શ્રીદેવીનો નશ્વર દેહ મુંબઈ પહોંચ્યો, આજે વિલે પાર્લેમાં અગ્નિસંસ્કાર

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Getty Images

લોકોની ભીડ તેમજ મીડિયાના જમાવડા વચ્ચે ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનો નશ્વર દેહ મંગળવારની રાત્રે તેમનાં મુંબઈ સ્થિત ઘરે પહોંચ્યો હતો.

દુબઈથી આવેલી ફ્લાઇટમાં શ્રીદેવીના પાર્થિવ શરીર સાથે બોની કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, રીના મારવાહ અને સંદીપ મારવાહ હાજર હતા.

આ તરફ મુંબઈમાં અનિલ કપૂર, સોનમ કપૂર અને અનિલ અંબાણી તેમને લેવા એરપોર્ટ પહોંચ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

શ્રીદેવીના નશ્વર દેહને અંધેરીના લોખંડવાલા સ્થિત 'ગ્રીન એકર્સ' લઈ જવામાં આવ્યો છે.

શ્રીદેવીના પરિવારે એક નિવેદન જારી કરી કહ્યું છે, "અમે ફિલ્મ જગત, મીડિયા, શ્રીદેવીના પ્રશંસકો તેમજ બધા જ શુભચિંતકોનો આ દુઃખની ઘડીએ, તેમની પ્રાર્થના, સહયોગ અને સંવેદનશીલતા માટે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ."

આજે થશે અંતિમ સંસ્કાર

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારના રોજ શ્રીદેવીના ચાહકો અને પ્રશંસકો માટે શ્રીદેવીના નશ્વર દેહને અંધેરીના લોખંડવાલા કૉમ્પલેક્સની સેલિબ્રશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવશે.

તેમના ચાહકો સવારે 9:30થી 12:30 કલાક વચ્ચે અંતિમ દર્શન કરી શકશે.

અહીંથી બપોરે બે કલાકે અંતિમ યાત્રા નીકળશે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર આશરે 3:30 કલાકે વિલે પાર્લે સમાજ સ્મશાનભૂમિ પર કરવામાં આવશે.

શનિવારની મોડી રાત્રે શ્રીદેવીનું નિધન દુબઈમાં થયું હતું.

પહેલાં કહેવામાં આવ્યું હતું કે તેમનું નિધન કાર્ડિએક અરેસ્ટના કારણે થયું છે. પરંતુ ત્યારબાદ UAEના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે તેમનું મૃત્યુ આકસ્મિક રીતે ડૂબી જવાથી થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો