જ્યારે સરદારપુરાના પટેલોએ હાથ જોડી કહ્યું, 'ગરીબ મુસ્લિમોને મારશો નહીં.'

  • પ્રશાંત દયાળ
  • બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે
ગોધરા કાંડ બાદના તોફાનની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને સળગાવી દેવામાં આવી છે, એવી ખબર મળતાં જ હું ત્યાં પહોચી ગયો. બહુ મોટો સંહાર હતો.

અયોધ્યાથી પાછા ફરી રહેલા 57 હિંદુ કારસેવકોને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા. હું તે જ દિવસે બપોરના ત્રણ વાગે ગોધરા પહોંચ્યો હતો.

એ વખતે અડધું ગોધરા શહેર સળગી રહ્યું હતું, મને અંદાજ નહોતો કે ગોધરાની આગ આખા ગુજરાતમાં પ્રસરી જશે.

બીજા દિવસે એટલે તા 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત ગુજરાતના નાના-નાના નગરો કે જયાં કયારેય સામાન્ય પથ્થરમારો પણ થયો નહોતો થયો એવા સ્થળોએ પણ 'હિંદુ-મુસ્લિમનો આત્મા' જાગી ગયો હતો.

તંત્ર અને મીડીયાનું ધ્યાન અમદાવાદ અને વડોદરા જેવા મોટાં શહેરો પર હતું અને ઉત્તર ગુજરાતના વિજાપુર પાસે આવેલા સરદારપુરા ગામમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ 33 મુસ્લિમોને સળગાવી દેવામાં આવ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

હું રિપોર્ટિંગ માટે બધા શહેરોમાં ફરી રહ્યો હતો. મને સરદારપુરાના પણ સમાચાર મળ્યા હતા. તોફાનો એટલા મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યાં હતા કે એક સાથે બધા સ્થળે પહોંચવુ શક્ય નહોતું.

હું 2 માર્ચ 2002ના રોજ મારા સાથી ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી સાથે સરદારપુરા પહોંચ્યો.

અમે જેવા સરદારપુરા પહોંચ્યા કે મેં જોયું એક પોલીસની વાન જેમા બે-ત્રણ પોલીસવાળા જ હતા અને સરદરાપુરા ગામની સીમમાં બેઠા હતા.

મેં મારી કાર ઊભી રાખી. ચારે તરફ એકદમ નીરવ શાંતિ હતી, જેના કારણે મને લાગ્યુ કે અમે કોઈ ખોટા સરનામે તો પહોંચ્યા નથી ને?

ઇમેજ સ્રોત, Getty Images

મેં એક પોલીસવાળાને પૂછ્યું, ''આ સરદારપુરા જ છે?'' એણે મારી સામે બહુ આશ્ચર્ય સાથે જોયુ અને માત્ર માથુ હલાવ્યું.

મેં પૂછ્યું ''પેલા મુસ્લિમોને કયાં સળગાવી દીધા હતા?'' તેણે હાથનો ઈશારો કરી કહ્યું, ''ગામની અંદર જતા રહો. ગામમાં અમારી એક પોલીસવાન છે.''

અમે ગામમાં દાખલ થયા તો જાણે કોઈ હિંદી ફિલ્મના શુટીંગ માટે સેટ ઊભો કરાયો હોય એવું લાગ્યું.

ગામમાં ઘર હતા, ઘરની બહાર વાહનો હતાં. કેટલાંક આંગણામાં ઢોર પણ બાંધ્યાં હતાં. પણ ક્યાંય એક માણસેય જોવા નહોતો મળતો.

બધા ઘરના દરવાજાઓ અને બારીઓ બંધ હતી. માણસ વગરનું ગામ કેવું હોઈ શકે તેવા પ્રશ્ન સાથે અમે ગામની સાકડી ગલીમાંથી આગળ વધતા ગયા.

જયાં બનાવ બન્યો હતો એ શેખ મહોલ્લો હતો. પણ, કોઈ માણસ દેખાય તો અમે પૂછીએ કે ભાઈ શેખ મહોલ્લો કયાં આવ્યો?

પોલીસવાળાએ અમને જે દિશામાં જવાનું કહ્યુ હતું અમે એ જ રસ્તે હતા. પાંચ-સાત મિનીટ કાર ચલાવી એટલે અમને એક પોલીસવાન નજરે પડી.

ડ્રાઇવર સહિત ત્રણ પોલીસવાળા બેસી પત્તા રમી રહ્યા હતા, અમે પોલીસવાન જોઈ કાર ઊભી રાખી અને કારમાંથી નીચે ઊતર્યા.પોલીસવાળાને પૂછયું, ''સાહેબ! પેલો શેખ મહોલ્લો કયાં આવ્યો?”

તેણે પણ જાણે પહેલી વખત માણસ જોયો હોય તેમ અમારી સામે જોયું અને પછી પોતાના હાથમાં રહેલા પત્તા ઊતરતાં સામે તરફ જતી ગલી તરફ ઈશારો કર્યો.

અમે તે ગલી તરફ ચાલવા લાગ્યા. એકદમ સાંકડી ગલી. જો બે સ્કૂટરવાળા પણ સામ-સામે આવી જાય તો એક સ્કૂટરવાળાએ ઊભા રહી જવું પડે તેવી ગલી હતી. ગલીની બંન્ને તરફ કાચા મકાનો હતા.

નળીયાવાળા મકાનો. બધા જ મકાનોના દરવાજા ખુલ્લા હતા અને એમાં કોઈ માણસ નહોતો.

અમે નીચા ઘાટના મકાનોમાં માથું નીચે કરી દાખલ થયા અને જેમજેમ એકએક મકાનમાં જવા લાગ્યા, અમે અમારી આંખમાં આંસુઓ દોડવા લાગ્યા.

28મી સાંજે સાત વાગે આ શેખ મહોલ્લા ઉપર હુમલો થયો ત્યારે આ બધા માણસો ખેતરેથી મજૂરી કરી પાછા આવ્યા હતા અને જમવાની તૈયારી કરતા હતા.

સાક્ષીરૂપે ચુલાઓ ઉપર રાંધેલું ધાન હતું. કેટલાંક ઘરોમાં હજી રોટલો શાક ભરેલી થાળીઓ તેમની તેમજ પડેલી હતી.

ગરીબ મુસ્લિમો જમવા બેઠા હતા ત્યારે જ તેમની ઉપર હુમલો થયો હતો અને તેઓ જીવ બચાવવા ભાગ્યા હતા. પણ તેઓ બચી નહોતા શક્યા.

33 સ્ત્રી-પુરૂષો અને બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

અમે કાચા મકાનો હરોળ પાર કરી ત્યાં આગળ વધ્યા કે જયાં એક વીસ બાય વીસનું પાકું મકાન હતું.

એ મકાન એકદમ સળગી ગયું હતું. તેની કાળી થઈ ગયેલી દિવાલો પણ જાણે રડી રહી હોય તેવુ લાગતું હતું.

શેખ મહોલ્લા ઉપર જયારે હુમલો થયો ત્યારે નળીયાવાળા મકાનો પર પથ્થરમારો કરાયો હતો.

ડરી ગયેલા મુસ્લિમો જીવ બચાવવા ભાગ્યા હતા, અને મહોલ્લાના એ પાક્કા મકાનમાં સંતાયા હતા.

જે રીતે કોઈ ટ્રકમાં ઘેટાં ભર્યા હોય તેમ 33 માણસો એક મકાનમાં સંતાઈ ગયા હતા.

પણ, તૈયારી સાથે આવેલા હુમલાખોરોએ મકાનની બારીમાં અને દરવાજામાંથી પેટ્રોલ છાંટ્યું અને આગ લગાડી દીધી.

મિનીટોમાં જ એ મકાન ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું. એક પણ માણસ જીવતો બહાર આવ્યો નહીં.

પણ, ખરેખર ત્યારે શું બન્યું હતું તે મારે જાણવું હતું. અમે ગલીની બહાર નીકળ્યા.

પોલીસવાળાને પૂછયું તો તેણે કહ્યું, ''અમે તે બે દિવસ પહેલાં જ આવ્યા છીએ. અમને ખબર નથી''

તેણે ગામના બંધ ઘરો તરફ ઈશારો કરી પૂછયું પેલાં લોકોને પૂછો તેમને ખબર હશે. પણ, પૂછવું કોને?

હું એક ઘર તરફ આગળ વધ્યો. હિંમત કરી એક દરવાજો ખખડાવ્યો. થોડી મિનીટો શાંતિ રહી અને પછી તે દરવાજો ખુલ્યો પણ એકદમ થોડો.

બહાર કોણ ઊભું છે તે જોવા માટે જાણે ખોલ્યો હોય તે રીતે. અંદર એક આધેડ સ્ત્રી હતી, મેં કહ્યું, ''પાણી પીવું છે, મળશે?''

તે સ્ત્રીના ચહેરા ઉપર અનેક શંકાઓ હતી, તે મને કઈ જવાબ આપે તે પહેલા એક પુરુષ બહાર આવ્યો, તે ગુસ્સામાં અને ડરેલો હતો.

તેણે ગુસ્સામાં પૂછયું ''બોલો શું છે?'' મેં કહ્યું, ''પાણી પીવું છે.'' તે દરવાજામાં જ ઊભો રહ્યો અને સ્ત્રીને પાણી આપવાનો ઈશારો કર્યો.

સ્ત્રી પાણી લઈ પાછી આવી. મેં પાણી પીધું. મારા ફોટોગ્રાફર પાણી પી રહ્યા હતા, ત્યારે મેં પેલા પુરુષને કહ્યું, ''હું પત્રકાર છું. અમદાવાદથી આવુ છું. એકાદ મિનિટ વાત કરવી છે.''

તેણે ફોટોગ્રાફરના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને દરવાજો બંધ કરવા જવા લાગ્યો. મેં દરવાજો પકડી રાખ્યો અને ફરી વિનંતી કરી કે એક જ મિનીટ વાત કરવી છે.

એ મારી સામે જોવા લાગ્યો, મે પૂછ્યું, ''હું પત્રકાર છું, પોલીસ નહીં. મારે જાણવુ છે, તમારી સામેના મહોલ્લામાં શુ બન્યું હતું.''

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

તેના ચહેરા ઉપર એક પ્રકારની ગ્લાની અને દુ:ખ દોડી આવ્યું, તેણે ડોકું બહાર કાઢી આસપાસ જોયું. કોઈ નહોતું.

તેણે દરવાજો આખો ખોલ્યો. ઉંબરામાં આવી ઊભો રહ્યો. ઊંડો શ્વાસ લીધો અને શેખ મહોલ્લા તરફ જોતા કહ્યું, ''આ બધા અમારા પટેલોનાં ખેતરોમાં પેઢીઓથી ખેત મજૂર તરીકે કામ કરતા હતા.

ગરીબ અને સજ્જન માણસો. અમારે તેમની સાથે કે તેમને અમારી સાથે કોઈ વાંધો નહોતો.

ગામમાં મુસ્લિમના બે મહોલ્લા જેમા એક આ અને આગળ પઠાણ મહોલ્લો.

પઠાણ મહોલ્લાના મુસ્લિમો પૈસાદાર. એમની પાસે જમીનો અને પરવાનાવાળા હથિયારો પણ છે.

આ બિચારા ગરીબ શેખ હતા. ગોધરામાં જે કંઈ પણ તેની અમને ખબર હતી. પણ, ખાતરી હતી કે અમારા ગામમાં કંઈ નહીં થાય.''

''તો પણ બે પોલીસવાળા ગામમાં મૂકવામાં આવ્યા હતા, તે દિવસ રોજ પ્રમાણે બધા ખેતરે ગયા અને સાંજે પાછા ફર્યા.

અમને ખબર નહોતી પણ આસપાસના ગામમાંથી ટ્રેકટરો ભરી ટોળા અમારા ગામ તરફ આવવા લાગ્યા. પોલીસમાં તો માત્ર બે જ પોલીસવાળા. સેંકડો લોકોને એ બે જણા કેવી રીતે રોકે? એ ટ્રેકટરો અહીં આવીને રોકાયા.

અમને ખબર પડી કે તેઓ શેખ મહોલ્લા માટે આવ્યા છે. અમે ગામના લોકો આડા ઊભા રહી ગયાં.

એ લોકોનું ટોળુ ગુસ્સામાં હતું, અમે તેમને હાથ જોડી વિનંતી કરી કે આ ગરીબ માણસો છે. તેમને ગોધરાના મુસ્લિમો સાથે કોઈ સંબંધ નથી. આ ગરીબોનો શુ વાંક છે? પણ, અમારું કઈ ચાલ્યુ નહીં.''

તે વ્યક્તિના ચહેરા પર તેઓ કંઈ ના કરી શક્યા એ વાતનો અફસોસ હતો.

તેણે કહ્યું, ''ગામના જે પોલીસવાળા હતા, તેમણે અને અમે પણ મદદ માટે પોલીસને ફોન કર્યો પણ રસ્તામાં ઠેર ઠેર આડશો મૂકી દેવામાં આવી હતી.

મહેસાણાથી મોટા સાહેબો આવ્યા પણ ત્યારે બે કલાક થઈ ગયા હતા. સાહેબો પહોંચ્યા ત્યારે 33 લાશોને ઉપાડવાનું જ કામ બાકી હતું.

હું ભારે હૃદય સાથે સરદારપુરાથી નીકળ્યો. આજે પણ જયારે તે વાતો અને દ્રશ્યો મારી આંખ સામે આવે છે ત્યારે શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ જાય છે. મને વિચાર આવે છે માણસ આટલો ક્રૂર કેવી રીતે થઈ શકે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો