ઉત્તર પ્રદેશમાં પયગંબરના નામે મુસ્લિમોને શાંતિની અપીલ કેમ?

સીનિઅર પોલીસ વડા અનંત દેવે Image copyright MUZAFFARNAGAR POLICE
ફોટો લાઈન સીનિઅર પોલીસ વડા અનંત દેવ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પોલીસે ઈસ્લામના દૂત પયગંબર મહમ્મદના જીવનની એક બહુચર્ચિત કથાનો સહારો લઈને હોળી વખતે શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે.

એ કથા અનુસાર, મક્કામાં પયગંબર મહમ્મદની પાડોશી વૃદ્ધા રોજ તેમના રસ્તામાં કચરો ફેંકતી હતી. પયગંબર કચરાને પોતાના કપડાથી સાફ કરતા અને કશું કહ્યા વિના આગળ વધી જતા હતા.

આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો હતો. એક દિવસ વૃદ્ધાએ કચરો ફેંક્યો નહીં. પયગંબરે તપાસ કરી તો જાણવા મળ્યું કે વૃદ્ધા બીમાર છે.

તેથી પયગંબર વૃદ્ધાની ખબર કાઢવા ગયા અને કોઈ મદદ જરૂરી હોય તો જણાવવા વિનતી કરી હતી. પયગંબરના આ વર્તનથી પ્રભાવીત થઈને વૃદ્ધાએ ઈસ્લામ અપનાવી લીધો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવેલો મુઝફ્ફરનગર જિલ્લો કોમી દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે અને 2013માં અહીં થયેલાં હુલ્લડમાં 60થી વધુ લોકોનાં મોત થયાં હતાં.


પોલીસે શા માટે અપીલ કરી?

Image copyright MUZAFFARNAGAR POLICE
ફોટો લાઈન પોલીસે બહાર પાડેલું પેમ્ફ્લેટ

હોળી દરમ્યાન કોમી હિંસા ન થાય એટલા માટે સીનિઅર પોલીસ વડા અનંત દેવે આખા જિલ્લામાં પેમ્ફ્લેટ વહેંચાવડાવ્યાં છે. મસ્જિદો અને મદરેસાઓમાં પણ પેમ્ફ્લેટ્સ મોકલવામાં આવ્યાં છે.

આ પેમ્ફ્લેટમાં જણાવવામાં આવ્યું છે, "આપ લોકો સુન્નત-એ-રસૂલને યાદ કરીને આગથી આગને ઠારવાના પ્રયાસ કરશો નહીં. આગ ઠારવા માટે પાણી જરૂરી હોય છે."

"સતર્ક અને જાગૃત રહેજો, નહીંતર શેતાન તેનું કામ કરી જશે. કોઈ બાળકથી ભૂલ થઈ જાય તો શાંતિ તથા ધીરજ રાખજો અને હોળીના અવસરે શાંતિ-સંવાદિતા જાળવી રાખજો."

બીબીસી સાથે વાત કરતાં અનંત દેવે કહ્યું હતું, "હોળી હિંદુઓનો તહેવાર છે. કોઈ મુસ્લિમના કપડાં કે મસ્જિદ કે મદરેસાની દિવાલ પર રંગ પડી જાય તો ઘણીવાર વિવાદ સર્જાતો હોય છે."

"મુસ્લિમો હોળીના દિવસે સંયમ રાખે એટલા માટે મેં આ અપીલ કરી છે. તેમણે સમજવું જોઇએ કે સાંપ્રદાયિક અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાની જવાબદારી આપણા સહુની છે."

અનંત દેવે ઉમેર્યું હતું, "હોળીના દિવસે રંગના છાંટણા પડે તો વિવાદ થવો ન જોઇએ. દિવાલ કે કપડાં પર પડેલો રંગ સાફ કરી શકાશે."

"આટલી ઉદારતા, ધૈર્ય, સહનશીલતા અને સમજદારી લોકોએ દાખવવાની છે. તેથી મેં પયગંબર મહમ્મદના જીવનની કથા જણાવી છે. એ કથા પયગંબર મહમ્મદનું આચરણ કેવું હતું એ દર્શાવે છે."


મુસ્લિમોએ આપ્યો આવકાર

Image copyright MUZAFFARNAGAR POLICE

પોલીસની આ અપીલનું શહેરના મુસલમાનો અને હિંદુઓએ સ્વાગત કર્યું છે.

મુઝફ્ફરનગરમાં મદરેસાનું સંચાલન કરતા મૂસા કાસમીએ કહ્યું હતું, "પયગંબરના જીવનનો પ્રસંગ જણાવીને પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો એ સારી વાત છે."

જોકે, મૂસા કાસમીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસે આ પ્રકારનું પેમ્ફ્લેટ બહાર પાડીને હિંદુઓને પણ ધમાલ નહીં કરવાની અપીલ કરવી જોઈતી હતી.

મૂસા કાસમીએ કહ્યું હતું, "પેમ્ફ્લેટ બીજી કોમ માટે પણ બહાર પાડવામાં આવ્યું હોત તો વધારે સારું થાત, કારણ કે હોળીની ઉજવણી તો હિંદુઓ કરતા હોય છે."

"ધમાલ નહીં કરવાની અપીલ હિંદુઓને પણ કરવી જોઈતી હતી. હોળી વખતે મસ્જિદોને ઢાંકી દેવી એ આ સમસ્યાનો ઉકેલ નથી. તેમ છતાં આ બહુ સારો પ્રયાસ છે."


હિંદુઓને પણ કરવામાં આવશે અપીલ

Image copyright MUZAFFARNAGAR POLICE

અનંત દેવે કહ્યું હતું, "બકરી ઈદના દિવસે ગટરોમાં લોહી જોઈને ઘણીવાર લોકો ભડકી જતા હોય છે. એ વખતે કુતરો મોંમાં હાડકું લઈને આવે તો તેના પર પણ લોકો ભડકી જાય છે."

"અમે બકરી ઈદના દિવસે આવી જ રીતે ધીરજ રાખવાની અપીલ હિંદુઓને પણ કરીશું."

મુઝફ્ફરનગરના હિંદુત્વવાદી કાર્યકર સંજય અરોડાએ આ પેમ્ફ્લેટ વાંચ્યું છે. તેમણે કહ્યું હતું, "કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવાની જવાબદારી પોલીસની છે. એ દિશામાં આ સારી પહેલ છે."

"મેં આ વિશે શહેરના અનેક લોકો સાથે વાત કરી છે. બધાએ હકારાત્મક વલણ દેખાડ્યું છે."

"આ વખતે હોળી શુક્રવારે છે. ભગવાન ના કરે ને કોઈ મુસ્લિમ પર રંગ ઊડે તો સમસ્યા સર્જાઈ શકે છે. તેથી પોલીસ વડાએ દૂરંદેશીભર્યું પગલું લીધું છે."

મુઝફ્ફરનગર કોમી દૃષ્ટિએ ઉત્તર પ્રદેશનો એક અત્યંત સંવેદનશીલ જિલ્લો છે. તાજેતરનાં વર્ષોમાં સૌથી મોટું રમખાણ અહીં જ થયું હતું.

કોમી હિંસાની મોટાભાગની ઘટનાઓ તહેવારો વખતે જ બનતી હોય છે. તેથી પોલીસના આ પગલાને એક સારી શરૂઆત ગણવામાં આવી રહ્યું છે.

સ્થાનિક પત્રકાર અમિત સૈનીએ કહ્યું હતું, "મુઝફ્ફરનગરમાં શાંતિ જાળવી રાખવાનું પોલીસ માટે હંમેશા પડકારરૂપ રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં શાંતિ જાળવી રાખવામાં પોલીસ કેટલીક હદે સફળ રહી છે."

"પોલીસ શાંતિ જાળવી રાખવાની નવી રીતો શોધી રહી છે. એ દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે, જેની અસર લોકોમાં પણ જોવા મળી રહી છે."

પોલીસનું આ પગલું કેટલું સફળ રહેશે તેની ખબર તો હોળી પછી જ પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો