દલિતો ઘોડી પર ચડે તેનાથી સવર્ણોને તકલીફ કેમ?

મૃતક યુવાન પ્રદીપ રાઠોડની ઘોડા પર બેસેલી તસવીર Image copyright Social Media/Bhargav Parikh
ફોટો લાઈન મૃતક યુવાન પ્રદીપ રાઠોડ

રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયાએ વિધાનસભામાં ગત દિવસોમાં એક રસપ્રદ પરંતુ ચિંતાજનક માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં દલિત વરરાજાઓને ઘોડી પર ચડતા રોકવા સંબંધે 38 ફરિયાદો નોંધાઈ હતી. એવી ઘટનાઓ સતત બનતી રહે છે.

મધ્ય પ્રદેશના રતલામની બે વર્ષ પહેલાંની એક તસ્વીરે લોકોને ચોંકાવી દીધા હતા.

એક દલિત વરરાજાએ ત્યાં હેલ્મેટ પહેરીને ઘોડી પર ચડવું પડ્યું હતું કારણ કે એ લગ્ન વખતે ઘોડી પર ચડે એવું ગામના સવર્ણો ઇચ્છતા ન હતા.

પહેલાં તો તેની ઘોડી છીનવી લેવામાં આવી હતી. પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાથી વરરાજાને બચાવવા માટે પોલીસે હેલ્મેટનો બંદોબસ્ત કર્યો પછી ફુલેકું કાઢી શકાયું હતું.

ઉત્તર પ્રદેશના કાસગંજમાં પોલીસે તાજેતરમાં સત્તાવાર રીતે જણાવી દીધું હતું કે દલિત વરરાજાનું ઘોડી પર સવાર થવું શાંતિ માટે જોખમી છે.

દાદરી જિલ્લાના સંજરવાસ ગામમાં ગત વર્ષે એક દલિત વરરાજાની જાન આવી ત્યારે રાજપૂતોએ તેના પર હુમલો કર્યો હતો.

તેમાં વરરાજા સંજય સહિત ઘણા જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો ઘાયલ થયા હતા.

હુમલાખોરોએ જણાવ્યું હતું કે દલિત વરરાજા ઘોડી પર સવાર થઇને લગ્ન કરવા આવી ન શકે કારણ કે તેમને તેવો અધિકાર નથી.

હરિયાણાના કુરુક્ષેત્રમાં બે વર્ષ પહેલાં દલિત સમાજની એક જાન પર સવર્ણોએ એવું કહીને હુમલો કર્યો હતો કે દલિત વરરાજા ઘોડાની બગીમાં સવાર થઈને અમારા મંદિરમાં આવી ન શકે. જવું હોય તે રવિદાસના મંદિરે જાય.

પોલીસે સલામતીની વ્યવસ્થા કરી હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી.

લગ્નની સીઝનમાં લગભગ દર સપ્તાહે દેશના કોઇને કોઈ વિસ્તારમાંથી આવી ઘટનાના સમાચાર આવે છે.

આ ઘટનાઓમાં એક વાત સમાન હોય છેઃ વરરાજા દલિત હોય છે, તે ઘોડી પર સવાર થયો હોય છે અને હુમલાખોરો સવર્ણ સમુદાયના લોકો હોય છે.


આ ઘટનાઓનો અર્થ

Image copyright Sanjay Jatav
ફોટો લાઈન ઉત્તર પ્રદેશના રહેવાસી સંજય જાટવને કાસગંજ જિલ્લામાં જાન કાઢવાની પરવાનગી મળતી નથી

સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આવી ઘટનાઓના બે અર્થ છે.

એક, ઘોડી પર ચડવાની રસમ પહેલાં દલિત સમુદાયમાં ન હતી. સવર્ણો જ નહીં, દલિતો પણ માનતા કે ઘોડી પર ચડવાની રસમ માત્ર સવર્ણોની છે.

હવે દલિતો એ ભેદભાવમાં માનતા નથી અને દલિત વરરાજાઓ પણ લગ્ન વખતે ઘોડી પર સવારી કરતા થયા છે.

દલિતો ઉપલા વર્ગના લોકો જેવા દેખાવાના પ્રયાસ કરી રહ્યા છે. તેને લોકશાહીની અસર પણ કહી શકાય.

લોકશાહીએ દલિતોમાં પણ સમાનતા અને આત્મસન્માનની ભાવના પેદા કરી છે. પછાત વર્ગોમાં શરૂ થયેલી આ પ્રક્રિયા હવે દલિતો સુધી પહોંચી છે.

બીજું, સવર્ણો એટલે કે ઉપલા વર્ગની જ્ઞાતિઓ આ વાતનો સહજતાથી સ્વીકાર કરી શકતા નથી.

તેઓ માને છે કે ઘોડી પર સવારી કરીને લગ્ન કરવા જવું એ સવર્ણ વરરાજાનો જ અધિકાર છે. અન્ય કોઈ એ અધિકાર લઈ શકે નહીં.

આ પરિવર્તનને રોકવાના તમામ પ્રયાસ સવર્ણો કરી રહ્યા છે. તેમાંની એક રીત છે હિંસા અને હિંસા આચરવા બદલ સવર્ણો અરેસ્ટ થઈને જેલમાં જવા માટે પણ તૈયાર છે.

આધુનિકતા અને લોકશાહીના સમયમાં પણ સવર્ણો એ નથી સમજી શકતા કે દરેક નાગરિક સમાન છે.

બિહારમાં પછાત વર્ગના લોકોએ દાયકાઓ પહેલાં જનોઈ પહેરવાનું અભિયાન ચલાવ્યું ત્યારે આવી હિંસક પ્રતિભાવ જોવા મળ્યો હતો અને અનેક લોકો માર્યા ગયા હતા.

અત્યારે પણ ઘણી જગ્યાએ દલિતો મંદિરોમાં પ્રવેશવાના પ્રયાસ કરે ત્યારે તેનો હિંસક પ્રતિભાવ જોવા મળે છે.


આ તે કેવી માનસિકતા?

Image copyright Narayan Bareth/BBC
ફોટો લાઈન રાજસ્થાનમાં દલિત વિસ્તારમાં રહેતા નીરજ જાટવની હોળી વખતે માર મારીને હત્યા કરવાનો આરોપ છે

ત્રણ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં આવો એક કિસ્સો નોંધાયો હતો.

પ્રતાપગઢના રેહુઆ લાલગંજ ગામમાં રહેતા બે ભાઈ રાજુ અને સરોજે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી ત્યારે ગામના સવર્ણોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો.

રાજુ અને સરોજે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી તેનું દેશભરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેન્દ્રના તત્કાલીન માનવ સંસાધન વિકાસ પ્રધાને બન્ને ભાઈઓની ફી તથા અન્ય ખર્ચ માફ કરવાની જાહેરાત કરી હતી ત્યારે ઉપરોક્ત ઘટના બની હતી.

આ પ્રકારની પણ નોંધાતી ન હોય તેવી ઘટનાઓનું પ્રમાણ ઘણું વધારે છે. રાષ્ટ્રીય સ્તરે તેની ચર્ચા થતી નથી.

ઘોડી પર સવાર થયેલા એક વરરાજા પરનો હુમલો દેશમાં સેંકડો દલિત વરરાજાઓને ઘોડી પર ચડતાં રોકતો, સામાજિક સમાનતા તરફ પગલું ભરતાં રોકતો હોય છે.

ખાસ કરીને ગામડાંઓમાં સમાજ હજુ પણ સ્થિર છે અને દલિતો ઘણી જગાએ આર્થિક રીતે સવર્ણો પર નિર્ભર છે. તેથી સવર્ણો નારાજ થાય તથા પોતાનો આર્થિક સ્રોત બંધ થઈ જાય એવું કંઈ પણ દલિતો કરતા નથી.

આ ઘટનાઓને અત્યાર સુધી દલિત અત્યાચારની દૃષ્ટિએ મૂલવવામાં આવે છે. હવે આવી ઘટનાઓને સવર્ણોની સમસ્યા સ્વરૂપે મૂલવવામાં આવે એ જરૂરી છે.

બીમાર સમાજ જ કોઈ વરરાજાને ઘોડીએ ચડતાં રોકે કે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા યુવાનોના ઘર પર પથ્થરમારો કરે.

વિશ્વના એકેય દેશમાં આવી ઘટનાઓને સામાન્ય નહીં ગણવામાં આવે. એકવીસમી સદીમાં તો કોઈ પણ સંજોગોમાં આવી ઘટનાઓને સામાન્ય ગણવી ન જોઈએ.

મનોચિકિત્સકો અને સમાજવિજ્ઞાનીઓએ આવી બીમાર માનસિકતાનો અભ્યાસ કરવો જોઈએ.


આધુનિકતા સાથેનું પછાતપણું

Image copyright Getty Images

આધુનિકતા અને લોકતંત્રના આટલાં વર્ષોના અનુભવ પછી પણ કેટલાક સમુદાય સભ્ય કેમ બની શકતા નથી એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

એવી કઈ બાબતો છે, જેને કારણે સવર્ણો એ માનવા તૈયાર નથી કે અન્ય જ્ઞાતિના લોકો પણ તેમના જેવા જ માણસ છે.

સવર્ણો એ માનવા કેમ તૈયાર નથી કે તેમને કોઈ જન્મજાત વિશેષાધિકાર નથી કે કેટલાક લોકો અન્ય જ્ઞાતિમાં જન્મ્યા હોવાથી નીચ નથી.

જુના સમયમાં સવર્ણોને કેટલાક વિશેષાધિકાર હતા, પણ લોકતંત્રમાં તેમને એ સુવિધા ઉપલબ્ધ નથી.

આ બાબતને ભારતીય આધુનિકતાની સમસ્યાની દૃષ્ટિએ ધ્યાનમાં લેવી જોઈએ.

યુરોપ અને અમેરિકામાં પરંપરા તથા પુરાતનની કબર પર આધુનિકતાનો વિકાસ થયો છે. તેમાં જે કંઈ સામંતી કે પતનશીલ હતું તેને હટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

ચર્ચ અને પાદરીઓએ પાછળ જવું પડ્યું ત્યારે બર્બર યુરોપ બદલાયું અને ત્યાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ભારતમાં આવી કોઈ ક્રાંતિ થઈ નથી.


ભારતમાં ક્રાંતિ ક્યારે?

Image copyright AFP

યુરોપ પાસેથી આધુનિકતાના પાઠ ભણીને તથા ભારતીય પરંપરાના નામે ચાલતો અન્યાય ભારતના જ ગળે વળગ્યો છે.

જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ નથી. એટલે જ ઉપગ્રહ પ્રક્ષેપણની સફળતા માટે મંદિરોમાં પૂજા કરવાનું સામાન્ય ગણવામાં આવે છે.

આપણે ત્યાં ઇન્ટરનેટ જેવા આધુનિક પ્લેટફોર્મ પર જ્ઞાતિ અને ક્મ્યુનિટી આધારિત મેટ્રોમોની વેબસાઈટ્સ ચાલે છે.

જ્ઞાતિવાદ એક વ્યાપક સમસ્યાનો જ એક હિસ્સો છે, જ્યાં વૈજ્ઞાનિક ચેતના અને લોકતાંત્રિક વિચારધારાની ટક્કર દરેક સ્તરે જોવા મળી રહી છે.

દિલ્હીમાં અરબિંદો માર્ગ પર આઈઆઈટીના ગેટ પર શનિ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં ટીચર્સ અને સ્ટુડન્ટ્સ સરસવનું તેલ ચડાવે છે એ ધાર્મિક બાબત છે?

એક બળદગાડા સાથે એન્જિન જોડી દેવામાં આવ્યું હોય તેવો ભારતીય સમાજ ઘણા મામલાઓમાં થઈ ગયો છે.

ભારતે લોકતંત્ર જેવી આધુનિક શાસન વ્યવસ્થા તો અપનાવી લીધી છે, પણ સમાજમાં ધર્મ તથા જ્ઞાતિ વાડાબંધીનો આધાર બની રહ્યા છે.

આ બાબતને બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સભામાં ભારતીય લોકતંત્ર માટે ભવિષ્યનો સૌથી મોટા પડકારના સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો.

બાબાસાહેબ આંબેડકરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનો એક મત અને દરેક મતનું મૂલ્ય તો છે પણ દરેક વ્યક્તિ સમાન નથી. એ પરિસ્થિતિ બદલાવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

દલિત વરરાજા ઘોડી પર ચડે ત્યારે તેમના પર પથ્થર ફેંકતા સવર્ણોએ ભારતીય બંધારણના નિર્માતાઓને નિરાશ કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ