એક ઇન્જેક્શન અને ત્રણ મહિના સુધી પ્રૅગ્નન્સિમાંથી મુક્તિ

ગર્ભનિરોધક ગોળી લઈ રહેલી મહિલા

"પથારી પર સૂવા જતી વખતે મારા પતિ મને ગર્ભનિરોધક ગોળી લેતાં નિહાળે છે ત્યારે તેમની આંખોમાં શંકા તરવા લાગે છે.

તેમની આંખોમાં દેખાતી શંકાની અસર કોઈ રીતે તેમની દિલચસ્પી પર પણ થાય છે. પતિના આવાં વર્તનથી હું વિચારમાં પડી જાઉં છું."

ડિમ્પીને રોજ રાતે થતી આ અનુભૂતિમાં એક પીડા પણ છે અને એક સવાલ પણ.

ડિમ્પી તેમની જાતને આ સવાલ પૂછતાં હતાં કે શું તેઓ ગર્ભ ધારણ કરવા તૈયાર છે?

હજુ ગયા વર્ષે જ ડિમ્પીનાં લગ્ન થયાં હતાં. લગ્નના થોડા મહિના બાદ જ તેમને એવું લાગવા માંડ્યું હતું કે ખુશખુશાલ જીવન માટે સેક્સ જરૂરી છે પણ ગર્ભનિરોધકના ઉપયોગનો પ્રભાવ તેમાં ક્યાંક જરૂર પડે છે.

આ ગડમથલમાં ડિમ્પીએ ગાઇનિકોલોજિસ્ટનો સંપર્ક કર્યો હતો. મહિલાઓ માટેના ગર્ભનિરોધક ઇન્જેક્શન વિશે ડિમ્પીને ત્યાંથી માહિતી મળી હતી.


શું છે ગર્ભનિરોધક ઇન્જેક્શન?

Image copyright Thinkstock

મહિલાઓ ગર્ભ ધારણ કરવાનું ટાળવા માટે દર ત્રણ મહિને આ ઇન્જેક્શન લઈ શકે છે.

તેનું નામ DMPA ઇન્જેક્શન છે. DMPAનો અર્થ છે ડિપો મેડ્રોક્સી પ્રૉજેસ્ટ્રોન એસિટેટ.

તેનો અર્થ એ થયો કે આ ઇન્જેક્શનમાં પ્રૉજેસ્ટ્રોન હૉર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે.

ગાઇનિકોલોજિસ્ટ એટલે કે સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. બસબ મુખર્જીના જણાવ્યા અનુસાર, આ ઇન્જેક્શન ત્રણ રીતે કામ કરે છે.

સૌથી પહેલાં આ ઇન્જેક્શનની અસર મહિલાના શરીરમાં બનતાં અંડાણુ પર થાય છે.

તે ગર્ભાશયના મુખ પર એક આવારણ રચે છે, જેને લીધે તેમાં શુક્રાણુંનો પ્રવેશ મુશ્કેલ બની જાય છે.

આ બન્ને કારણોસર મહિલા ગર્ભવતી થતી નથી. આ ઇન્જેક્શનની કિંમત 50 રૂપિયાથી 250 રૂપિયા સુધીની છે.


ગર્ભનિરોધક ન્જેક્શન સંબંધી ગેરસમજ

Image copyright Getty Images

વિશ્વના અન્ય દેશોમાં આ ઇન્જેક્શનનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. ભારતમાં તેના વપરાશની પરવાનગી નેવુંના દાયકામાં મળી હતી.

એ પછી પણ ભારત સરકાર દ્વારા પરિવાર નિયોજન માટે આપવામાં આવતી કિટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

તેનું કારણ હતું આ ઇન્જેક્શનના વપરાશ સાથે જોડાયેલી ગેરસમજ.

ગર્ભનિરોધક ઇન્જેક્શનના ઉપયોગથી મહિલાઓનાં હાડકાં નબળાં પડી જાય છે, તેમને કેન્સર થવાનું જોખમ વધે છે એવી ગેરસમજને કારણે મહિલાઓ તેનો ઉપયોગ કરવાનું ટાળતી હતી.

જોકે, હવે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(ડબલ્યુએચઓ)ના એક અહેવાલે આ ગેરસમજ પરથી પડદો ઉઠાવ્યો છે.

ડો. રવિ આનંદ ડબલ્યુએચઓના અહેવાલને ટાંકતાં કહે છે, "લાંબા સમય સુધી આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે તો મહિલાઓનાં હાડકાં નબળાં પડે એ વાત સાચી છે પણ આ ઇન્જેક્શનનો ઉપયોગ બંધ કરવાથી પરિસ્થિતિ સામાન્ય બની જાય છે."

એટલું જ નહીં, આ ઇન્જેક્શનથી મહિલાઓમાં કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે, એવું ડો. રવિ આનંદે જણાવ્યું હતું.


ગર્ભનિરોધક ન્જેક્શનના ફાયદા

Image copyright PA

ડો. બસબ મુખર્જીના જણાવ્યા અનુસાર, ગર્ભનિરોધક ઇન્જેક્શનના ઉપયોગના ઘણા ફાયદા છે.

ગર્ભનિરોધક ગોળીની માફક આ ઇન્જેક્શન રોજ લેવું પડતું નથી.

ઇન્જેક્શનના ઉપયોગથી ગર્ભ ધારણ કરવાનું જોખમ લગભગ નહીંવત થઈ જાય છે.

બાળકના જન્મ પછી તરત જ આ ઇન્જેક્શનનો ઉપયોગ શરૂ કરી શકાય છે, કારણ કે તેમાં પ્રૉજેસ્ટ્રોન હોય છે.

ગર્ભનિરોધકના ઉપયોગની વાત ખાનગી રાખવા ઇચ્છતા દંપતિઓ આ ઇન્જેક્શનને બહેતર વિકલ્પ ગણે છે.

ઇન્જેક્શનના ઉપયોગ પછી કેટલીક મહિલાઓમાં બ્લીડિંગ એકદમ ઓછું થઈ જાય છે.

ડોક્ટર્સ તેને સારી બાબત ગણે છે કારણ કે બ્લીડિંગ ઓછું થતાં મહિલાઓમાં એનિમિયાનું જોખમ ઘટી જાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરતી મહિલાઓમાં ગર્ભ ધારણ કરવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

આ ઇન્જેક્શનમાં સમયસીમાનું બંધન નથી. ઇન્જેક્શન લીધાના ત્રણ મહિના પુરા થઈ જાય એ પછીનાં ચાર અઠવાડિયા સુધીમાં ફરી આ ઇન્જેક્શન લઈ શકાય છે.

વચગાળાના સમયમાં ગર્ભવતી થવાનું જોખમ પણ રહેતું નથી.

અહેવાલ અનુસાર, આ ગર્ભનિરોધક ઇન્જેક્શનની સફળતાનો દર 99.7 ટકા છે.


ગર્ભનિરોધક ન્જેક્શન અને પ્રજનન દર

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4ના આંકડા અનુસાર, દેશમાં 145 જિલ્લાઓ એવા છે, જ્યાં પ્રજનન દર એટલે કે મહિલાઓનો બાળક પેદા કરવાનો દર ત્રણ કે તેથી વધારેનો છે.

તેનો અર્થ એ થયો કે દેશના 145 જિલ્લાઓમાં મહિલાઓ ત્રણથી વધુ બાળકોને જન્મ આપે છે.

આ હકીકત દેશની 'અમે બે, અમારાં બે' નીતિની વિરુદ્ધની છે.

આ 145 જિલ્લાઓ દેશનાં સાત રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢમાં આવેલા છે.

તેથી હવે કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં મફત વહેંચવામાં આવતી ગર્ભનિરોધક કિટમાં ઇન્જેક્શનનો પણ સમાવેશ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો