નીરવ મોદી, વિજય માલ્યા જેવાઓને પકડી શકશે સૂચિત કાયદો?

નિરવ મોદીનું પોસ્ટર લગાવી રહેલો પુરુષનો ફોટોગ્રાફ Image copyright Getty Images
ફોટો લાઈન નિરવ મોદી પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે

નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા. આ ત્રણેયમાં કેટલીક બાબતો સમાન છે, જેમ કે ત્રણેય મોટા બિઝનેસમેન છે, બેંકોના કરજદાર છે અને દેશમાંથી ભાગી ગયા છે.

જંગી લોન લઈને કે છેતરપિંડી કરીને દેશમાંથી ભાગી છૂટતા લોકોની ભારતમાંની સંપત્તિ યથાવત રહે છે. તેને સરકારે જપ્ત કરવી હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એક કાયદો બનાવવા ઇચ્છે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના પ્રધાનમંડળે 'ભાગેડુ આર્થિક અપરાધી ખરડા-2018'ને ગુરુવારે મંજૂરી આપી હતી.

કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય આ ખરડાનો મુસદ્દો છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરી રહ્યું હતું.

આ ખરડામાંની જોગવાઇઓ વિશે વાત કરતાં અરુણ જેટલીએ એક ખાસ બાબત પર ધ્યાન દોર્યું હતું.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે 100 કરોડ કે તેથી વધુ રૂપિયાની ગોબાચારી કરીને ભાગી છૂટેલા લોકોને આ સૂચિત કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ખરડાની મુખ્ય બાબતો આ મુજબ છેઃ

  • • ભાગેડુ જાહેર કરવામાં આવેલી વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
  • • ગોબાચારી કરીને ભાગેલી વ્યક્તિને વિશેષ અદાલત દ્વારા નોટિસ પાઠવવામાં આવશે.
  • • આવા અપરાધીઓની બેનામી સંપત્તિ ઉપરાંત ભારત અને વિદેશમાંની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
  • • ભાગેડુ વ્યક્તિને કોઈ દિવાની દાવો કરતી રોકવામાં આવશે.
  • • જપ્ત કરવામાં આવેલી સંપત્તિને સંભાળવા તથા એ સંબંધી વહીવટ માટે એક ઓથોરિટીની રચના કરવામાં આવશે.

અત્યાર સુધી કેવી જોગવાઈ હતી?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી

બેંકો સાથે કોઈ વ્યક્તિ છેતરપિંડી કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ઘણી કાયદાકીય જોગવાઈઓ છે. એ જોગવાઈઓ મારફત સંબંધિત વ્યક્તિની સંપત્તિ જપ્ત કરી શકાય છે.

આ જોગવાઈ હોય તો નવો કાયદો રચવાની જરૂર શા માટે પડી?

આ સવાલનો જવાબ આપતાં સીનિયર આર્થિક વિશ્લેષક એમ. કે. વેણુએ કહ્યું હતું, "હાલ જે વ્યવસ્થા છે તેમાં સમય લાગે છે. કોર્ટની પરવાનગી લેવી પડે છે.

"એ ઉપરાંત સંપત્તિ તરત જપ્ત કરવી હોય તો તેમાં અનેક નડતર આવે છે."

તેમણે ઉમેર્યું હતું, "નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડી ગયા પછી સરકાર એવું દેખાડવા માગે છે કે સમસ્યાનું કાયમી નિરાકરણ ગણાય એવો એક કાયદો ઘડવો જરૂરી છે."

"આ ખરડા વિશે અરુણ જેટલીએ પણ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ બેંક પાસેથી પૈસા લઈને ભાગવાનું વિચારતી હશે તો તેણે એ પણ વિચારવું પડશે કે સરકાર તેની તમામ સંપત્તિ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરશે."

કેટલો અસરકારક સાબિત થશે આ ખરડો?

Image copyright Getty Images
ફોટો લાઈન આર્થિક કૌભાંડના આરોપી વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસ સરકાર કરી રહી છે

આ ખરડામાં 100 કરોડથી વધુ રૂપિયા લઈને ભાગી જતા લોકો માટે આકરી જોગવાઈ કરવામાં આવી છે, જેથી મોટા લોકોને પકડી શકાય.

આ ખરડામાં એક વિશેષ જોગવાઈ પણ છે. એ મુજબ, ભાગેડુ વ્યક્તિની વિદેશમાંની સંપત્તિને પણ સરકાર કાયદાના દાયરામાં લાવશે.

બીજા દેશોમાંથી સંપત્તિ લાવવાનું કેટલું સરળ હશે?

આ સવાલના જવાબમાં એમ. કે. વેણુએ કહ્યું હતું, "સરકાર આ સૂચિત કાયદાનો અમલ કઈ રીતે કરશે એ સ્પષ્ટ નથી થયું.

"અન્ય દેશોમાં તેમના પોતાના કાયદા હોય છે. આ માટે સંબંધિત દેશની સંમતિની જરૂર પણ પડશે.

"વિજય માલ્યા અને નીરવ મોદીના કેસની વાત કરીએ તો તેમની ઘણી સંપત્તિ વિદેશમાં છે.

"ભારત સરકાર સૂચિત કાયદા હેઠળ તેમની સંપત્તિ કઈ રીતે જપ્ત કરશે એ બહુ મોટો સવાલ છે."

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આ સંબંધે જે દેશના સહયોગની જરૂર પડશે તે દેશ સાથે વાત કરવામાં આવશે.

ભાગેડુ લોકોની ભારતમાં જે સંપત્તિ છે તેને જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવે એવો પ્રયાસ આ ખરડા મારફત કરવામાં આવી રહ્યો છે.

સૂચિત કાયદો અભૂતપૂર્વ છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ભાગેડુ આરોપીઓની વિદેશમાંની સંપત્તિને જપ્ત કરવાની જોગવાઈ પણ સૂચિત કાયદામાં છે

આ સવાલના જવાબમાં એમ. કે. વેણુએ કહ્યું હતું, "આ કાયદો એકદમ અસાધારણ છે, પણ કેટલાક લોકો કહે છે કે તેનો દુરુપયોગ થઈ શકે છે.

"ભવિષ્યમાં સત્તાધારી પક્ષને કોઈ વ્યક્તિ પસંદ ન હોય તો તેના વિરુદ્ધ સૂચિત કાયદાનો ઉપયોગ થઈ શકે છે."

આ કાયદો ઘડવાની જરૂર શા માટે પડી, એ બાબતે એમ. કે. વેણુએ કહ્યું હતું, "તેનું કારણ આપણા વર્તમાન કાયદાઓ અને કાર્યવાહીનું અયોગ્ય પાલન તથા અમલ છે.

"જે રીતે વિજય માલ્યાને ભારત બહાર જવા દેવામાં આવ્યા એ મોટો સવાલ છે, કારણ કે વિજય માલ્યા બાબતે ઓડિટર્સ ચેતવણી આપી ચૂક્યા હતા.

"ખામીઓને ઢાંકવા માટે વધુ એક કાયદો બનાવવામાં આવી રહ્યો છે."

"અરુણ જેટલીએ કહ્યું તેમ કોઈ વ્યક્તિ દેશમાંથી ભાગતાં પહેલાં વિચાર કરશે, પણ દેશમાંથી ભાગતાં પહેલાં એ વ્યક્તિ ભારતમાંની તેની સંપત્તિ ધીરે-ધીરે વિદેશમાં સ્થાનાંતરિત કરી દે એ શક્ય છે."

આ ખરડા ઉપરાંત કેન્દ્ર સરકારે નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઑથોરિટી(એનએફઆરએ)ની સ્થાપનાની મંજૂરી પણ આપી છે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે નવા કંપની એક્ટ હેઠળ એનએફઆરએને મંજૂરી આપવામાં આવે છે. તેમાં અધ્યક્ષ અને અનેક સભ્યો હશે.

એનએફઆરએ પાસે નાણાકીય તથા ઓડિટિંગ સંબંધી અધિકારો હશે અને એ કેટલીક નાણાકીય બાબતોમાં દરમ્યાનગીરી પણ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો