગઈ હોય એવું લાગે છે.

ત્રણવાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નિફ્યુ રિયોના એનડીપીપી પક્ષ સાથે જોડાણ કરીને ભાજપ આ ચૂંટણીમાં 20 બેઠકો પર લડી રહ્યો છે.

ભાજપ સાથેની યુતિના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર નિફ્યુ રિયોએ બીબીસીને જણાવ્યું હતું કે ભાજપ સાથેની યુતિ નાગાલૅન્ડના ખ્રિસ્તી સમુદાય સાથેનો દગો હોય એવું તેઓ માનતા નથી.

ભવિષ્યમાં ધર્મ કે નાગા લોકોની ઓળખ વિશે કોઈ સમસ્યા સર્જાશે તો આ યુતિમાંથી નીકળી જવાની ચેતવણી પણ તેમણે આપી હતી.


ભાજપ બચાવની મુદ્રામાં

Image copyright Sharad baghave
ફોટો લાઈન નાગાલૅન્ડ ભાજપના જનરલ સેક્રેટરી એડુઝૂ થેલુઓ

આ પત્રમાં લખવામાં આવેલી વાતોને નકારી કાઢતાં ભાજપ જાહેર સભાઓમાં ખુદનો બચાવ કરી રહ્યો છે.

નાગાલૅન્ડ ભાજપના જનરલ સેક્રેટરી એડુઝૂ થેલુઓ કહે છે, "ચર્ચે કોઈ એક પક્ષ વિરુદ્ધ કશું જ કહ્યું નથી. ચર્ચે પરિસ્થિતિ વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો."

"હું પોતે એક બાપ્ટિસ્ટ ખ્રિસ્તી છું અને મને ભાજપમાં હોવા સામે કોઈ વાંધો નથી. ભાજપ એક રાજકીય પક્ષ છે અને અમે દેશના બંધારણ અનુસાર કામ કરીએ છીએ."

"અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં પણ જણાવ્યું છે કે અમે સેક્યુલર છીએ અને લઘુમતીઓની સંભાળ રાખીએ છીએ."

જોકે, ચર્ચના પત્રને લીધે ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે, એવું એડુઝૂ થેલુઓ જરૂર માને છે.

એનડીપીપી સાથેની યુતિ હેઠળ ભાજપે રાજ્યની 30માંથી 20 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે અને તેના બધા ઉમેદવારો ખ્રિસ્તી છે.


લોકોમાં ભિન્નમત

Image copyright Sharad baghave
ફોટો લાઈન દિમાપુરની એસ. ડી. કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવતા ઈમ્તી ઝમીર

ચર્ચના આ ખુલ્લા પત્ર બાબતે નાગાલૅન્ડના લોકોમાં ભિન્નમત પ્રવર્તે છે.

ઈમ્તી ઝમીર દિમાપુરની એસ. ડી. કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવે છે.

ઈમ્તી ઝમીર માને છે કે ખ્રિસ્તીઓ સાથે દેશના અન્ય વિસ્તારોમાં જે થઈ રહ્યું છે એ જાણીને ચર્ચના અધિકારીઓ અસલામતી અનુભવતા હશે. તેથી આ પત્ર લખવામાં આવ્યો હશે.

ઈમ્તી ઝમીર કહે છે, "નાગાલેન્ડના રાજકારણમાં ચર્ચનો પ્રભાવ હંમેશા રહ્યો છે. ચર્ચ છેક 1982થી ક્લીન ઇલેક્શન ઝુંબેશ ચલાવી રહ્યો છે. તેથી જે થઈ રહ્યું છે તેમાં કંઈ નવું નથી."

"કોઈ રાજકીય પક્ષ નાગા લોકોની ઓળખ પર, તેમના રાજકીય વલણ પર પ્રભાવ પાડી શકે તો તેનો પ્રભાવ ચર્ચ પર પણ પડી શકે એ દેખીતું છે, કારણ કે નાગાલૅન્ડમાં 90 ટકાથી વધારે લોકો ખ્રિસ્તી છે."

"અસલામતીની લાગણીએ તેમને આ પગલું લેવા મજબૂર કર્યા હશે, પણ હું માનું છું કે અંતિમ નિર્ણય નાગા લોકો જ લેશે, ચર્ચ નહીં."

Image copyright Sharad baghave
ફોટો લાઈન જુવેનાઈલ જસ્ટિસમાં કામ કરતાં મનોવિજ્ઞાની સુઝેન લોથા

સુઝેન લોથા જુવેનાઈલ જસ્ટિસમાં કામ કરતાં એક મનોવિજ્ઞાની છે.

સુઝેન લોથા કહે છે, "અમે હિંસા નથી ઈચ્છતાં એવું ચર્ચ કહે છે. ક્યા પક્ષને મત આપો અને કોને ન આપો એવું ચર્ચ કહેતો નથી."

"એનબીસીસીએ ભાજપ વિશે કશુંક કહ્યું છે, પણ ભાજપ તો હંમેશા ધર્મના નામે રાજકારણ રમતો રહ્યો છે."

"ભાજપ ભારતને હિંદુસ્તાન કહે છે, પણ દેશમાં તો તમામ ધર્મના લોકો રહે છે. ભારત માત્ર હિંદુઓ માટે છે એવું તમે કહી ન શકો. આ રીતે તો તમે લોકશાહીની હત્યા કરી રહ્યા છો."

Image copyright Sharad baghave
ફોટો લાઈન ફેસબૂક બ્લોગર કવિતો કેરા

ફેસબૂક બ્લોગર કવિતો કેરા કહે છે, "મારે કોને મત આપવો અને કોને ન આપવો એ મને જણાવવાનો અધિકાર કોઈ સંસ્થાને નથી, પણ ધર્મનિરપેક્ષતા સાથે કોઈ બાંધછોડ થવી ન જોઈએ."

"મારે કોને મત આપવો એ ધર્મના નામે મને કોઈએ એ મને ન જણાવવું જોઈએ."

નાગાલૅન્ડમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. ત્રીજી માર્ચે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે ચર્ચે લખેલા પત્રનું રાજકીય મૂલ્ય કેટલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો