ગુજરાત વિધાનસભામાં થઈ ધમાલ, મેવાણીનું માઇક બંધ કરાયું

Image copyright gujaratinformation.official

નવગુજરાત સમયના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધમાલ થઈ હતી.

પાટણના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોલવા ઊભા થયા હતા. તેમણે પાટણ કલેક્ટર કચેરીમાં દલિત આગેવાન ભાનુભાઈની ઘટના અંગે વાત કરતા સરકાર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અખબારના અહેવાલ મુજબ જિગ્નેશે એવું પણ કહ્યું કે 50 લાખ દલિતોને રૂપાણી સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. જેથી ગૃહમાં હોબાળો થયો હતો.

અખબાર તેના અહેવાલમાં લખે છે કે અધ્યક્ષે જિગ્નેશનું માઇક બંધ કરાવી દેતા કોંગ્રેસના સભ્યો ઊભા થઈ ગયા હતા અને અંતે ગૃહ મોકુફ રાખવાની ફરજ પડી હતી.


મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુજરાતી ભાષાંતર થતા હોબાળો

Image copyright Getty Images

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે ગૃહની બિનશરતી માફી માગવાનો વારો આવ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યપાલે અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. જેનો મરાઠી ઓડિયો સંભળાવવાને બદલે ધારાસભ્યોને ગુજરાતી ઓડિયો સંભળાયો હતો.

આ ઘટના મરાઠી ભાષા દિવસના એક દિવસ પહેલાં અને બજેટ સેશનના પ્રથમ દિવસે બની હતી.

રાજ્યપાલનું ભાષણ ગૃહમાં હેડફોન લગાવીને બેઠેલા ધારાસભ્યોને ગુજરાતીમાં સંભળાતા કોંગ્રેસે હોબાળો કર્યો હતો.

આ ઘટનાના પગલે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ રાજ્યપાલના બાકીના ભાષણનો બહિષ્કાર કર્યો હતો અને ગૃહ બહાર જતા રહ્યા હતા


નાગાલૅન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન

Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ નાગાલૅન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે.

બંને રાજ્યોમાં આજે 59 સીટો પર મતદાન થશે. બંને રાજ્યોની ચૂંટણી તથા ત્રિપુરાની ચૂંટણીનું પરિણામ 3 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

બંને રાજ્યોમાં 60-60 વિધાનસભા સીટો છે. પરંતુ મેઘાલયમાં એક વિસ્ફોટમાં રાકાંપાના ઉમેદવારનું મૃત્યુ થઈ જતાં ત્યાં મતદાન રદ કરવામાં આવ્યું છે.

તો નાગાલૅન્ડમાં એક સીટ પર એનડીપીપીના પ્રમુખ બિનહરીફ ઉમેદવાર હોવાથી ત્યાં પણ મતદાન થવાનું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો