અનોખી હોળી: અહીં રંગ ઉડાડશો તો તે જ યુવતી સાથે કરવાં પડશે લગ્ન

  • પીએમ તિવારી
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શું હોળીના દિવસે કોઈ યુવતીને રંગ લગાડવાની સજા તેની સાથે લગ્ન કરીને ભોગવવી પડે?

સવાલ જરા અટપટો છે. પરંતુ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના અલીપુરદ્વાર વિસ્તારમાં આવો નિયમ અને પરંપરા છે.

જલપાઈગુડીના અલીપુરદ્વારની પંચાયતના સંથાલ વિસ્તારમાં વર્ષો જૂની આ અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે.

એ વાત અલગ છે કે હવે સમાજ અને લોકલાજના ડરથી લોકો ભૂલથી પણ યુવતીઓ પર રંગ લગાવતા નથી.

આ વિસ્તારમાં ઓછામાં ઓછા એક ડઝન લોકો એવા છે કે જે છોકરીઓ પર રંગ લગાવવાની સજા ભોગવી ચૂક્યા છે અને એ પણ તેમની સાથે લગ્ન કરીને.

લગ્ન ન કરો તો દંડ ભરો

ઇમેજ સ્રોત, Getty Images

પંચાયતના વૃદ્ધો કહે છે કે જો યુવતીને રંગ લગાડવાની ભૂલ કોઈ એવી વ્યક્તિથી થઈ છે કે જેઓ વિવાહ માટે યોગ્ય નથી તો તે વ્યક્તિ દંડની રકમ ભરીને માફી મેળવી શકે છે.

સંથાલ સમાજના પટગો ટુડૂ જણાવે છે, "હોળીના દિવસે જો કોઈ યુવક ભૂલથી યુવતીને રંગ લગાવી દે તો તેમણે યુવતી સાથે લગ્ન કરવાં પડે છે. જો કોઈ કારણોસર લગ્ન થતાં નથી તો તે યુવકની હેસિયત પ્રમાણે દંડ નક્કી કરવામાં આવે છે. દંડની ન્યૂનતમ રકમ પાંચ સો રૂપિયા છે."

આ જ કારણ છે કે સંથાલના યુવક કોઈ યુવતી સાથે રંગોથી હોળી રમતા નથી.

સંથાલ સમાજમાં હોળી રંગથી નહીં, પણ પાણીથી રમવામાં આવે છે. પરંપરા અનુસાર પુરુષ માત્ર પુરુષ સાથે જ હોળી રમી શકે છે.

પરંપરા અને પવિત્રતા

રંગોથી રમ્યા બાદ વન્યજીવોના શિકારની પરંપરા છે. શિકારમાં જે વન્યજીવનું મૃત્યુ થાય છે તેને પકાવીને સામૂહિક ભોજન તૈયાર થાય છે.

સંથાલના વિજય મુંડા કહે છે, "આધુનિકતાના જમાનામાં પણ અમારા વિસ્તારમાં આ નિયમોનું પાલન થાય છે. તેનો ઉદ્દેશ આ તહેવારની પવિત્રતા જાળવી રાખવાનો છે. હોળીના દિવસે આ સામાજિક પરંપરા તોડવાની હિંમત કોઈ કરતું નથી."

હોળી રમવાના દિવસો પણ સમાજના અગ્રણીઓ નક્કી કરે છે.

સમાજનો દરેક વર્ગ હોળીની આ વર્ષો જૂની પરંપરાથી ખુશ છે. પરંતુ બદલતા સમયની સાથે યુવા પેઢી તેમાં ફેરફાર લાવવાના પક્ષમાં છે.

હેમલતા મુંડા કહે છે, "આ પરંપરા વર્ષો જૂની છે. આધુનિકતાના આ જમાનામાં તેમાં ફેરફાર લાવવાની જરૂર છે. અમને પણ હોળીના રંગોથી રમવાની છૂટ મળવી જોઈએ."

બીજી તરફ સમાજના અગ્રણી માલદો હાંસદા કહે છે, "સમાજમાં વર્ષો જૂની પરંપરાને બદલવી યોગ્ય પણ નથી અને શક્ય પણ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો