મૅગઝીન કવરને લઈ શા માટે થઈ રહી છે આટલી બબાલ?

મૅગઝીન કવર. Image copyright Grihalakshmi Magazine

મૅગઝીનના કવર ફોટો પેજ તરીકે સ્તનપાન કરાવનારી એક મૉડલનો ફોટો પ્રકાશિત થયા બાદ સોશિઅલ મીડિયા પર લોકોએ વિભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા છે.

કેરળ રાજ્યથી પ્રકાશિત થતાં 'ગૃહલક્ષ્મી' મૅગઝીનના કવર પેજ પર, મોડલ ગિલુ જોસેફ કૅમેરાની તરફ સીધું જોઈ રહ્યા છે અને તેમની છાતીએ વળગી રહેલા એક બાળકની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

વધુમાં લખ્યું છે, "માતાઓ કેરળની જનતાને કહે છે - અમને તાકો નહીં, અમારે સ્તનપાન કરાવવું છે."

એવું માનવામાં આવી રહ્યું છે કે આ પહેલી વાર છે જ્યારે ભારતીય મૅગઝીનના કવર પર સ્તનપાન કરાવનારી મહિલાની તસવીર પ્રકાશિત થઈ છે.

પરંતુ મોડલ પોતે એક માતા ન હોવાથી લોકો અસંમતિ વ્યક્ત કરી રહ્યા છે અને વધુમાં આ ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે.

ગૃહલક્ષ્મીના સંપાદકનું કહેવું હતું કે આ મૅગઝીન જાહેરમાં માતાઓ દ્વારા સ્તનપાન કરાવડાવાની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા માગે છે.

તમને આ પણ વાંચવું ગમશે

મૉનસી જોસફે બીબીસીના અશરફ પદન્ના સાથેની વાતચીતમાં કહ્યું, "એક મહિના પહેલાં, એક વ્યક્તિએ ફેસબુક પર સ્તનપાન કરાવતા તેમના પત્ની અને બાળકની તસવીર પોસ્ટ કરી હતી.

જેનો ઉદ્દેશ જાહેરમાં માતાઓને સ્તનપાન કરાવવા સંબંધે વાતચીત શરૂ કરવાનો હતો. પરંતુ પરિણામ એ આવ્યું કે આ મહિલાને પુરુષો અને મહિલાઓ બંને દ્વારા ઇન્ટરનેટ પર ધમકી મળવા લાગી."

તેઓ કહે છે, "એટલે જ આ અંક અમે સ્તનપાન કરાવનારી માતાઓને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું."

સાડી પહેરતી ભારતની ઘણી મહિલાઓ જાહેરમાં સ્તનપાન કરાવી શકે છે. સાડીની મદદથી તેઓ પોતાના શરીરને ઢાંકે છે. પરંતુ જેમને સાડી પહેરવી નથી તેમનું શું?

ઘણાં લોકોએ સોશિઅલ મીડિયા પર મૅગઝીન અને મોડલ બન્ને માટે સમર્થન વ્યક્ત કર્યું છે.

ટ્વિટર યૂઝર શ્રેયાએ ટ્વીટ કરીને લખ્યું, "કેટલાક લોકો માટે આ બાબત અણગમતી છે, અને કેટલાક માટે આ મફતનું મનોરંજન છે. એક બાળક માટે, આ નિ:શંકપણે સરળ અને જરૂરી છે. કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ માટે, આ એક કુદરતી બાબત છે. આ એક સારો પ્રયાસ છે."

સંજય મુખરજીએ લખ્યું, "આ ખૂબ જ બહાદુરીનું કામ છે. તે માતાઓને એક એવું કામ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ જે સામાન્ય રીતે શિશુના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે."

પરંતુ આ ઝુંબેશની ટીકા વાસ્તવિક સ્તનપાન કરાવતી માતાને બદલે એક મોડેલ દર્શાવવા માટે થઈ રહી છે.

બ્લૉગર અંજના નાયરે લખ્યું છે, "જ્યારે તમે એક સ્તનપાન કરાવનારી માતાને બદલે એક મોડલની તસવીર કવર પેજ પર મુકવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે જ તમે સસ્તી સનસનાટી અને શોષણનો આશ્રય લીધો હતો."

પરંતુ ગિલુ જોસફે મૅગઝીનના કવર માટે પોઝ કરવાના તેમનાં નિર્ણયનો બચાવ કર્યો છે.

બીબીસી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું, "મને ઘણી ટીકાઓની અપેક્ષા હતી જ, પરંતુ જે બધી માતાઓ ગર્વ અને સ્વાતંત્ર્યની ભાવનાથી સ્તનપાન કરાવવા માગે છે, તેમનાં માટે મેં આ કરવાનો નિર્ણય કર્યો હતો."

એક મૅગઝીને તેમને ટાંકીને લખ્યું છે કે, "જો તમે તમારા બાળકને ખવડાવતા હોવ, તો ક્યા ભગવાન ગુસ્સે થશે?"

કેરળના વરિષ્ઠ લેખક પૉલ ઝકારીઆએ બીબીસીને કહ્યું કે મૅગઝીનનું કવર પેજ એક 'ક્રાંતિકારી પગલું' છે.

તેઓ કહે છે, "કદાચ જાહેરમાં સ્તનપાન કરાવવાની બાબતમાં ક્રાંતિ નહીં આવે, પરંતુ આ એક મહત્વપૂર્ણ પગલું છે. મારી એકમાત્ર અપેક્ષા છે કે અંતમાં સંપાદક આ માટે માફી ન માંગે."

વિશ્વ આરોગ્ય સંસ્થા બાળકોનાં પ્રથમ છ મહિના સુધી માતા સ્તનપાનની જ સલાહ આપે છે.

પરંતુ સ્તનપાન વિશ્વભરમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે.

સ્કૉટલૅન્ડમાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 25 ટકાથી વધુ માતાએ જણાવ્યું કે જાહેરમાં સ્તનપાન કરાવવાથી તેમને "અસ્વસ્થતા"નો અનુભવ થયો હતો.

ગયા વર્ષે એક અભ્યાસ અનુસાર યુ.કે.માં સ્તનપાનનો દર વિશ્વમાં સૌથી ઓછો હતો.

આ દર જર્મનીમાં 23%, અમેરિકામાં 27%, બ્રાઝિલમાં 56% અને સેનેગલમાં 99% જોવા મળ્યો.

જેની સરખામણીએ 200 મહિલાઓમાંથી માત્ર એક મહિલા- અથવા 0.5% - મહિલાઓ માતૃત્વ પામ્યાના એક વર્ષ બાદ પણ સ્તનપાન કરાવી રહ્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ