ભગતસિંહનો 'હીરો' લેનિન, ભાજપ માટે વિલન?

લેનિનની પ્રતિમા Image copyright TWITTER

ત્રિપુરામાં સોમવારે કેટલીય જગ્યાએ હિંસક બનાવો વચ્ચે રશિયન ક્રાંતિના 'હીરો' વ્લાદિમિર લેનિનની પ્રતિમાને તોડી પડાઈ.

'ભારત માતા કી જય'ના નારા સાથે ભાજપ સમર્થક ટોળાએ અહીંના બેલોનિયા શહેરના 'સેન્ટર ઑફ કૉલેજ સ્ક્વેર' ખાતે લેનિનની પ્રતિમાને જેસીબી મશીનથી / મશીનની મદદથી તોડી પાડી છે.

મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં કેટલીય વખત ભગતસિંહને યાદ કરી ચૂક્યા છે.

આપના આ વાંચવું ગમશે

એ જ ભગતસિંહ લેનિનથી ભારે પ્રભાવિત હતા અને ફાંસીએ ચડતા પહેલાં પણ તેઓ લેનિનનું પુસ્તક જ વાંચી રહ્યા હતા.


ભગતસિંહ અને લેનિન

Image copyright CHAMANLAL

ભગતસિંહના જીવનમાં લેનિનનો ભારે પ્રભાવ જોવા મળે છે. વરિષ્ઠ પત્રકાર કુલદિપ નૈયરના પુસ્તકમાં 'ધ માર્ટર : ભગતસિંહ - એક્સ્પરિમેન્ટ ઇન રેવલ્યૂશન'માં આ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે.

પુસ્તકમાં લાહોર ષડયંત્રનો ઉલ્લેખ કરીને અય્યર લખે છે, ''21 જાન્યુઆરી 1930 ના દિવસે આરોપીઓ કોર્ટમાં લાલ સ્કાર્ફ બાંધીને પહોંચ્યા. જેવા મૅજિસ્ટ્રેટ ખુરશી પર બેઠા કે ભગતસિંહ અને તેમના સાથીઓએ 'લેનિન ઝિંદાબાદ'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું.''

''ભગતસિંહે એ બાદ એ ટેલિગ્રામ પણ વાંચ્યો કે જે તેઓ લેનિનને મોકલવા માગતા હતા. ટેલિગ્રામમાં લખ્યું હતું કે, ''લેનિન દિવસ પર અમે એ બધા જ લોકોને હૃદયપૂર્વક નમસ્કાર કરીએ છીએ કે જે મહાન લેનિનના વિચારોને આગળ વધારી રહ્યા છે.''

ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓ લાહોર ષડયંત્રમાં આરોપી હતા.

અંતિમ સમય અને લેનિન

ભગતસિંહને ફાંસી અપાઈ એના બે કલાક પહેલાં જ વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા પહોંચ્યા. તેમની પાસે ભગતસિંહે લેલિનનું પુસ્તક મંગાવ્યું હતું.

પ્રાણનાથ મહેતાને જોતા જ ભગતસિંહ બોલ્યા, 'મારા માટે 'રેવલ્યૂશનરી લેનિન' પુસ્તક લાવ્યા કે નહીં?' મહેતાએ જ્યારે તેમને પુસ્તક આપ્યું તો ભગતસિંહ એ જ સમયે વાંચવા લાગ્યા.

પ્રાણનાથ મહેતાના જવાના થોડા સમય બાદ જ જેલના અધિકારીઓએ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને જણાવ્યું કે ત્રણેય ક્રાંતિકારીઓને નક્કી કરેલા સમય કરતા બાર કલાક વહેલી ફાંસી આપવામાં આવશે.

એ વખતે ભગતસિંહ લેનિનનું પુસ્તક વાંચી રહ્યા હતા. તેઓ બોલ્યા, ''શું તમે મને આ પુસ્તકનું એક પ્રકરણ પણ પૂરું નહીં કરવા દો?''

ભગતસિંહે ફાંસીના લગભગ બે મહિના પહેલાં પોતાના સાથીઓને એક પત્ર લખ્યો હતો. 'બંગાળમાં સંયુક્ત મોરચા આંદોલનની પ્રગતિ પર નોંધ' નામના બ્રિટિશ સરકારના દસ્તાવેજમાં આ પત્રને સંકલિત કરાયો હતો.

'સાથીઓને નામ' લખેલા આ પત્રમાં ભગતસિંહ લખે છે, ''ક્રાંતિકારીઓએ એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે તેઓ આમૂલ પરિવર્તન લાવનારી ક્રાંતિ માટે લડી રહ્યા છે.

ક્રાંતિકારીઓએ દાવપેચ અને રણનીતિ સંબંધીત લેનિનના જીવન અને લેખન પર વિચાર કરવો જોઈએ.''

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

લેનિનની પ્રતિમાને તોડી પડાયા બાદ સોશિયલ મીડિયા પર #Lenin ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સિસ્ટ)ના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું, ''તમે અમારી પ્રતિમાઓ તોડી શકો પણ અમારી હિંમત નહીં તોડી શકો.''

રુપેશ ગુપ્તા નામના ટ્વિટર યુઝરે લખ્યું, ''અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનીઓ સત્તા પર આવ્યા ત્યારે તેમણે પણ આ જ કર્યું હતું. બુદ્ધની સૌથી મોટી પ્રતિમા તોડી નાખી હતી. ત્રિપુરામાં લેનિનની પ્રતિમાઓ તોડાઈ રહી છે અને રામ માધવ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સૌભાગ્યથી આ દેશ અફઘાનિસ્તાન નથી પણ લોકત્રાંત્રિક હિંદુસ્તાન છે.''

@sidmtweets નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું, ''માફ કરશો. પણ જો કોઈ દિવસે ભાજપ હારી ગયો અને જે રીતે આજે લેનિનની પ્રતિમા સાથે થયું એ રીતે દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને તોડવાને હું યોગ્ય નહીં માનું. આ બન્નેથી હું ક્યારેય સહમત નથી રહ્યો. યાદ રહેવું જોઇએ કે આપણે ઇરાક કે મધ્યપૂર્વમાં નથી રહેતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ