યેદિયુરપ્પાની હાલત અડવાણી જેવી કેમ ના થઈ?

મોદી અને યેદિયુરપ્પા Image copyright Getty Images

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) તેના 75થી વધુ વર્ષની વયના નેતાઓને માર્ગદર્શક મંડળમાં સ્થાન આપવાની નીતિને પડતી મૂકવાની હોય એવું લાગે છે.

તેનું કારણ એ છે કે બી. એસ. યેદિયુરપ્પા જ કર્ણાટકમાં બીજેપીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હોવાની વાતનો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો છે.


યેદિયુરપ્પા શા માટે જરૂરી?

Image copyright Getty Images
ફોટો લાઈન એક સમારંભમાં યેદિયુરપ્પા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલી

નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ સપ્તાહમાં ત્રીજી વખત કર્ણાટક ગયા હતા. તેમણે એક કિસાન રેલીને સંબોધન કર્યું હતું અને યેદિયુરપ્પાને તેમના પંચોતેરમા જન્મદિવસે અભિનંદન આપ્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ યેદિયુરપ્પાને 'રૈથા બંધુ' એટલે કે ખેડૂતબંધુ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યેદિયુરપ્પા ખેડૂતો માટે ખુશહાલી લાવી શકે છે અને યુવાનોની અપેક્ષાઓને સંતોષી શકે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "યેદિયુરપ્પાના નેતૃત્વમાં કર્ણાટકને નવી ઊંચાઈ પર લઈ જવાનો મોકો અમને આપો."

યેદિયુરપ્પા બીજેપીના દક્ષિણ ભારતના પહેલા નેતા છે, જેઓ 2008માં મુખ્ય પ્રધાન બન્યા હતા. ભ્રષ્ટાચારના આરોપને પગલે ત્રણ વર્ષ બાદ તેમણે મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું.

એ પછી તેમણે પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો અને 2013ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની વોટ બેંકને ઘણું નુકસાન કર્યું હતું.

જોકે, 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી તેમને બીજેપીમાં પરત લાવ્યા હતા.

બે વર્ષ પહેલાં બીજેપીએ યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને ગયા વર્ષે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.


બીજેપી માટે ફેરવી તોળવું મુશ્કેલ

Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કર્ણાટક બીજેપીના પ્રવક્તા સુરેશ કુમારે બીબીસીને જણાવ્યું હતું, "માર્ગદર્શક મંડળમાં કોઈ નેતાને મોકલવાનો ચોક્કસ માપદંડ નથી."

"કોઈ નેતાની વય 75 વર્ષની થાય એટલે એમને માર્ગદર્શક મંડળમાં મોકલી આપવામાં આવશે એ ગેરસમજ છે."

સુરેશ કુમારે કહ્યું હતું, "યેદિયુરપ્પા લોકનેતા છે અને સમગ્ર પ્રદેશમાં લોકપ્રિય છે. તેઓ પક્ષ માટે જરૂરી છે."

"યેદિયુરપ્પાને માત્ર લિંગાયત સમુદાયના નેતા ગણાવવા એ એમના નેતા તરીકેના કદને ઘટાડવા સમાન છે."

યેદિયુરપ્પા કર્ણાટકના લિંગાયત સમુદાયના સભ્ય છે. લિંગાયતોને કર્ણાટકમાં સવર્ણ જ્ઞાતિ ગણવામાં આવે છે.

ઉત્તર કર્ણાટકમાં લિંગાયતો પ્રભાવશાળી વોટ બેંક ગણાય છે અને કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકો પૈકીની 105 બેઠકો આ પ્રદેશમાં આવેલી છે.

ડો. સંદીપ શાસ્ત્રી જૈન વિશ્વવિદ્યાલયના ઉપ-કુલપતિ અને રાજકીય વિશેષજ્ઞ છે.

ડો. સંદીપ શાસ્ત્રીએ કહ્યું હતું, "બીજેપીની મુશ્કેલી એ છે કે તેમણે યેદિયુરપ્પાને બે વર્ષ પહેલાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા."

"હવે બીજેપી ફસાઈ ગઈ છે. એ ઈચ્છે તો પણ આ નિર્ણયને પાછો ખેંચી શકે તેમ નથી."


'માર્ગદર્શક મંડળ તો પ્રતિસ્પર્ધીઓ માટે'

Image copyright SAM PANTHAKY/GETTY IMAGES
ફોટો લાઈન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી

માર્ગદર્શક મંડળનો વિચાર બીજેપીની દેન છે?

આ સવાલના જવાબમાં ડો. શાસ્ત્રીએ કહ્યું હતું, "માર્ગદર્શક મંડળ તો વડાપ્રધાનના પ્રતિસ્પર્ધીઓ માટે હતું."

"બી. સી. ખંડુરીની વય 75 વર્ષની હોવાને કારણે તેમને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા."

"બી. સી. ખંડૂરીના કિસ્સાને બાદ કરતાં માર્ગદર્શક મંડળના નિયમનો અમલ રાજ્યોમાં આગ્રહપૂર્વક કરવામાં આવ્યો નથી."

"આજની પરિસ્થિતિમાં યેદિયુરપ્પાના સ્થાને બીજા કોઈને ઉમેદવાર બનાવવાનું બીજેપી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે."


લિંગાયતો કોંગ્રેસથી નારાજ

Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ રાહુલ અને સોનિયા ગાંધી

બીજી તરફ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાજીવ ગાંધીએ વીરેન્દ્ર પાટિલને કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી હટાવ્યા ત્યારથી કોંગ્રેસ લિંગાયત સમુદાયની નારાજગીનો સામનો કરી રહ્યો છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ બી. એલ. શંકરે કહ્યું હતું, "બીજેપી તેની સુવિધા અનુસાર નિર્ણયો કરે છે. દિલ્હીમાં કેટલાક નેતાઓને રસ્તામાંથી હટાવવાના હતા એટલે એ સુવિધા કરી હતી."

"હવે કર્ણાટકમાં બીજેપીને યેદિયુરપ્પાની જરૂર છે, કારણ કે તેમની પાસે યેદિયુરપ્પા પછી બીજો કોઈ નેતા નથી. તેથી અહીં એવી વ્યવસ્થા કરી છે."

"યેદિયુરપ્પા લિંગાયત સમુદાયના હોવાની હકીકતનો પણ બીજેપી લાભ લેવા ઇચ્છે છે. સત્તા માટે બીજેપી તેના સિદ્ધાંતો સાથે સમાધાન કરી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ