બ્લોગઃ પકોડા, પીએનબી કૌભાંડ અને 2019ની ઉતાવળનું વિશ્લેષણ

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

મોદી સામે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈ પડકાર હશે નહીં, તેમની જીત નક્કી છે. વિપક્ષે 2024ની તૈયારી કરવી જોઈએ.

થોડા મહિના અગાઉ આ વાત પર મોદી વિરોધી સળવળતા હતા. તો મોદીના પ્રશંસક કહેતા હતા 'કુતરાના ભસવાથી હાથી રોકાતા નથી'. ટ્રોલ્સનું તો શું કહેવું.

'પકોડા રોજગાર', 'પીએનબી કૌભાંડ', 'કોઠારી કૌભાંડ', 'રાફેલ ડીલ' અને ખેડૂતોનો ગુસ્સો. હાલના દિવસોમાં કેટલીક એવી ઘટનાઓ છે કે જ્યારબાદ મોદી પર દાવ લગાવનારા લોકોએ જાણે ટેબલ પરથી પોતાનાં પત્તાં ઉઠાવી લીધા છે.

તેઓ જોઈ રહ્યા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં શું થાય છે.

સોશિયલ મીડિયા પર થતા વ્યંગમાં રાહુલ ગાંધીની જગ્યા હવે 'પ્રધાન સેવક', 'ચોકીદાર', 'ઝોળો ઉઠાવીને પોતાના રસ્તે નીકળી જતા ફકીરે' લઈ લીધી છે.

તમને આ પણ વાંચવું ગમશે

સોશિયલ મીડિયા પર જો તમને કોઈ ટ્રેન્ડ દેખાય છે તો તેનો મતલબ છે કે લોકો તે કન્ટેન્ટને શૅયર કરવા લાયક માની રહ્યા છે. એ જ રીતે જ્યારે મોદીની જય જયકારની જોરદાર શૅરીંગ થઈ રહી હતી તો તેને મોદીની લોકપ્રિયતા માનવામાં આવી હતી.

આઇટી સેલ બન્ને તરફથી સક્રીય છે પરંતુ તેમની ભૂમિકા સીમિત છે. તેઓ કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે અને પોતાના વિરોધીઓને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ હિટ એ જ થશે જેને લોકો પસંદ કરશે અને આગળ ધકેલશે.

આ જ રીતે 'પેઇડ ટ્રોલ્સ'ને છોડીને તમે તમારી ટાઇમ લાઇન પર મોદી સમર્થકોના ઉત્સાહ- આત્મવિશ્વાસ પર ધ્યાન આપશો તો તમને મૂડ અંગે અનુમાન આવી જશે.


રાજકીય વિશ્લેષક ઉતાવળમાં

આ રાજકીય મૂડને અંતિમ માનતા ઘણાં વિશ્લેષકો કહેવા લાગે છે કે મોદી 2019ની ચૂંટણીમાં બહુમતીથી દૂર કેમ રહી જશે.

ગુજરાતમાં ભાજપને 99 તો કોંગ્રેસને 77 મળી હતી. ત્યારબાદ 'વડાપ્રધાનનો જાદુ ઉતરી રહ્યો છે' આવા વિચાર ધરાવતા લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

મોદીના જાદુ પરથી NDAના ભાગીદારોનો ભરોસો પણ ઘટતો દેખાઈ રહ્યો છે.

ઉદાહરણ તરીકે ટીડીપીના ચંદ્રબાબુ નાયડૂએ બજેટમાં આંધ્ર પ્રદેશ પર ધ્યાન ન આપવાની વાત પર ખૂબ ટીકા કરી હતી.

શિવસેનાએ ન માત્ર આગામી ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે પણ આરોપ પણ લગાવી દીધો છે કે પીએનબીના પૈસા લઈને ભાગેલા નીરવ મોદીએ 2014ની ચૂંટણીમાં ભાજપને આર્થિક મદદ આપી હતી.

આ એ વાતનો સંકેત છે કે ભાગીદાર આગામી જીત માટે પહેલાં જેવા આશ્વસ્ત નથી.

Image copyright Getty Images

2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચરમસીમાએ હતો. ત્યારે પણ ભાજપને બહુમતીથી માત્ર 10 બેઠક વધારે મળી હતી.

વિશ્લેષકો કહેવા લાગ્યા છે કે મોદી તેમનું ભૂતકાળનું પ્રદર્શન ફરી બતાવી શકશે નહીં.

તેમનું કહેવું છે કે જે રાજ્યોમાંથી સત્તાધારી પક્ષને 2014માં સૌથી વધારે બેઠક મળી હતી એ રાજ્યોમાં પહેલા જેવી સફળતા મળશે નહીં.

ઉદાહરણ તરીકે તેમને લાગે છે કે 2019માં યૂપી 71 બેઠક આપી શકશે નહીં. અને તેવું જ મહારાષ્ટ્રમાં પણ થશે.

વિકાસ, રોજગાર અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાનો વાયદો અને દાવો હવે પોતાની ધાર ગુમાવી રહ્યો છે તેવું લાગે છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં નારાજગી છે, એ વાતની એક સ્પષ્ટ ઝલક ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી જ્યાં શહેરી વિસ્તારોમાં સમર્થન હોવા છતાં પાર્ટીએ ગામડાંમાં રહેતા મતદારોના ગુસ્સાના કારણે 16 બેઠક ગુમાવવી પડી.


તેલ જુઓ, તેલની ધાર જુઓ

Image copyright AFP

રાજકીય વિશ્લેષક ઘણી વખત ખોટા સાબિત થઈ રહ્યા છે જેનાં અનેક કારણ હોય છે.

ઉદાહરણ તરીકે ચૂંટણીના પરિણામોની ભવિષ્યવાણી કરતા લોકોએ ક્યારે જણાવ્યું હતું કે 2015માં મોદી લહેરના તુરંત બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને આટલી બેઠક મળશે?

કહેવામાં આવે છે કે રાજકારણમાં એક અઠવાડિયાનો સમય ખૂબ લાંબો હોય છે. આ ભવિષ્યવાણીઓ એ ચૂંટણી વિશે કરવામાં આવી રહી છે કે જે આગામી વર્ષે યોજાવાની છે.

કહેવાનો ઉદ્દેશ એ નથી કે મોદી આગામી ચૂંટણીમાં પાક્કા પાયે જીતી જશે. પરંતુ 'હમણાં તેઓ જીતી નહીં શકે' એ વાત કહેવી પણ ઉતાવળ છે.

એ કહેવું જરૂરી છે કે હાલની પરિસ્થિતિમાં એવું કંઈ દેખાતું નથી કે જેનાથી લાગે કે ભાજપ પાછલી ચૂંટણી કરતા સારું પ્રદર્શન કરી શકશે.


મોદીની લોકપ્રિયતા ઘટી અને રાહુલની વધી?

Image copyright AFP

પહેલી વાત એ કે મોદીની લોકપ્રિયતામાં કેટલો ઘટાડો આવ્યો છે અને શું આ સ્થિતિ લાંબા ગાળા સુધી યથાવત રહેશે? તેનો જવાબ કોઈ આપી શકતું નથી.

બીજી વાત એ કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા કેટલી વધી છે અને શું તેમને લોકો મોદીના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે? તેનો પાક્કો જવાબ કોઈ પાસે નથી.

2014ની ચૂંટણીમાં મોદી લહેર હતી. 2019માં જો મોદી લહેર બનાવી નહીં શકે તો તેમની બેઠકમાં ઘટાડો થશે.

હવે બેઠક કેટલી ઓછી થશે તેનું અનુમાન લગાવવાની કોઈ રીત વિશેષજ્ઞો પાસે નથી. એ પણ સવાલ છે કે શું રાહુલ ગાંધી લહેર બનાવી શકશે, તેનો જવાબ કોણ આપી શકે છે?

2014થી અત્યાર સુધી ચૂંટણી મોદીના નામે લડવામાં આવી છે. હવે આગામી ચૂંટણી માત્ર મોદીના નામે લડવી જોખમકારક સાબિત થઈ શકે છે એટલે રામ મંદિરનો મુદ્દો ઉછળવો લગભગ નક્કી છે.

કેમ કે વિકાસ કે ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવો ભાજપ માટે હવે શક્ય સાબિત થશે નહીં. હવે જો તેવું થયું તો ધર્મના આધારે કેટલું ધ્રુવીકરણ થશે અને કેટલું નહીં, એ કોઈ અત્યારથી કેવી રીતે જણાવી શકે છે.

આ બધાથી આગળ વધીને મોદીનું અંતિમ શ્વાસ સુધી લડવાનું ઝનૂન અને સરપ્રાઇઝ કાર્ડ રમવાની ટેવ, આ બન્નેની અવગણના કરવી સમજદારી નથી.

સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધી કરીને મોદી સાબિત કરી ચૂક્યા છે કે તેઓ કોઈ પણ મોટો દાવ રમી શકે છે. તેઓ ઘણી વખત પર્સનલ રિસ્ક લઇને બાજી પલટી ચૂક્યા છે.


પિક્ચર હજુ બની રહ્યું છે

Image copyright Getty Images

પીએનબી કૌભાંડ અને રાફેલ ડીલનો મુદ્દો હાથમાં આવ્યા બાદ પણ કોંગ્રેસ કોઈ ખાસ માહોલ ઊભો કરી શકી નથી અને આ મુદ્દાની ધાર આગામી વર્ષ સુધી ટકશે, એવું લાગતું નથી.

પરંતુ એ પણ નથી કહી શકતા કે નવા મુદ્દા નહીં આવે.

અને અંતે ભાજપ પાસે નેતા પણ છે અને હિંદુત્વની વાત પણ છે.

કોંગ્રેસ પાસે કોઈ નવી વાત નથી અને તેના નેતા હજુ ઉભરી રહ્યા છે. કોંગ્રેસ પણ જીતવા માટે વિશ્વાસ સાથે પગલું આગળ વધારવાના બદલે મોદીની હારની રાહ જુએ છે.

આ સમયે કદાચ દેશની જનતા એ વિચારી રહી છે કે મોદી નહીં રહે તો શું થશે? અને તેનો જવાબ પણ જનતાને મળ્યો નથી. લોકો પરિણામ વિશે વિચાર્યા વગર મોદીને હરાવવા માટે મત આપશે, આવો દાવો કરવાનો કોઈ આધાર વિશ્લેષકો પાસે નથી.

પિક્ચર હજુ બની રહ્યું છે અને લોકો ક્લાઇમેક્સ બતાવવામાં લાગેલા છે. થોડી રાહ જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ