હાર્દિકને કોંગ્રેસ સામે શું વાંધો પડ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે. સોમવારે વિધાનસભામાં દલિતોને થતા અન્યાયનો મુદ્દો ગાજ્યો હતો.
જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના સભ્યોએ હોબાળો કરતાં ગૃહ પણ મુલતવી રાખવાની ફરજ પડી હતી.
દલિતોનો મુદ્દો ગૃહમાં ઊઠતાં હવે હાર્દિક પટેલે કોંગ્રેસ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પાટીદારોના પ્રશ્રો ગૃહમાં ન ઉઠાવવા મામલે નિશાને લીધા છે.
હાર્દિક પટેલે એક ફેસબુક પોસ્ટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે તેઓ ગૃહમાં પાટીદારોના પ્રશ્નો કેમ ઉઠાવતા નથી?
હાર્દિકે ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?
ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL
હાર્દિકે ફેસબુક પોસ્ટમાં લખ્યું, "છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઊઠી રહ્યો છે. જે એક સારી બાબત છે અને ઊઠવો પણ જોઈએ."
હાર્દિકે પાટીદારો મામલે લખ્યું, "પણ છેલ્લાં અઢી વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનો અને નિર્દોષ પર થયેલા ખોટા રાજદ્રોહના કેસોનો મુદ્દો કેમ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતા અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી કેમ ચુપ છે?"
ઉપરાંત કોંગ્રેસને ભાજપ સાથે સરખાવતાં હાર્દિક પટેલ આગળ લખે છે, "પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં ચૂપ રહેવા માગતી હોય તો અમને એમ લાગે છે કે આવ ભાઈ હરખા આપણે બંને સરખા જેવું કામ ભાજપ કોંગ્રેસનું લાગે છે."
ઇમેજ સ્રોત, Getty Images
પરેશ ધાનાણી પર સીધા પ્રહારો કરતાં તેમણે લખ્યું, "અમને એમ હતું કે પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી જનતાને ફાયદો થશે પરંતુ જનતાના મુદ્દા ના ઉઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી રહ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાંય જો જનતા નિરાશ થાય તો હવે જનતા ક્યાં જશે?"
હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ?
ઇમેજ સ્રોત, FB/pareshdhananiofficial
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે પરોક્ષ રીતે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.
હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે અનામતને લઈને સહમતી સધાઈ હતી. ત્યારે એવી ફોર્મ્યૂલા પર સહમતી સધાઈ હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવા માટે પ્રયાસો કરશે.
જોકે, ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસની હાર થતાં તેને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા હતા.
પોતાની પોસ્ટ મામલે હાર્દિકે પટેલે કહ્યું, "કોંગ્રેસની ફરજ છે કે જનતાના મુદ્દા ઉઠાવવા, જનતા એમને દરરોજ કહેવા ના જાય કે અમારા મુદ્દા ઉઠાવો."
શું કોંગ્રેસ હાર્દિકને અવગણી રહી છે આ સવાલ કરતાં હાર્દિકે કહ્યું, "કોંગ્રેસ મને અવગણે તો મારે શું લેવા દેવા? હું ભાજપ સામે લડ્યો તે રીતે કોંગ્રેસ સામે લડીશ. મને જરાય ચિંતા નથી."
કોંગ્રેસ હાર્દિકને અવગણી રહી છે?
ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે કહ્યું, "કોંગ્રેસ સમાજના દરેક વર્ગ માટે સતત લડત ચલાવતી આવી છે. વિધાનસભા ગૃહમાં મુદ્દા આધારીત પાટીદારો સહિત દરેક વર્ગ માટે લડત આપતી રહેશે."
"હાર્દિક પટેલે આ પોસ્ટ તેઓ પાટીદાર આંદોલન સાથે લાગણીથી જોડાયેલા હોવાને કારણે મૂકી છે. કોંગ્રેસ પક્ષ સતત સમાજના દરેક વર્ગ માટે લડત કરતો રહેશે."
આ મામલે રાજકીય વિશ્લેષક હરી દેસાઈએ બીબીસીને જણાવ્યું કે હવે હાર્દિકનો કોઈ જનાધાર રહ્યો નથી. તે ગામડે જઈને નાની સભાઓ કરે છે. ગામડાંના લોકોને મળે છે. તે પોતાનું સ્થાન શોધી રહ્યો છે.
હરી દેસાઈએ કહ્યું, "પોતાનું સ્થાન જાળવી રાખવા માટે હાર્દિક આ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે. કોંગ્રેસ પણ હવે હાર્દિકને અવગણી રહી છે."
"સુરતમાં એ પૂરવાર થઈ ગયું કે હાર્દિકના કારણે જ મત મળતા નથી. હાલ કોંગ્રેસ પણ મૂંઝવણમાં છે કે હાર્દિક સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવો."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષીએ જણાવ્યું, "પાટીદારની વાત કરવીએ હાર્દિકની મજબુરી છે. આજે પણ 70 ટકા પાટીદારો ભાજપ તરફી છે અને જો આવા સંજોગોમાં હાર્દિક પટેલ પાટીદારોને છોડી શકે નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો