'હોળી છે તો શું.. અમારી સાથે જબરદસ્તી કરશો?'

પ્રદર્શન કરતી વિદ્યાર્થિનીઓ

દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજ (એલએસઆર)માં ભણતી વિદ્યાર્થિની અવિધા ખૂબ ગુસ્સામાં છે. તેમનું કહેવું છે કે કોઈએ હોળીના બહાને તેમના પર વીર્યથી ભરેલો ફુગ્ગો ફેંકયો હતો.

અવિધાએ બીબીસીને જણાવ્યું, "સોમવારની સાંજે આશરે આઠ વાગ્યા હશે. હું બજાર જઈ રહી હતી ત્યારે જ રિક્ષામાં બેઠેલી એક વ્યક્તિએ મારા પર ફુગ્ગો ફેંક્યો અને મારું ટી-શર્ટ પલળી ગયું."

અવિધા ભાગીને રૂમમાં પરત ફર્યા અને ટી-શર્ટ જોયું તો તેના પર વીર્ય જેવા સફેદ- પીળા રંગના ચીકણા ધબ્બા લાગેલા હતા જેમાંથી દુર્ગંધ આવી રહી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે તુરંત કપડા બદલ્યા અને ટી-શર્ટને બાથરૂમના ખુણામાં મૂકી દીધું. તેમના મનમાં ધૃણા અને નફરત જાગી.

તેમણે કહ્યું, "લોકો પૂછી રહ્યા છે કે મને કેવી રીતે ખબર કે તે વીર્ય છે. હું એ દાવો નથી કરતી કે તે વીર્ય હતું પણ મને તેવું લાગ્યું. આમ પણ વાત એ નથી કે તે વીર્ય હતું કે નહીં, વાત એ છે કે કોઈ મારા પર જબરદસ્તીથી કંઈ પણ કેવી રીતે ફેંકી શકે?"


'હદ પાર થઈ ગઈ'

તેઓ આગળ પૂછે છે, "કોઈ મારી મરજી વગર મારા પર પાણી પણ શા માટે ફેંકશે? કોઈ અજાણી વ્યક્તિ ઑફિસ જતા સમયે મારા પર પાણી નાખી મને પલાળશે શા માટે? તેમને આ હક કોણે આપ્યો?"

અવિધા આ જ રીતે ગુસ્સામાં એક બાદ એક સવાલ કરે છે અને તેમના સવાલ વિચારવા પર મજબૂર કરે છે.

સવાલો બાદ અવિધાએ ફરી વાત શરૂ કરી. તેમણે કહ્યું, "હોળીના નામે સમગ્ર ભારતમાં છોકરીઓ સાથે છેડતી અને દુર્વ્યવ્હાર થાય છે. હું કોલકાતાથી છું અને ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ મેં ખૂબ જોઈ છે પરંતુ દિલ્હીમાં તો હદ પાર થઈ ગઈ."

હોળીના અવસર પર 'બુરા ન માનો હોલી હૈ, યે બચ્ચો કી ટોલી હૈ' જેવી લાઇનનો ઉપયોગ રંગ લગાવવા માટે કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું હોળીના બહાને તમે કોઈની સાથે કંઈ પણ કરશો અને તે ખોટું નહીં લગાડે?

અવિધા પહેલાં તેમની જ કૉલેજની એક વિદ્યાર્થિનીએ પણ દિલ્હીની અમર કૉલોનીમાં પોતાની સાથે ઘટેલી આ પ્રકારની ઘટનાનો ઉલ્લેખ ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો.

તોલિનો ચિશી નામની વિદ્યાર્થિની ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય આસામની રહેવાસી છે. તેમનું કહેવું છે કે તેમના પર પણ વીર્યથી ભરેલો ફુગ્ગો ફેંકવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ અંગે ખૂબ ચર્ચા થઈ. ઘણાં લોકોએ તેમની સાથે થયેલા આ દુર્વ્યવ્હાર અંગે રોષ વ્યક્ત કર્યો.

તો ઘણાં લોકોએ તેમના પર હિંદુ પરંપરાઓને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો.


'હોળી પસંદ છે પણ આ રીતે નહીં'

આ આરોપોના જવાબમાં ઝોયા કહે છે, "મને હોળી ખૂબ પસંદ છે પરંતુ તેનો મતલબ એવો નથી કે હોળીના બહાને કોઈ વ્યક્તિ મારી સાથે ગમે તે આવીને કરી જાય."

ઝોયા દિલ્હી યુનિવર્સિટીની કમલા નહેરુ કૉલેજમાં ભણે છે.

મલ્લિકાએ હોળીના અવસર પર પોતાની સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "આ વાત ત્યારની છે, જ્યારે હું સ્કૂલમાં ભણતી હતી. હોળીના દિવસે કેટલાક યુવકો મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમણે જબરદસ્તી મારા ચહેરા પર રંગ લગાવી દીધો."

મલ્લિકાએ કહ્યું એ ઘટનાને હજુ સુધી હું ભૂલી શકી નથી. તેમના મનમાં આ પ્રકારની હરકતો વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે.

એલએસઆરમાં ભણતી વધુ એક વિદ્યાર્થિની પૂછે છે, "જો અમે એ ઇચ્છીએ છીએ કે કૉલેજથી ઘરે જવા દરમિયાન અમારા કપડા ખરાબ ન થાય, તો શું અમે ઘણું બધું માગી રહ્યા છીએ?"

ગુરમહેર કૌરને લાગે છે કે હોળી જેમ જેમ નજીક આવે છે, દરેક યુવતીને એવું લાગે છે કે તેમના શરીરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.


'છોકરીઓ પણ સામેલ છે'

શાલૂ મિશ્રાનું કહેવું છે કે માત્ર યુવકો કે પુરુષો જ આવું કરે છે તેવું નથી પરંતુ મહિલાઓ પણ તેમાં સામેલ છે.

તેમણે કહ્યું, "મારી મિત્રને એક 20-22 વર્ષની યુવતીએ ફુગ્ગો માર્યો. તે માટે એવું કહી શકતા નથી કે આવું માત્ર પુરુષ જ કરે છે. લોકોએ એ સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ હોળી રમવા માગે છે તેવું હોતું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ