શ્રીદેવીનાં મૃત્યુનો 'કેસ પૂર્ણ' : દુબઈ પોલીસ

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Getty Images

દુબઈ પોલીસે શ્રીદેવીનાં મૃત્યુનો કેસ પૂર્ણ કરી દીધો છે અને તેમના શબને પરિવારને સોંપી દીધો છે.

આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના શબને ભારત લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

દુબઈ પોલીસે દુબઈ સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસ અને શ્રીદેવીના પરિવારને બધાં જ ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા છે. તેમના શબને લેપ લગાડવાની પ્રક્રિયા શરૂ થશે.

તમને આ પણ વાંચવું ગમશે

શ્રીદેવીનું નિધન શનિવાર રાતે દુબઈમાં થયું હતું

દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનો મૃતદેહ ભારત લાવવા માટે દુબઈમાં એક પ્રાઇવેટ જેટ તૈયાર છે. પરંતુ તે ક્યારે ઉડાન ભરશે, તે હજુ સ્પષ્ટ નથી.

દુબઈ પોલીસે આ મામલો હવે દુબઈના પબ્લિક પ્રોસિક્યૂટરને સોંપી દીધો છે કે જે આ પ્રકારના કેસમાં નિયમાનુસાર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરે છે. આ જ કારણ છે કે મૃતદેહ લાવવામાં મોડું થઈ રહ્યું હતું.

ગલ્ફ ન્યૂઝના યૂએઈ સંપાદક બૉબી નકવીએ બીબીસી સંવાદદાતા ફૈસલ મોહમ્મદ અલીને જણાવ્યું કે સંયુક્ત અરબ અમીરાતમાં પ્રોસિક્યૂશન એજન્સી અને દુબઈ પોલીસ બે અલગ અલગ એકમો છે અને અલગ અલગ કામ કરે છે.

ઇમેજ સ્રોત, TWITTER/@SRIDEVIBKAPOOR

તેમણે કહ્યું, "આ મામલે એક દુબઈ પોલીસની તપાસ થઈ છે અને એક ફોરેન્સિક રિપોર્ટ છે. પ્રોસિક્યૂશન એજન્સી હવે બન્ને રિપોર્ટ જોશે અને સંતુષ્ટ થવા પર તેઓ મૃતદેહ પરિવારને સોંપશે."

બોબી નકવીએ જણાવ્યું, "હજુ સુધી મૃતદેહ પોલીસના કબજામાં જ છે. સામાન્યપણે મૃતદેહને સંરક્ષિત કરવાનો લેપ લગાવવા માટે બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. પરંતુ હું માનું છું કે આ કેસમાં એવું પણ થઈ શકે છે કે પોલીસે જ્યાં મૃતદેહ રાખ્યો છે ત્યાં જ આ કામ પણ થઈ જાય."

બાથટબમાં ડૂબી જવાથી થયું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલા દુબઈ પોલીસે શ્રીદેવીનાં મૃત્યુના કારણ અંગે કોઈ જાણકારી આપી ન હતી.

દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ હોટેલના રૂમમાં બાથટબમાં ડૂબી જવાથી થયું હતું.

સંયુક્ત અરબ અમીરાતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા સર્ટિફિકેટમાં પણ મૃત્યુ ડૂબી જવાના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, TWITTER

આ પહેલા મોતનું કારણ કાર્ટિએક અરેસ્ટ બતાવવામાં આવી રહ્યું હતું.

પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીની રાત્રે દુબઈમાં નિધન થયું હતું. તેઓ ત્યાં પોતાના પરિવાર સાથે ભત્રીજાનાં લગ્નમાં સામેલ થવા ગયાં હતાં.

પાંચ દાયકા સુધી કામ કર્યું

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

54 વર્ષીય શ્રીદેવીની કારકિર્દી ફિલ્મોમાં પાંચ દાયકા જેટલી લાંબી હતી.

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં તમિલનાડુમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર ચાર વર્ષની ઉંમરે એક તમિલ ફિલ્મ કંધન કરુણઈ સાથે કરી હતી.

80નો દશક હિંદી ફિલ્મોમાં શ્રીદેવીના દશક તરીકે ઓળખાયો. તેમણે હિમ્મતવાલા, તોહફા, મિસ્ટર ઇન્ડિયા, નગીના જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમને લોકો લેડી અમિતાભ બચ્ચન તરીકે પણ ઓળખતા હતા.

જીતેન્દ્ર અને શ્રીદેવીએ મળીને એક બાદ એક સુપરહિટ જેમ કે હિમ્મતવાલા, તોહફા, જસ્ટિસ ચૌધરી અને મવાલી જેવી ફિલ્મો આપી હતી.

વર્ષ 2017માં શ્રીદેવીની ફિલ્મ 'મૉમ' રિલીઝ થઈ હતી. શ્રીદેવીએ ફિલ્મોમાં એક લાંબી ઇનિંગ રમી અને 'મૉમ' તેમની છેલ્લી ફિલ્મ હતી.

ફિલ્મોમાં તેમનાં યોગદાન માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરાયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો