શ્રીદેવીનાં મૃત્યુ બાદ તેમનાં ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ- મારો પ્રેમ, મારી મિત્ર...

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Getty Images

28 ફેબ્રુઆરીની રાત્રે એક વખત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે જોયું કે દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ થયું છે.

પરંતુ આ પોસ્ટ સાથે જાહેર થયેલા એક સંદેશને લોકોએ વાંચ્યો તો ખબર પડી કે આ ટ્વીટ તેમના ફિલ્મ નિર્માતા પતિ બોની કપૂરનો એક સંદેશ હતો.

શ્રીદેવીના ટ્વિટર હેંડલ પરથી બોની કપૂરે લખ્યું કે શ્રીદેવીનું તેમના જીવનમાં કેટલું મહત્ત્વ હતું. તેમણે મીડિયા તેમજ સામાન્ય નાગરિકો પાસે એક અપીલ પણ કરી.

વાંચો બોની કપૂરે શું લખ્યુંઃ

ઇમેજ સ્રોત, Getty Images

"એક મિત્ર, પત્ની અને બે યુવાન દીકરીઓની માને ખોઈ નાખવી એક એવું નુકસાન છે, જેનું શબ્દોમાં વર્ણન ખૂબ મુશ્કેલ છે."

"હું મારા પરિવાર, મિત્રો, સહકર્મીઓ, શુભચિંતકો અને શ્રીદેવીના અસંખ્ય પ્રશંસકોનો આભારી છું, જેઓ સતત અમારી સાથે અડગ ઊભા રહ્યા."

"હું સૌભાગ્યશાળી છું કે મારી પાસે અર્જુન અને અંશુલાનો સહયોગ તેમજ પ્રેમ છે, જે મારી ખુશી અને જહ્નાવી માટે મજબૂતીના સ્તંભ રહ્યા છે. અમે એક સાથે એક પરિવાર તરીકે આ અસહનીય ઘટનાને સહન કરવાનો પ્રયાસ કર્યો છે."

તમને આ પણ વાંચવું ગમશે

"આ દુનિયા માટે તેઓ ચાંદની હતાં. એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હતાં પરંતુ મારા માટે તેઓ મારો પ્રેમ, મારા મિત્ર અને મારી બાળકીઓનાં માતા હતાં. મારા પાર્ટનર હતાં. અમારી દીકરીઓ માટે તે સર્વસ્વ હતાં. તેમની જિંદગી હતાં. તેઓ એ કલ્પિત રેખા હતાં કે જેની આસપાસ અમારો પરિવાર ફરતો હતો."

"હવે આપણે તેમને અલવિદા કહી રહ્યા છીએ તો મારું તમને એક ગંભીર નિવેદન છે. ખાનગી સ્વરૂપે શોક મનાવવાની અમારી જરૂરિયાતનો સન્માન કરો. જો તમારે શ્રી વિશે વાત કરવી છે તો એ ખાસ યાદો વિશે હોય કે જે પ્રત્યેકને તેમની સાથે જોડતી હોય."

"તેઓ એક અભિનેત્રી હતાં, જેમનો કોઈ વિકલ્પ નથી. તેના માટે તેમનો ખૂબ સન્માન અને પ્રેમ. કોઈ અભિનેત્રીનાં જીવન પર ક્યારેય પડદો હોતો નથી કેમ કે તેઓ હંમેશાં રૂપેરી પડદા પર ચમકતાં રહે છે."

ઇમેજ સ્રોત, AFP

"આ સમયે મારી એકમાત્ર ચિંતા મારી દીકરીઓની સુરક્ષા છે અને શ્રી વગર આગળ વધવાનો રસ્તો શોધવાની છે. તેઓ અમારી જિંદગી હતાં, અમારી શક્તિ હતાં અને હંમેશાં હસતા રહેવાનું કારણ હતાં. અમે તેમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ."

"રેસ્ટ ઇન પીસ, માય લવ. અમારું જીવન ફરીથી પહેલાં જેવું નહીં બને."

- બોની કપૂર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો