જ્યારે ગુજરાત સળગતું હતું ત્યારે અહીં હિંદુ-મુસ્લિમ એકબીજાનું રક્ષણ કરતા હતા

રામ-રહીમ ટેકરાની એક તસવીર

અમદાવાદનો બહેરામપુરા વિસ્તાર શ્રમિક વર્ગના લોકોના રહેઠાણ વિસ્તાર તરીકે જાણીતો છે. અહીં રહેતા મોટાભાગના લોકો મહેનત-મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

સવારની ચા કે બપોરનું ભોજન નસીબ થાય તો સાંજની ચિંતા તો ઊભી રહે જ. કદાચ આ જ કારણ છે કે આ વિસ્તારમાં દિવસ-રાત જ નહીં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ શાંતિ જળવાઈ રહે છે.

કારણ કે તેમણે બે ટંકનું ભરપેટ ભોજન મળે તેની જ ચિંતા કરવાની હોય છે. બીજું કશું વિચારવાનો તેમની પાસે સમય જ નથી.

માણસ - માણસ વચ્ચે સુમેળ રહે અને કોમ-કોમ વચ્ચે કોમી એખલાસ જળવાઈ રહે તે બાબત આમ તો એક સામૂહિક પ્રક્રિયા અને જવાબદારી છે.

કોઈ એક વ્યક્તિને કદાચ તેનો શ્રેય આપી ન શકાય. પરંતુ અહીં બહેરામપુરામાં સ્થિતિ જરા જુદી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

૬૫ વર્ષનાં ગાંડાલાલ સોલંકી માટે બહેરામપુરા સ્થિત રામ-રહીમ ટેકરા પર હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે સૌથી મહત્ત્વનું છે. આ વિસ્તારમાં ક્યારેય કોમી તોફાનો થયા નથી.

ગોધરા ટ્રેન હત્યાકાંડ પછીની કોમી તંગદીલી અહીં ક્યારેય પહોંચી શકી નહીં.

અહીંના હિંદુઓ અને મુસલમાનો એક બીજાને એવા સમયે મદદ કરતા જોવા મળ્યા હતા જ્યારે અમદાવાદના ઘણા વિસ્તારોમાં ગોધરા પછીના તોફાનો વખતે કોમી તંગદીલી છવાયેલી હતી.

એ સમયે અહીં શાંતિ અને કોમી એખલાસ હતો.

ગાંડાલાલ સોલંકી અહીંના રહીશોમાંથી એક છે. રામ-રહીમ ટેકરા ખાતે આશરે નવ હજાર પરિવારો વસે છે.

એકબીજાને અડીને ઊભા રહેલાં નાના-નાના ઘર, એક જ પ્રાંગણમાં સ્થાપિત મંદિર અને મસ્જિદ, સાંકડી શેરીઓ વગેરે આ વિસ્તારને બીજા વિસ્તારોથી અલગ કરે છે.

અમદાવાદમાં ટેક્સ્ટાઇલ મીલો જ્યારે ધમધમતી હતી ત્યારે આ વિસ્તારમાં આવીને લોકો વસ્યા હતા.

સાબરમતીને નદીને કિનારે વસેલા આ વિસ્તારનું નવું નામકરણ રામ-રહીમ ટેકરા થયું.

જેનું જૂનું નામ સંગમનગર હતું. નામ બદલાયું પરંતુ હિંદુ - મુસ્લિમ એકતાનો સંગમ અહીં જળવાઈ રહ્યો છે.

આલ્જી વઢીયારી અહીંના એક મુખ્ય સામાજીક આગેવાન હતા, જેઓ 2011માં મૃત્યુ પામ્યા.

તેમના પૌત્ર, હીતેશ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે, આલ્જીભાઈ સહિત અહીં રહેતા લોકોને ૨૦૦૮માં રામ-રહીમ ટેકરા પર હિંદુ-મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે ઇંદિરા ગાંધી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં પ્રવેશતા જ કોમી-એકતાનાં અનેક દૃશ્યો જોવા મળે છે. ચાની કીટલીએ બન્ને કોમના લોકો એક સાથે બેસીને ચા પીતા હોય કે પછી કરીયાણાની દુકાન પર મહીલાઓની લાઇન લાગી હોય.

આ વિસ્તારમાં એક અલગ અમદાવાદનો અનુભવ થાય છે. 2002ના તોફાનો પછી અમદાવાદમાં જુહાપુરા જેવા વિસ્તારોમાં મોટાપાયે લોકોનું સ્થળાંતર થયું છે જેમાં માત્ર મુસલમાન સમાજના લોકો જ રહે છે.

2002ના તોફાનોની વાત કરતા ગાંડાલાલ સોલંકી જે અહીંના એક સામાજિક અગ્રણી છે, જણાવે છે કે "અહીં 1972થી રહું છું. તે સમયે મારામારી અને કાપાકાપીનું એક અજીબ પ્રકારનું પાગલપન લોકોમાં જોવા મળી રહ્યું હતું. પણ રામ-રહીમ ટેકરા તે પાગલપનનો ભાગ બનતા બચી ગયું હતું. અહીંના લોકોને કોમી તંગદીલીથી કોઈ મતલબ નહોતો."

અબ્દુલ રજ્જાક બદામી અહીં બે દાયકાથી પણ વધુ સમયથી રહે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "સૌથી પહેલાં તો અમે બન્ને કોમના લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું." સોલંકી, બદામી અને બીજા સામાજિક અગ્રણીઓ દરેક ઘરે ગયા અને સમજાવ્યું કે કોમી-તંગદીલીના વાતાવરણમાં તેઓ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીમાં કે સામેવાળાની બેમતલબી વાતોમાં ન આવી જાય.

સોલંકી કહે છે કે, "અલ્લાહ અને ઇશ્વરના આશીર્વાદથી અમે પબ્લિક પેટ્રોલીંગની શરૂઆત કરી. એવા અનેક પોઇન્ટ બનાવવામાં આવ્યાં કે જેમાં બન્ને કોમમાંથી પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરી ત્યાં બેસાડવામાં આવ્યા. અમે એ ધ્યાન રાખ્યું કે કોઈ તોફાની તત્વો અહીં પ્રવેશી ન જાય."

ગોધરા પછીનાં તોફાનો સમયે હિંદુ-મુસ્લિમ રહેતા હોય તેવા દરેક વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ હતું. "આવા ઘણા વિસ્તારોમાં તોફાનો થયાં હતાં, પણ રામ-રહીમ ટેકરા આવા તોફાનોથી બાકાત રહ્યું હતું, "સામાજિક કાર્યકર, મનીષી જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું.

મોટાભાગનાં મુસ્લિમ સમાજનાં લોકો અહીં રીક્ષા ચલાવવાનું કામ કરે છે, જ્યારે મોટાભાગનાં હિંદુઓ આસપાસની ફેક્ટરીઓમાં કામ કરે છે.

રોડ પરનાં ઘણાં મકાનોના રહેવાસીઓએ પોતાના ઘરોની આગળ નાની દુકાનો બનાવી દીધી છે. મુખ્ય માર્ગ એક માર્કેટ જેવું દેખાય છે.

"અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. હું એક મસલમાન છું, પરંતુ મારા મોટાભાગનાં ગ્રાહકો હિંદુઓ છે," પાનનો ગલ્લો ચલાવતા મોહમ્મદ હુસૈન હયાતે જણાવ્યું.

સાંકડી શેરીઓમાં અહીં ઘરો એક બીજાથી જોડાયેલાં છે. હિંદુઓ અને મુસલમાનો એકબીજાનાં પાડોશી છે. તેઓ એક બીજાના તહેવારો ઊજવે છે. જ્યારે 20 વર્ષીય શબનમ શેખને પૂછ્યું કે શું તે હિંદુ તહેવારોથી ક્યારેય પરેશાન થાય છે. તેમણે કહ્યું, "ના ક્યારેય નહીં. હું પણ તેમની તહેવારો ઊજવવા જોડાઈ જઉં છું. તેઓ પણ અમારી સાથે અમારા તહેવારો ઊજવે છે."

અહીં રામ મંદિર અને મસ્જિદ એક જ પ્રાંગણમાં આવેલાં છે. એક હનુમાન મંદિર મુસ્લિમ પરિવારનાં ઘરને અડીને આવેલું છે.

આ મંદિરની ચાકરી એક મુસ્લિમ મહીલા કરે છે. શબનમ ધોબી કહે છે કે, "હું આ મંદિરને દિવસમાં બે વખત સાફ કરું છું. હું અલ્લાહ અને હનુમાનજી બન્નેની બંદગી કરૂં છું."

આ વિસ્તાર મુખ્યત્વે દરરોજ કમાઈને ખાનારા લોકોથી ધમધમે છે. "અહીં લોકોને કોમી તોફાનોથી વધારે પોતાના પરિવાર અને રોજગારની વધારે ફિકર છે,"સાયરા શેખ, જે અહીં પચીસ વર્ષથી રહે છે તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું.

"કોમી-તંગદીલી ઊભી કરવી તે નેતાઓનું રાજકારણ છે, અથવા તો એવા લોકોનું કામ છે કે જેમની પાસે પૈસા હોય કે જેઓ ખૂબ પૈસા કમાવવા માંગતા હોય. અમારી પાસે જે છે તેનાથી અમે ખુશ છીએ અને અમે એકબીજા સાથે હળીમળીને રહેવા માંગીએ છીએ."

તેમણે વધુમાં કહ્યું કે, “પાડોશી તરીકે અમારા ઝગડા થાય પરંતુ અમે થોડા સમય પછી એક-બીજા સાથે મળી જઈએ છીએ.”

આ વિસ્તાર જમાલપુર-ખાડીયા વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે. આ વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે.

જોકે 2017ની છેલ્લી ચૂંટણીમાં વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા વિજેતા થઇને ધારાસભ્ય થયા છે.

જમાલપુર એ ભાજપના જનસંઘના સમયથી હિંદુત્વનો ગઢ રહ્યું છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહે છે, “ આ વિસ્તાર બાકીના અમદાવાદની અલગ છે. હું આ માટે અહીંનાં સામાજિક આગેવાનોને બિરદાવવા માંગીશ, જેમણે કોમી-એખલાસ માટે અથાગ સફળ પ્રયત્નો કર્યા છે."

તેમણે કહ્યું, “જોકે, અહીં અલગ-અલગ વિચારધારાના લોકો રહે છે, પરંતુ તેમની કોમી-એકતા પર ક્યારેય ફરક પડ્યો નથી.”

2002 પછી અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.

"મુસ્લિમો અમદાવાદના વિભિન્ન વિસ્તારોને છોડીને જુહાપુરામાં રહેવા લાગ્યા. જેના કારણે જુહાપુરા એક મોટો મુસ્લિમ વિસ્તાર બની ગયો છે," મનીષી જાનીએ કહ્યું.

પરંતુ રામ-રહીમ ટેકરામાં આવા કોઈ ફેરફારો આવ્યા નથી. "બાપુનગર, રાયખડ જેવા વિસ્તારો જ્યાં હિંદુઓ અને મુસલમાનો એક સાથે રહેતા હતા તે વિસ્તારોના મુસલમાનો જુહાપુરામાં રહેવા આવી ગયા છે," તેમણે ઉમેર્યું.

"નવા અમદાવાદમાં મુસ્લિમોની અવગણના થઈ છે, પરંતુ રામ-રહીમ બન્ને સમાજોના લોકો સાથે પોતાનો વિકાસ કરી રહ્યો હોય તેવું લાગે છે," મનીષી જાનીએ કહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો