પ્રેસ રિવ્યૂ: સલામત ગુજરાત? બે વર્ષમાં 4,800 બાળકો ગુમ

બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયાં હતાં.

વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં આ માહિતી સામે આવી છે.

ગુમ થયેલાં બાળકોમાંથી 1,150 બાળકોની હજી કોઈ ભાળ મળી નથી.

દિવ્યભાસ્કરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સુરતમાં સૌથી વધારે 1,256 અને અમદાવાદમાં 1,241 બાળકો ગુમ થયાં છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહાનગરોમાંથી સૌથી વધારે બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાઈ હતી.

9 બાળકોના કચડવાના આરોપી ભાજપના નેતાનું સરેન્ડર

એનડીટીવીના અહેવાલ મુજબ બિહારના મુઝફ્ફરપુરમાં રોડ અકસ્માતમાં નવ બાળકોના મોતના આરોપી ભાજપના નેતા મનોજ બેઠાએ સરેન્ડર કરી દીધું છે.

એક્સિડન્ટ બાદ મનોજની ધરપકડ માટે પોલીસે રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.

અહેવાલમાં જણાવાયું છે કે મનોજના મોં પર ઈજાને કારણે તેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

24 ફેબ્રુઆરીના રોજ રસ્તો પાર કરી રહેલાં સ્કૂલના બાળકોને ભાજપના નેતાની ગાડીએ કચડી નાખ્યાં હતાં. જેમાં 9 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

તો 10 વધારે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. ત્યારબાદથી મનોજ બેઠા ફરાર હતા.

નાગાલૅન્ડ, મેઘાલયમાં અનુક્રમે 75 અને 67 ટકા મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

દૈનિક જાગરણના અહેવાલ મુજબ મંગળવારે નાગાલૅન્ડ અને મેઘાલયમાં યોજાયેલી ચૂંટણીમાં 65 ટકાથી વધારે મતદાન થયું છે.

નાગલૅન્ડમાં 75 અને મેઘાલયમાં 67 ટકા મતદાન થયું છે. બંને રાજ્યોમાં 59-59 સીટો પર મતદાન કરવામાં આવ્યું હતું.

આ પહેલાંની વિધાનસભાની ચૂંટણીમાં નાગાલૅન્ડમાં 90.57 અને મેઘાલયમાં 89 ટકા મતદાન થયું હતું.

બંને રાજ્યો સહિત ત્રિપુરાની વિધાનસભા માટે થયેલી ચૂંટણીનું પરિણામ 3 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો